દારૂના કેસમાં વૉન્ટેડ આરોપીઓનો રામોલના પીએસઆઈ-એલઆરડી પર જીવલેણ હુમલો

અમદાવાદ, તા.11

પોલીસની વર્તમાન કાર્યપદ્ધતિના કારણે હવે ગુનેગારોમાં કાયદાનો જરાસરખો પણ ડર રહ્યો નથી. રાજ્ય ગૃહપ્રધાનના મતવિસ્તારમાં આવતા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. સામાન્ય પ્રોહિબિશન બુટલેગર્સ પણ હવે પોલીસ પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. રામોલ પોલીસના ચોપડે દારૂના કેસમાં વૉન્ટેડ બે આરોપીઓ ધરપકડથી બચવા પીએસઆઈ અને એલઆરડી પર ચપ્પા વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા છે. રામોલ પોલીસે અજિત વાઘેલા અને અક્ષય ઉર્ફે ભૂરિયા પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સ્થળ પરથી એક ચાકુ કબજે લીધું છે.

રાજ્યમાં વકરી રહેલી દારૂની બદીને ડામવા પોલીસવડાએ આદેશ કર્યો છે. જેના પગલે પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવા તેમજ ફરાર આરોપીઓને પકડવા કામે લાગી ગઈ છે. રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં બે આરોપીઓ પકડાયા છે, જ્યારે અન્ય બે આરોપી અજિત હમીરસિંહ વાઘેલા અને અક્ષય ઉર્ફે ભૂરિયો રસિકભાઈ પટેલ (બંને રહે. કૈલાસપાર્ક સોસાયટી) પોલીસ ચોપડે ફરાર છે. સુરોલિયા પોલીસ ચોકી પર ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ઓઘડભાઈ ભરવાડને ગુરુવારે રાત્રે નવ વાગ્યે બંને ફરાર આરોપી ભારવી ટાવર પાસે ચાની કીટલી ખાતે હાજર હોવાની બાતમી મળી હતી, જેથી પીએસઆઈ ભરવાડ એલઆરડી મનુભાઈ કેસરભાઈ સાથે સાડા નવ વાગ્યે પોતાના ટુ-વ્હીલર પર ભારવી ટાવર નજીક પહોંચ્યા હતા. આરોપી અજિત અને અક્ષયને પકડવા માટે પીએસઆઈ અને એલઆરડી આગળ વધ્યા ત્યારે બંને જણાએ ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો.

અજિત વાઘેલા પીએસઆઈ ભરવાડની છાતીમાં ચપ્પાનો ઘા મારવા જતાં તેમણે વચ્ચે હાથ નાખી દેતાં ડાબા હાથમાં ઈજા થઈ હતી. પીએસઆઈએ પોતાની પાસે રહેલી હેલમેટ વડે અજિત પર પ્રહાર કરતાં તે જમીન પર પટકાઈ ગયો હતો. જમીન પર પટકાયેલા અજિતે ઊભા થઈને પીએસઆઈના ગળા પર ચપ્પાનો વાર કરવાનો પ્રયાસ કરતાં અર્જુન ભરવાડ નીચે નમી જતાં સંતુલન ન જાળવી શકતાં જમીન પર પડી ગયા હતા. આ મોકાનો લાભ લઈ અજિતે પગની સાથળમાં ચપ્પાનો ઘા મારી દીધો હતો. બીજી તરફ અક્ષય ઉર્ફે ભૂરિયાએ એલઆરડીના પેટમાં ઘા મારવા ચપ્પુ ઉગામતાં મનુભાઈએ હાથ વચ્ચે નાખતાં તેમને ઈજા થઈ હતી. એલઆરડીએ અક્ષય ઉર્ફે ભૂરિયાને ધક્કો મારતાં તે નીચે પટકાયો હતો અને ચપ્પુ હાથમાંથી છૂટી ગયું હતું. જીવલેણ હુમલો કર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 108ને જાણ કરાતાં લોહીલુહાણ હાલતમાં પીએસઆઈ અને એલઆરડીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસ પર હુમલો થયો અને લોકો જોતા રહ્યા – હેડિંગ

રામોલના પીએસઆઈ એ.એ. ભરવાડ અને એલઆરડી પર બે શખ્સોએ જાહેરમાં ચપ્પા વડે થયેલા હુમલાનો તમાશો લોકો જોતા રહ્યા હતા. એક પણ વ્યક્તિએ પોલીસ પર થયેલા હુમલાને અટકાવવાનો પ્રયાસ કર્યો નહોતો. ફરિયાદમાં જણાવાયું છે કે, અજિત વાઘેલા અને અક્ષય ઉર્ફે ભૂરિયાએ પોલીસ પર હુમલો કર્યો ત્યારે હિતેશ બારોટ, હીરેન પંચોલી અને વિશાલ પંડ્યા ઘટનાના સાક્ષી છે.