દિવાલ ધસી પડતાં મોરબીમાં આઠ સહીત સૌરાષ્ટ્રમાં નવના કરૂણ મોત

મોરબીમાં આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં કરૂણ મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15), બિદેશભાઈ મિલીભુડા (ઉ.વ.20), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30), લલિતાબેન ચંદુભાઈ (ઉ.વ.16), અકલેશભાઈ સોનુભાઈ (ઉ.વ. 14) તેજલબેન સોનુભાઈ (ઉ.વ.13)નો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના મામલે મોરબીના એડી. કલેકટર કેતન જોષીએ જણાવ્યું હતું કે, એક મહિલા સહિત આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, આ સ્થળની બાજુમાં દિવાલની બાજુમાં  ઝૂંપડાઓ બાંધીને  મજૂર પરિવારો રહેતા હતાં અને મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.  આ ઝૂંપડાઓ પર દિવાલ તૂટી પડતા મજૂરો દટાયા હતા. જેમાંથી 9ને હોસ્પિટલે ખસેડાતા એક મહિલા અને 7 પુરૂષો સહિત 8ના કરૂણ મોત નિપજ્યા છે.

સોનગઢમાં પણ એકનું મોત

ભાવનગર જીલ્લાના શિહોરના સોનગઢ ગામે પણ એક આધેડનું મોત થયું હતું. ભારે વરસાદને પગલે સોનગઢના દરબારગઢ વિસ્તારમાં જર્જરીત મકાન પડતાં તેના કાટમાળ નીચે દબાઇએ જતાં જીલુભા ઉદેસિંહ ગોહિલનું મોત થયું હતું.