દિલ્હીથી આવેલી નિષ્ણાતોની ટીમ દ્વારા ભારે વાહનોની અવરજવર સહિતના પાસાઓનું નિરીક્ષણ કરાયું

પ્રભાસપાટણ તા ૪  :  સોમનાથ કોડીનારને જોડતો સોમનાથ પાસે આવેલો ૬૦ વરસથી પણ વધુ જુનો
જર્જરીત ખખડધજ હાઇવે ઉપરના પુલનું આજે સવારે નેશનલ હાઇવે-ઇન્ડિયા-દિલ્હીના નિષ્ણાંત દ્વારા ચેકિંગ
કરવામાં આવ્યું હતું. એન્જીનીયરો-મજુરો અને મોટા ખટારામાં બેસાડેલા તોતીંગ યાંત્રિક ઉપકરણો સાથે
પુલની મજબુતાઇ-ટકાઉપણું કયાં સુધી ચાલી શકે-રીપેરીંગ કે નવો બનાવવો તેનુ પુલના પાયાથી પુલ
ઉપરની સપાટી સુધી ઝીણવટભર્યુ નિરીક્ષણ ચેકીંગ કર્યુ હતું જેનો રીપોર્ટ દિલ્હીથી તેઓ મોકલશે તે
અનુસાર આગળ કાર્યવાહી થશે. પુલ ઉપરના નિરીક્ષણ માટે સોનારીયા-મીઠાપુર-તલાલા રોડ, જતા રસ્તા
ઉપર ડાઇવર્ઝન આપવામાં આવ્યા હતાં અને પ્રભાસપાટણ પોલીસ ઇન્સ. જી.એમ. રાઠવાએ વિકલ્પરૂપે
વાહનવ્યવહારા ચાલુ રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. આ વ્યવસ્થામાં પોલીસ તથા જી.આર.ડી.
સહીત ૪૪ જવાનો કાર્યરત રહયા હતા. આજની દીલ્હીની ટીમમાં ૪૦ અધિકારીઓ તેમજ સ્થાનીક હાઇવે
ઓથોરીટીના ૫ ઇજનેરો હાજર રહી ફરજ બજાવી હતી. પ્રભાસપાટણ પી.આઇ. જી.એમ. રાઠવા દ્વારા આ
પુલ ઉપરથી પસાર થતાં કંપનીના ટ્રકોને અગાઉથી જાણ કરતાં અને ડાઇવર્ઝનનો ઉપયોગ કરવા
સહકાર માગતા પુલ નિરીક્ષણ સરળ અસરકારક રહયું હતું.