પાલનપુર, તા.૨૫
2018માં દાંતીવાડાના તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. જેને પગલે આરોપી ચંદ્રકાંત જોશી વિરુદ્ધ પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના રહેણાક એવા સરકારી ક્વાર્ટરમાંથી રૂ. 13 લાખ 75 હજાર 930ની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા આ રકમ આરોપીએ ભ્રષ્ટ્રાચાર આચરી ગેરકાયદે રીતે પ્રાપ્ત થઈ હોવાનું સામે આવતા પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અગાઉ આ આરોપી વિરુદ્ધ એક ટ્રેપ કેસ અને એક ડીમાન્ડ કેસના ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રેપ દરમિયાન આરોપીએ નાણા ગળી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને લઈ તેમનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.