રાજકોટ,તા.13
રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે વરસાદના પાણી ભરાવા મુદ્દે દેકારો મચાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો હતો. વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોપટપરાના નાળાના અને રોગચાળાના બેનર્સ અને પોસ્ટર દર્શાવીને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે બળ પ્રયોગ કરતાં કોંગ્રેસે રામધૂન શરૂ કરી દેતાં પોલીસે નગરસેવકોને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. કોંગ્રેસે વોકઆઉટ કરતા મામલો વધુ ગરમ બન્યો હતો.
રાજકોટમાં વરસાદ પડ્યે ત્રણ દિવસ પછી પણ શહેરમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાઇ રહી છે અને ચારેકોર કચરાના ઢગલા થઇ રહ્યાં છે. આથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી હોવાનો મુ્દ્દો કોંગ્રેસે ઉછાળ્યો હતો . જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા કમિશનરને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ અટકાવ્યા હતા. પાણી મુદ્દે વખાણ નહીં પાણીએ સર્જેલી તારાજીની વાતો કરો તેનું જણાવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
વિપક્ષે પ્રિમોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવા માંગ કરી હતી પરંતુ શાસકોએ આ માંગ માની ન હતી. મેયરના આદેશ બાદ વિપક્ષના કોર્પોરેટરોને ટીંગા ટોળી કરીને બહાર કરાયાં હતા. પ્રિમોન્સૂન કામગીરીની ચર્ચા કરવાની માંગ સાથે શાસક પક્ષે ચર્ચા કરવાની ના પાડતા વિપક્ષના નેતાઓ મેયર સામે વેલમાં ધસી ગયા હતા.