દારૂના ચેકિંગના નામે એસટી ડ્રાઇવર કંડક્ટરની જાહેરમાં આબરૂ લૂંટાય છે

મહેસાણા, તા.૨૪ 

મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી બસમાં ફરજ પર ચડતા દરેક ડ્રાઇવર અને કંડકટરનું દારૂનું સેવન તો નથી કર્યું ને? તેનું બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ રાજ્યભરમાં હાથ ધરાયું છે. એસટી નિગમની સૂચનાના પગલે મહેસાણા વિભાગના તમામ 11 ડેપોમાં પણ આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, આ ટેસ્ટ જાહેરમાં કરાતો હોઇ કર્મચારીઓમાં કચવાટનો સૂર ઊઠ્યો છે. જાહેરમાં ડ્રાઇવર, કંડકટરોની દારૂ બાબતે ચેકિંગની રીત ખોટી છે. આવું કરતાં સમાજ અને મુસાફરોમાં ખોટી છાપ ઊભી થાય છે. અમારો ચેકિંગ થાય તેની સામે કોઇ વાંધો નથી, પરંતુ જાહેરમાં નહીં રૂમમાં ચેકિંગ કરવું જોઇએ તેમ કર્મચારીઓ કહી રહ્યા છે.

તાજેતરમાં ચેકિંગ ડ્રાઇવ દરમિયાન સૌરાષ્ટ્રમાં બે-ત્રણ આલ્કોહોલ પોઝિટિવ મળ્યા હતા. જેને પગલે આખા રાજ્યમાં ચેકિંગ હાથ ધરાયું છે. ઇન્ચાર્જ વિભાગીય નિયામક વિનુભાઇ ચૌધરીએ કહ્યું કે, મુસાફરોની સુરક્ષા માટે ચેકિંગ કરાઇ રહ્યું છે. બસ સ્ટેશનથી ડ્રાઇવર ફરજમાં ચડે એટલે બ્રીથ એનાલાઇઝરથી તપાસ કરાય છે. મહેસાણા વિભાગમાં અત્યાર સુધીની તપાસમાં કોઇમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો નથી.

મહેસાણા વિભાગ એસટી મજદૂર સંઘના પ્રમુખકેતન ભટ્ટે જણાવ્યું હતું કે, ડ્રાઇવર-કંડકટરોને જાહેરમાં તેમણે દારૂ પીધો છે કે નહીં તેનુ મુસાફરો વચ્ચે અને જે બસમાં નોકરી હોય તેની આગળ ઉભા રાખીને ચેક કરવામાં આવે છે. ડ્રાઇવર, કંડકટરોની જાહેરમાં ઇજ્જત લેવાતી હોઇ આક્રોશ છે. મુસાફરોના મનમાં શું ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવતો હશે તેવી ખોટી શંકા ઉપજે છે. આલ્કોહોલ બાબતે ચેકિંગ જાહેરમાં ન કરતાં રૂમમાં કરવું જોઇએ અને કોઇ પીધેલો નીકળે તો ડિસમિસ કરો તેમાં સંમત છીએ. ડ્રાઇવર-કંડકટરોની સમાજ કે મુસાફરોમાં ઇજ્જત હોય છે. અધિકારીએ આ બાબતે વિચારવું જોઇએ.