ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૮: દેશભરના જવેલરો આજે દશેરાના શુભ અવસરે ગ્રાહકોને આકર્ષિત કરવા જાગતિક ભાવ ૧૫૦૫ ડોલર સામે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૨૦ ડોલર (ગત સપ્તાહે ૭ ડોલર)નું સ્ટોક ક્લીયરીંગ સેલ ડીસકાઉન્ટ ઓફર કર્યા છતાં અર્ધશહેરી અને ગ્રામ્ય જવેલરોને પુરતા ગ્રાહકો મળ્યા ન હતા. શહેરી જવેલરોને ત્યાં એકાદ મહિના અગાઉ, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૩૫થી ૩૬ હજાર હતા ત્યારે, ૪૦ ટકા જેટલું પ્રી-દશેરા જવેરાત બુકિંગની ડીલીવરી લેવા મૂહર્ત જોઇને બજારમાં આવ્યા હોવાથી મુંબઈ, અમદાવાદ, પુના, દિલ્હી જેવા શહેરોની જવેરી બજારમાં ચહલકદમી જોવા મળી હતી.
બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરાલા, ગુજરાત જેવા રાજ્યોના પૂરગ્રસ્ત ગ્રામ્ય જવેલારોને ત્યાં ગ્રાહકોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. અર્ધાશહેરી જ્વેલરોની ઘરાકી સ્ટોક કલીયરીંગ કરવામાં નિષ્ફળ ગઈ હતી. મુંબઈના ઝવેરી બજાર સ્થિત ઉમેદમલ ત્રિલોકચંદ જવેલર્સનાં કુમાર જૈને કહ્યું કે ગયા વર્ષે અમે રૂ. ૩૭,૧૯૦ના ભાવે પ્રમાણસર ઘરાકી જોઈ હતી, પણ આજે જીએસટી સાથેનો .૯૯૯ સોનાનો ભાવ રૂ. ૩૯,૪૦૦ જેવા ઉંચા હોવાથી પરંપરાગત ગ્રાહકો શુભમુહુર્ત સાચવી લેવા ટોકન ખરીદી કરી રહ્યા છે. દુકાનમાં અત્યારે (બપોરે ૩.૩૦ વાગ્યે) ગ્રાહકોની થોડી ભીડ જોવાઈ રહી છે, તેમાં દશેરા પૂર્વેની પ્રીબુકીંગ ડીલીવરીના ગ્રાહકો સામેલ છે.
ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઈજ્મા)નાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે ભૂ-ભૌગોલિક સમસ્યાઓ અને નબળો આર્થિક વિકાસ જોતા વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેજી તરફી રહેવાના, ભારતમાં નબળો રૂપિયો અને સતત ઘટતી ખરીદશક્તિએ ગ્રાહકોને જવેરી બજારથી દુર રહેવાની ફરજ પાડી છે. એક અનામી જથાથાબંધ જવેલરી નિર્માતા અને બુલિયન ડીલરે કહ્યું કે ભૂતકાળની પરંપરાથી વિપરીત આ વર્ષે જવેલરોએ અમારે ત્યાં અને અન્યત્રથી પ્રિદશેરા જવેલરીનો નવો સ્ટોક સાવ મામુલી ખરીદ્યો છે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના ડીરેક્ટર મુકેશ કોઠારીએ કહ્યું કે દશેરાના દિવસે આયાત પડતર પર ૧૦ ગ્રામે રૂ. ૫૦૦નુ ડિસ્કાઉન્ટ એ અભૂતપૂર્વ ઘટના છે.
મુકેશ કોઠારી અને સુરેન્દ્ર મહેતા કહે છે કે દશેરાના દિવસે આ સ્થતિ છે, તો પછી ધનતેરસ અને લગ્નસરા પછીના જવેરીબજારીના દિવસોની કલ્પના, અત્યારથી જ ધ્રુજાવી મુકે તેવી છે. ધીમું અર્થતંત્ર, પુરની આફત, નબળો રૂપિયો, બેરોજગારીની સમસ્યા અને ઘટી રહેલી ખરીદ શક્તિ તમે કોને દોષ આપશો? અમદાવાદના જવેલર મનોજ સોની કહે છે કે આ વર્ષે ઊંચા ભાવ જોઇને અમારા પરંપરાગત ગ્રાહકો હજુ સુધી પ્રિવેડિંગ બુકિંગ માટે પણ આવ્યા નથી, તેથી બજારની વર્તમાન અને ભાવી સ્થિતિનું આકલન કેમ કરી શકાય.
કલકત્તાના એક જવેલર્સ પોતાનું નામ આપવાની અનિચ્છા સાથે કહે છે કે દશેરા અને તે અગાઉ મોટા મૂલ્યની જવેલરી ખરીદતા ગ્રાહકોને કરવેરા અધિકારીઓની સ્ક્રુટીનીનો ભય લાગી રહ્યો છે, તેનો પડછાયો અમારા ધંધા પર પડ્યો છે. રૂ. ૫૦૦૦૦ ઉપરની ખરીદી સામે કેવાયસી ફરજીયાત હોવાથી અમારા હાથ પણ બંધાઈ ગયા છે. જેમની પાસે નાની મોટી બચત છે, તેવા ગ્રાહકો ટીવી, મોબાઈલ કે અન્ય ગેજેટ્સ ખરીદી રહ્યા છે. ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જેવલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નીતિન ખંડેલવાલ કહે છે કે અમને તો હવે ધનતેરસ અને લગ્નસરાની ઘરાકી પણ નિષ્ફળ જવાનો દર લાગી રહ્યો છે.