અમદાવાદ,તા:૧૯ દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિયાન બોમ્બે હોટેલ પાસે શરીફ અને મહંમદ અનાયાસે ભેગા થઈ ગયા હતા. જ્યાં તેમના વચ્ચે શરૂઆતમાં શાબ્દિક ટપાટપી થઈ હતી. જો કે બાદમાં ઉશ્કેરાઈ જઈને મહંમદે પોતાની પાસેનું ચાકુ કાઢીને શરીફને ચારથી પાંચ ઘા મારી દીધા હતા. ઘટના બાદ તુરંત મહંમદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ચાકુના ઘા વાગતાં શરીફને સ્થાનિકો દ્વારા એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન શરીફનું મોત નીપજ્યું હતું.
શરીફની હત્યા અંગે તેની માતા કન્નોબાનુએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મહંમદ અક્રમ ઉર્ફે રાજા રિયાઝુદ્દીન કુરેશી સામે જૂની અદાવતમાં પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી મહંમદ અક્રમની મોડીરાત્રે ધરપકડ કરી છે. પોલીસે હત્યાના કારણ અંગે મહંમદની પૂછપરછ હાથ ધરી છે.