દાંતીવાડા, તા.૦૨
બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી.
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું તેલ ઘણું જ સુગંધીત હોય છે અને તેની વૈશ્વિક બજારમાં ખૂબ ઊંચી કિંમત હોય છે. ભારત સરકારે વર્ષ 2003માં ખેડૂતો ચંદન વાવી શકે તે માટે છૂટછાટ આપી. જે બાદ વિનોદ પટેલ જેવા ગણતરીના ખેડૂતોએ ચંદનની ખેતી પર હાથ અજ્માવ્યો છે. જો કે વિનોદભાઈ અનેક ખેડૂતો માટે હાલમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. તેઓએ આ ખેતી કર્યા બાદ આજુબાજુના અનેક ખેડૂતો આ ખેતરની મુલાકાત લઈ ચંદનનાં વાવેતર પાછળના બમ્પર વળતરના ફાયદા અંગેની જાણકારી મેળવી રહ્યા છે.
વિનોદ પટેલે 600 જેટલા ચંદનનું વાવેતર કર્યું હતું. પરંતુ તેમાંથી 100 જેટલા ચંદન બળી ગયા હતા, તેમ છતા હિંમત ન હારી ચીલાચાલુ ખેતી છોડી કાંઇક નવું કરી ચંદનનું સફળ વાવેતર કરી અન્ય લોકોને પણ કાંઇક નવું કરવા પ્રેરણા આપી રહ્યા છે. ચંદનના વાવેતરથી સમગ્ર આપસપાસના વિસ્તારમાં શિતળતા અને હરીયાળી ફેલાઇ છે.
ચંદનનું લાકડું ખૂબજ મોંઘું હોવાથી તેની ખેતી પણ સાવચેતી અને નિયમ પ્રમાણે કરવી પડે છે. એક એકર જમીનમાં 500-600 રોપાનું વાવેતર કરાય છે. બે છોડ વચ્ચે દસ ફૂટ અંતર રાખવું જરૂરી છે. એક રોપાને અઠવાડીયે 8 થી 10 લીટર પાણી જરૂરી છે. ચંદનની આજુબાજુમાં મહેંદી તુવેર, લીંબડી, સેતુરી, શરૂ સહિતના રોપા વાવવા જરૂરી છે.
12 વર્ષ બાદ એક વૃક્ષમાંથી ચંદનનું આશરે 15 થી 20 કિલો લાકડું મળશે. ચંદનનો બજારભાવ હાલ રૂ.3000 કિલો છે. જો હાલના ભાવે ગણતરી કરીએ તો પણ તેમને વૃક્ષદીઠ 50 હજાર રૂપિયાનું વળતર મળી શકે તેમ છે. જોકે, 12 વર્ષમાં તો ચંદનના ભાવ હાલ કરતા દસ ગણા થઈ ગયા હોય તો નવાઈ નહીં. આમ, જ્યારે વિનોદભાઈ ચંદનનું આ લાકડું વેચશે ત્યારે તેમને કરોડો રુપિયાની કમાણી થશે.
પથ્થરાળ જમીન હોવાથી ખેડૂતો અહીં એરંડા અને મગફળી સહિતના પાકનું જ વાવેતર વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ કેટલાક સમયથી ખેડૂતોમાં આવેલી જાગૃતતા અને કાંઇક નવું કરવાની ખેવનાથી ખેડૂતો વિવિધ નવી પધ્ધતિ અને યોજનાઓ થકી કૃષિક્ષેત્રે રાજ્યનો ડંકો વગાડી રહ્યા છે અને સફળ ખેતી કરી રહ્યા છે.
ચંદનનાં છોડ વનવિભાગ આપે છે
ચંદનનાં છોડ સરળતાથી મળે છે અને વનવિભાગ પણ છોડ આપે છે. પહેલા 100 રૂપિયાનો 1 છોડ મળતો હતો, પરંતુ હવે 10 રૂ. પ્રતિ છોડ કિંમત છે. વાવણીનાં 12 વર્ષ પછી તેમાં ડ્રીલીંગ કરાય છે અને તેમાંથી સુગંધ આવે તો જ તેનું કટીંગ કરાય છે.
ચંદન ત્રણ પ્રકાર
ચંદનએ ખૂબજ ઉપયોગી વસ્તુ છે. ચંદન ત્રણ પ્રકારના હોય છે. સફેદચંદન, લાલચંદન અને પીળુચંદન જેમાં સફેદચંદનનું વાવેતર વધારે પ્રમાણમાં કરાય છે.