દિવાળીની બોણી ઉઘરાવવાના મુદ્દે શહેરમાં વ્યંઢળ વોર, બે હુમલા

અમદાવાદ, તા.૦1

શહેરમાં દિવાળીની બોણી ઉઘરાવવાના તેમજ હદના મુદ્દે વ્યંઢળો પર અન્ય જૂથે હુમલા કર્યા હોવાની એક જ દિવસમાં બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આંબાવાડીમાં રિક્ષાચાલક પર હુમલો થતા વ્યંઢળ જૂથ એક ફલેટના ધાબા પર સંતાઈ ગયું હતું. જ્યારે સરસપુરમાં તિક્ષ્ણ હથિયાર વડે એક વ્યંઢળ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય કિન્નરના વાળ કાપી નાંખ્યા છે.

આજે સવારે આંબાવાડી વિસ્તારમાં દિવાળીની બોણી લેવા મોહસીનની રિક્ષામાં કિન્નર નેનાદે, આલિયાદે, ભાવિકાદે, રાગીણીદે અને ત્રિવેણીદે ગયા હતા. આંબાવાડી કલ્યાણ જવેલર્સની પાછળ ગંગોત્રી ફલેટમાં બોણી લેવા માટે વ્યંઢળો ગયા હતા તે સમયે હેમા માસી, મુકેશ ઠાકોર, પ્રકાશ ઠાકોર અને સાગર રિક્ષા ચાલક મોહસીન પાસે આવ્યા હતા. મોહસીનને લાફા મારી વ્યંઢળો ક્યાં છે તેમ પૂછી રિક્ષામાં તોડફોડ કરી હતી. હુમલો થતો જોઈને ગંગોત્રી ફલેટમાં હાજર વ્યંઢળો ધાબા પર પહોંચી જઈને દરવાજો બંધ કરી સંતાઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરાતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે રિક્ષા ચાલક મોહસીનની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર ટોળકી સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયગાળામાં બપોરે સરસપુરમાં દિવાળીની બોણી ઉઘરાવવા ગયેલા કિન્નરો પર હુમલો થયો હતો. શહેરકોટડા પોલીસે લિજાદે રાનીદે પાવૈયાની ફરિયાદના આધારે સાગર, પકો અને બબલુ સહિતના ટોળા સામે ફરિયાદ આપી છે. તિક્ષ્ણ હથિયાર લઈને આવેલા હુમલાખોરોએ લિજાદેના વાળ કાપી નાંખ્યા હતા. જ્યારે સાવિત્રીદે પર હથિયાર વડે હુમલો કર્યો હતો.