દરિયો પૂરી દેતાં માછલીઓ ગાયબ, 12 હજાર માછીમાર પર આફત કોણે નોતરી ?

માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં રણ 5 વર્ષથી મીઠું પકવતાં ઉદ્યોગપતિઓએ કચ્છના અખાતની અનેક ખાડી બંધ કરી દીધી છે. જે રીતે અદાણીએ કચ્છ મુંદ્રામાં કરેલું એ રીતે અહીં પણ થયું છે. જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમા રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતીઓ એ ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી નાખતા દરિયાઈ પાણીની અવર-જવર બંધ કરી દીધી છે.

અર્ધ સાગર – રણ વિસ્તારમાં માટીના પાળાઓ બનાવી દઈને મોટાપાયે ખોદકામ કરેલું છે. તેથી દરિયાનું પાણી વહન કરતી ખાડીઓ બંધ થયેલી છે. પાણીની અવરજવર બંધ થતા માછલીઓ પેદા થતી બંધ થઈ છે. તેથી માછીમારીનો વ્યવસાય પડી ભાંગ્યો છે. માળિયાના સાગરકાંઠા વિસ્તારમાં નવલખી બંદરથી લઈને ટીકર રણ સુધી 15 માછીમારી કાંઠા – સ્થળો આવેલા છે જેમાં 12 હજાર પરિવારો માછીમારો માછલી પકડવાનું કામ કરે છે.

ગેરકાયદે મીઠુ પકવતાં અને પાળા બનાવવાની મંજૂરી ન હોવ છતાં પાળા બાંધીને ગેરકાયદે કામ થઈ રહ્યું છે. જેને રોકવાની માંગ થઈ હતી. જેમાં કોઈ પગલાં ન લેવાતા એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા. માળિયા વિસ્તારના જાજાસર, બગસરા, વવાણીયા, હંજીયાસર, કાજરડા, ચીખલી, વેણાસર સહિતના ગામો સાગર કાંઠે વસતા ગામો છે. કાંઠા પર બોટ દ્વારા જતા હોય છે.

ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ચાલી રહેલા આંદોલનમાં એક દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. આંદોલનને પગલે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે ઉપવાસીઓની મુલાકાત લીધી હતી. આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી અને માળિયા મહિલા શક્તિ સંગઠન સહિતની સંસ્થાઓ લડત ચલાવી રહી છે. હાલ નાયબ વન સંરક્ષક દ્વારા મૌખિક ખાતરી આપી છે કે પગલાં ભરાશે પણ લેખિત ખાતરી ન મળતા હવે ગાંધીનગરમાં આંદોલન કરવા માટે ગુજરાત સરકારને લેખિતમાં જાણ કરી છે.

માળિયાના અનેકગામ વિસ્તારો સાગર કાંઠે વસે છે જે ગામના મોટાભાગના પરિવારો માછીમારીના વ્યવસાય પરનભે છે ત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન માટે માછીમારો પાસેથી વિવિધ માહિતી માંગવામાંઆવી છે જે ખરેખર મત્સ્યોધ્યોગ કચેરી પાસે હોવા છતાં ખોટી કનડગત કરવામાં આવતી હોયજેથી માછીમારોની રોજગારી છીનવાઈ જાય તેવી ભીતિ સાથે રોષ વ્યાપી ગયો છે.

ગત માસે પબ્લિક હિયરીંગ સમયે માછીમારોની મંડળી વતી નકશો ફિશરીઝ વિભાગને આપ્યો હતો અને જે કાંઠા બાકી હોય તે માછીમારી કાંઠા ફ્રી ક્રાફ્ટમાં સમાવવા માટે જણાવ્યું હતું. કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં માછીમારી વિસ્તારને સુરક્ષિત રાખવા માટે બાંધકામ સહિતની ગતિવિધિઓ માર્યાદિત રહે એવી જોગવાઈ છે. પણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અમલવારીમાં સ્થાનિક તંત્રની મનમાનીથી માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે.

ચેરિયાવાંઢ વિસ્તારમા ઉધોગપતિઓ દ્વારા ગેરકાયદેસર પેશકદમી અને દરીયાઈ પાણીને રોકવા બનાવેલ મહાકાય માટીના પાળાની સ્થળ વિઝિટ કરી તેની સામે જરુરી કાર્યવાહી કરવાની માછીમારોને ખાત્રી આપી હતી.

મીઠાના ઉધોગપતિઓ એ બનાવેલા ગેરકાયદેસર માટીના મહાકાય પાળા તંત્ર દ્વારા તોડી પાડવામા નહીં આવે તો આગામી દિવસોમા ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ અને ગાંધીનગર ખાતે બે હજાર માછીમારો ન્યાય માટે ધામા નાખશે.

આર.ટી.આઈ એકટીવેટ હરેશભાઈ બાલાસરાએ પણ ઉધોગપતિઓ દ્વારા ચેરના જંગલોને અને માછીમારોને ભારે નુકશાન કરતા તત્વો સામે ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવાની અને જાહેર હિતને નુકશાન પહોચાડવા સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ બતાવી હતી.

ક્ષાર પ્રદેશ નિવારણ કાર્યક્રમ હેઠળ માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.