ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત લોક શક્તિ અને યુવાનોની સંગઠન શક્તિ સાથે રાજકારણમાં પદાર્પણ કરનારા અલ્પેશ ઠાકોર આજકાલ કોંગ્રેસના વરવા રાજકારણની આંટીઘૂંટી ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં એન્ટ્રી મેળવી ત્યારે તેમનાથી કેટલીક મોટી ચૂક થઈ ગઈ છે અને તેઓ સીધા કોંગ્રેસના નેતાઓની ટ્રેપમાં ફસાઈ જવા પામ્યા છે.
કોંગ્રેસમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોર પર હિન્દીભાષી લોકો પર થયેલા હુમલામાં ભાજપે ઠાકોર સેના પર આક્ષેપ મૂક્યો અને તેનો ફાયદો કોંગ્રેસના અલ્પેશ વિરોધી નેતાઓએ ઉઠાવ્યો. અલ્પેશ ઠાકોરને શક્તિસિંહ ગોહીલ સાથે બિહારના સહપ્રભારી બનાવ્યા, પણ હિન્દીભાષી લોકોને રોષ વધી જવાની બીક હતી. જ્યારે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસમાં મોરચો માંડીને બેઠેલા કેટલાક દિલ્હીના આંટાખાઉ નેતાઓએ અલ્પેશ ઠાકોરનું બરાબરનું તપેલું ચઢાવ્યું અને બિહારમાં અલ્પેશ ઠાકોરને મોકલવામાં આવ્યા નહીં. હિન્દી ભાષીઓ મામલે અલ્પેશ ઠાકોરનું તપેલું ચઢ્યું એમાં ભાજપ તરફી લોકોએ ઠીકરું ઠાકોર સેના પર ફોડ્યું. ભાજપને ફાવતું મળ્યું, સારું એ થયું કે અલ્પેશ ઠાકોરની ક્યાંય મોજુદગી ન હતી નહીંતર હાર્દિક પટેલની જેમ જેલમાં જવાનો વારો આવ્યો હોત.
હવે બીજી ચૂક એ છે કે ગાંધીનગરમાં જે કંઈ પણ થયું તેને લઈ અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર વિરુદ્વ અભિયાન ચલાવવામાં આવ્યું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસને છોડી દે તેવા પ્રકારની રાજરમત રમવામાં આવી. આમાં કેન્દ્રના કોંગ્રેસ નેતાના છૂપા આશિર્વાદ પણ સામેલ હતા. અલ્પેશ ઠાકોર આ રાજરમત સમજે વિચારે તે પહેલાં ભાજપમાં જવાની અટકળો ચાલવા માંડી. ચારેબાજુ ઘેરાયેલા અલ્પેશ ઠાકોર માટે કહેવાયું કે તેમણે ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી અને બોર્ડ-નિગમોની માંગ કરી. છેવટે અટકળો પર અલ્પેશ ઠાકોરે પૂર્ણવિરામ મૂક્યો અને કોંગ્રેસમાં રહેશે તેવું નિવેદન આપ્યું. ગાંધીનગર પાલિકા કે જિલ્લા પંચાયતના રાજકારણમાં જે કંઈ પણ બન્યું તેમાં પોતાની ઈમેજને છાજે તેવું વર્તન કરવામાં અલ્પેશ ઠાકોર અને ખોડાજી ઠાકોરના હાથ ટૂંકા પડી ગયા અને કોંગ્રેસની પેલા દિલ્હી બેઠેલા નેતાના ઈશારે અલ્પેશ ઠાકોરનું ફરીવાર તપેલું ચઢાવી દેવામાં આવ્યું.
સૌથી મોટી ચૂક અસંતુષ્ટોના ટોળામાં ભેળા થવાની છે. જે નેતાઓએ હિન્દીભાષીઓ અંગે ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરનું તપેલું ચઢાવ્યું હોય તે ટોળા સાથે વર્તમાન પ્રમુખની સામે તલવાર તાણવાનું ખરેખર જોખમ જ ખેડવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સાથે ડાયરેક્ટ ડાયલીંગ હોય તો ત્યાં સીધી જ વાત કરવાની હતી પરંતુ અહીંયા અસંતુષ્ટોની કહેણીમાં આવીને અલ્પેશ ઠાકોર કોંગ્રેસના સિનિયર નેતાઓએ ગોઠવેલી ટ્રેપમાં ફરી ફસાઈ ગયા. લોકસભાની ચૂંટણી આવી ગઈ તેમાં કોઈ પણ વાત હોય તો તે માટે દિલ્હીના દરવાજા હંમેશ માટે ખૂલ્લા છે ત્યારે અલ્પેશ ઠાકોરે નક્કી કરવાનું રહેશે કે ગુજરાતના રાજકારણમાં રહેવું છે કે રાષ્ટ્રીય રાજકારણમાં જવાનું છે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની વરવી જૂથબંધીની ટ્રેપમાં આવવાના બદલે સીધી દિશા નક્કી કરવાની રહેશે. વારે-વારે પાર્ટી છોડવાની અટકળો રાજકારણમાં સદતી નથી. આવી વાતો છેવટે તો નુકશાન કરનારી જ પુરવાર થાય એમ છે.
- શકીલ સૈયદ