રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું. ભારે હોબાળા વચ્ચે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ દારૂની પરમીટ અંગેની ભલામણનો મુદ્દો ઉછાળ્યો હતો. આ હોબાળા અને હંગામા તેમજ બબાલનું મેયરેલાઈવ કવરેજ પર પ્રતિબંધ લગાવવાનું ફરમાન કરતાં કોંગી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
લાબાસમય સુધી ચાલેલા હોબાલા બાદ રાજકોટમાં ફેલાયેલા રોગચાળાના પ્રશ્નોને લઈને ચર્ચા શરૂ થતાં મામલો થાળે પડ્યો હતો.
જનરલ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વશરામ સાગઠીયાએ દારૂની પરમીટ અંગે ભરેલા પૈસાની પહોંચ અને પરમીટ અંગેના આક્ષેપો બાબતે કરેલા નિવેદનની વીડિયો ક્લીપ બોર્ડમાં રજૂ કરી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો.આ મુદ્દે કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા સહિતના કોંગી સભ્યોએ દેકારો મચાવ્યો હતો.જનરલ બોર્ડની બેઠકમાં કોંગી સભ્યોએ ભારે વિરોધ કરી મંચ પર દોડી ગયા હતા. જો કે બાદમાં રોગચાળાના પ્રશ્નોને લઈને ચર્ચા શરૂ થતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ રોગચાળાના મુદ્દાને અધુરો છોડીને જ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી.
આમ વ્યક્તિગત આક્ષેપ બાજીને કારણે રાજકોટના લોકો જે રીતે રોગચાળાનો ભોગ બની રહ્યાં છે તેને અટકાવવા માટેની ચર્ચા કરવા માટે નેતાઓને કોઇ સમય ન હતો પરંતુ વ્યક્તિગત આરોપબાજી માટે પૂરતો સમય હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.