દાંતાના લોટોલ ગામે માણેકનાથની ગુફા અમદાવાદના માણેકચોકમાં નિકળે છે

અવકાશથી લઇને પ્રાચીન નગરીઓના સંશોધનોમાં ઘણું કામ થાય થાય છે પણ પ્રાચીન ગુપ્ત ભોંયરાઓના સંશોધનમાં મંજૂરીઓ કે મદદ સરકાર આપતી નથી તેવી હતાશા આ વિષયના સાહસિકોમાં છે અને આવા જ કારણોસર વિશ્વની સૌથી લાંબી કુદરતી ટનલ કે ભોંયરૂ મનાતા એવા દાંતાના લોટોલ ગામની માણેકનાથની ગુફા અને ભોંયરાનું રહસ્ય વણ ઉકલ્યું છે.

          દેશના રજવાડાઓના અનેક માનવ સર્જિત ભોંયરાઓના ભેદ આજે પણ અકબંધ છે. પદ્મનાભનના ભોંયરાઓમાંથી નીકળેલા અનર્ગળ ખજાનાની વાત સિવાય પણ આવા ભોંયરાઓમાં તત્કાલિન સ્થાપ્ત્ય કલાનો વારસો અને રાજકીય ઇતિહાસના અનેક રહસ્યો ધરબાયેલા છે. અનેક જગ્યાઓએ કુદરત સર્જિત ભૂગર્ભ ટનલો પણ છે. તેમાંય દાંતાના ડુંગરાઓમાંથી શરૂ થઇને અમદાવાદના માણેકચોક સુધી નીકળતું હોવાનું મનાતા અને માણેકનાથના ભોંયરાના નામે જાણીતા કુદરતી ભોંયરાની લંબાઇ તેના કથિત મુખથી 165 કીલોમીટરની મનાય છે. આ ભોંયરાનું પ્રવેશ દ્વાર મનાતી જગ્યા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટોલ ગામ નજીકની પહાડીઓમાં આવેલી છે જે માણેકનાથની ગૂફા તરીકે ઓળખાય છે.

          સદીઓ પુરાણા મનાતા આ ભોંયરાની રચના, હવા ઉજાસ પાણીની વ્યવસ્થા બાબતના અનેક રહસ્યો સતત કુતુહલ જન્માવે છે.  આ બાબતે સંશોધનોમાં કોઇને ઝાઝો રસ હોય કે નહી પણ બનાસકાંઠાના હડાદ ખાતે ચાલતા વૈશ્વિક પ્રાચીન ભૂગર્ભ ગુપ્ત ભોંયરા સંશોધન કેન્દ્રના કન્વિનર અને તેમના સિત્તેરેક મરજીવા કાર્યકરો ભારે જહેમત અને રસપૂર્વક સ્વખર્ચે આ સાહસિક કામ કરી રહ્યા છે. થોડાક વરસો પૂર્વે સાહસિકોની એક ટીમે આ માણેકનાથની ગૂફામાં ઉતરીને આ ભોંયરાનો તાગ મેળવવા કોશિષ પણ કરી હતી. જો કે ચારસો પાંચસો ફૂટ પ્રથમ વાંકા વળીને અને આગળ જતાં પેટે ઘસડાઇને ગયા પછી ગુફાની અંદર પડતા અનેક ફાંટાઓમાં ગુમરાહ થવાથી અને ભેદી ગેસની અસરથી બેટરીઓના પ્રકાશ છતાં દેખાવાનું બંધ થઇ જતાં સાહસવીરોને પરત ફરવુ પડ્યુ હતું.

          આમ આ સંશોધન અધુરૂ મુકાયા બાદ આ બાબતે અફસોસ વ્યક્ત કરતા આ ટીમના લીડર અને માર્ગદર્શક એવા રતિભાઇ પટેલે એ સમયે જણાવ્યું હતુ કે, અમારી ટીમ સ્વખર્ચે, જાનના જોખમે અને સ્વયંભૂ રીતે આવા પ્રાચીન ભોંયરાઓમાં ઉતરીને સંશોધન કરવા માગે છે અને આ સંશોધનમાં જે કંઇ હાથમાં આવે તે તમામ સરકારને આપી દેવાની અને જીવના જોખમની જાત જવાબદારીની ખાત્રી આપવા છતાં અમોને પરમિશનો મળતી નથી. આવા કામમાં ભોંયરાઓની અંદર જનાર માટે વાયરલેસ સેટ, ભોંયરાઓની અંદરના પોલાણો શોધવા અને કોઇ દટાઇ જાય તો તેને શોધવા વાય.કે. કીરણોના સાધનો તેમજ ભોંયરાઓની અંદર કાળક્રમે જો કોઇ ભેખડ ધસી ગઇ હોય તો ખોદાણની પણ મંજૂરીઓ લેવી પડે છે જે મળતી નથી. આમ આ પ્રાચીન ભોંયરાના ભેદ આજે પણ કુતુહલનો વિષય જ છે.