દુબઈમાં સવા લાખ રૂપિયાના પગારની નોકરીની લાલચ આપી છ વ્યક્તિ સાથે ઠગાઇ

અમદાવાદ,13

દુબઈનાં વિઝા અને રૂ. સવા લાખની નોકરી અપાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. જેમાં મહિલા સૂત્રધાર તેમજ તેના સાગરિત દંપતીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ લોકોએ ભેગા મળીને છ જેટલા યુવકો સાથે 18 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવીને મુખ્ય સૂત્રધાર મહિલાની બીમારીનું બહાનું આપીને તેમની સાથે ઠગાઇ કરતાં હતાં.

આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા સૂત્રધાર એવી શર્લીબહેન ગીલબર્ટ (રહે. બ્લોક એમ-5-10 શાસ્ત્રીનગર, નારણપુરા) તેમજ તેના સાગરિત દંપતી યોગેશ શાહ અને તેના પત્ની નીનાબહેન શાહ (બંને રહે. પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, સોલા રોડ)ની ધરપકડ કરી હતી. જ્યારે શર્લી ઉપરાંત અન્ય સૂત્રધાર ઈસમ ફરાર થઈ ગયો હોય પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર શહેરના જૂના વાડજ વિસ્તારનાં ઉદ્ધવનગરમાં રહેતાં 50 વર્ષનાં અનિલકુમાર ગિરધરલાલ ભાટિયા ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન કરે છે. તેમની ચાની દુકાન જે કોમ્પ્લેક્સમાં આવેલી છે તેમાં નોકરી કરતાં યોગેશ શાહે તેમને કહ્યું હતું કે, ‘તમારા સંતાનોને તમારી જેમ ચાની લારી પર ન બેસાડતા. મારા છોકરાની જેમ દુબઈ મોકલી દેજો.’

જેથી અનિલકુમારે ‘દુબઈ કેવી રીતે જવું’ તે અંગે યોગેશ શાહને મળીને પૂછપરછ કરી હતી. જેમાં યોગેશ શાહએ તેની પત્ની નિનાની મિત્ર શર્લીબહેન દુબઈ મોકલી આપતી હોવાની અને નોકરી પણ ઉંચા પગારની અપાવશે તેમ જણાવ્યું હતું. આ પછી યોગેશે અનિલકુમારની શર્લી સાથે મુલાકાત કરાવી હતી. જેમાં આરોપી શર્લીએ દુબઈમાં ડયૂટી ફ્રી શોપ એરપોર્ટ પર નોકરી અને પગાર સાત દિરહામ રોજના એટલે કે, ભારતીય રુપિયા પ્રમાણે મહિને સવા લાખ રૂપિયાનો જણાવ્યો હતો. સારો પગાર મળશે તેવી આશાથી અનિલકુમારનાં બંને પુત્ર દુબઇમાં જવા માટે તૈયાર થયા હતાં. આ પછી ચાની લારી ચલાવતા અનિલ ભાટિયાએ તેમના મિત્રોને પણ આ અંગે વાત કરી હતી. જેથી છ જેટલા નોકરીવાંચ્છુ યુવકો તૈયાર થયા હતા. જેથી શર્લીએ  આ છ યુવકો પાસેથી વ્યક્તિદીઠ રૂ. ત્રણ લાખ પેટે કુલ 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતાં.

આ રૂપિયા ઉઘરાવી લીધા બાદ દુબઈના વિઝાનો સમય થઈ જવા છતાં તેમને નોકરી અંગેના કોઈ દસ્તાવેજ ન મળતાં અનિલકુમાર ભાટિયાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ મામલે ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી પોલીસે મહિલા સૂત્રધાર શર્લી ગિલબર્ટ અને યોગેશ શાહ અને તેની પત્ની નીના શાહની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક મુખ્ય સૂત્રધાર એવો ઈસમ ઈરફાન દલવી ફરાર થઈ ગયો છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.