દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..

ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ સફાઇ કરવા તૈયાર નથી. આ સિવાય દરરોજ સફાઇ થાય છે કે નહી તેનુ મોનટરિંગ કરવા માટે પણ કોઇ તંત્ર ન હોવાથી વિદ્યાર્થીઓએ નર્કાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બનવુ પડયુ છે.

ગાંધીજીના મૂલ્યો સતાધીશો માટે નથી?

ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓ ગાંધીજીના સિધ્ધાંતો અને મૂલ્યોનુ પાલન કરે તેવો આગ્રહ રાખવો સ્વભાવિક છે. આ શરતો સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે મૂલ્યનિષ્ઠાની અપેક્ષા રાખતાં સત્તાધીશો પોતે ગાંધીજીને આત્મસાત કરી લીધા હશે તેવુ સામાન્ય રીતે માનવામાં આવે છે. વિદ્યાપીઠની વાસ્તવિક્તા કઇ અલગ છે. વિદ્યાપીઠમાં ચાર હોસ્ટેલ આવેલી છે. જેમાં પ્રાણજીવન છાત્રાલય, કુમાર છાત્રાલય, કુમારિક છાત્રાલય અને અન્ય એક છાત્રાલયનો સમાવેશ થાય છે. આ છાત્રાલયમાં અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. સત્તાધીશો દ્વારા આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જે શૌચાલય-બાથરૂમનો ઉપયોગ કરે તે પોતે જ એટલે કે વિદ્યાર્થીઓ જાતે સાફ કરે તેવો આગ્રહ રાખવામાં આવે છે. નાના વિદ્યાર્થીઓ ડરના કારણે સફાઇ કરે છે પરંતુ એમ.એ.,એમ.કોમ કે પીએચડી કરતાં વિદ્યાર્થીઓ આવી સફાઇ કરવાનુ મુનાસિફ માનતાં નથી. આ વિદ્યાર્થીઓ કહે છે સત્તાધીશો અમારી પાસે અમારા શૌચાલય-બાથરૂમ સાફ કરાવે છે પણ પોતાના સ્ટાફ કવાટર્સ સહિતના શૌચાલય-બાથરૂમ સાફ કરવા માટે સફાઇ કામદારની નિયુક્તિ કરવામાં આવી છે. આવા બેવડા ધોરણો સામે આક્રોશ ધરાવતાં વિદ્યાર્થીઓ પણ પોતાના શૌચાલય-બાથરૂમ સાફ કરતાં નથી. જેના કારણે હાલ સ્થિતિ એવી છે કે, ઇન્કમટેક્સ વિસ્તારમાં સૌથી વધુ મચ્છકોનો ઉપદ્રવ છે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ નર્કાગાર જેવા શૌચાલય-બાથરૂમનો ઉપયોગ કરવો પડી રહ્યો

છે. વિદ્યાર્થીઓ કહે છે શૌચાલય-બાથરૂમ સફાઇ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવામાં આવી છે પણ વિદ્યાર્થીઓ ખરેખર આ સફાઇ કરે છે કે નહી તે જોવાની પણ તંત્રએ આજ સુધી કોઇ દરકાર સુધ્ધા લીધી નથી. દરવર્ષે વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જીવલેણ બીમારીઓનો ભોગ બનતાં હોય છે. બીમારીની હાલતમાં હોસ્ટેલ છોડીને ઘરે જતાં રહે છે પણ તંત્રએ આજસુધી બીમારીના જડમા જવાની તસ્દી લીધી નથી. ગાંધીજી સમૂહ જીવનમાં માનતાં હતા પણ વિદ્યાપીઠના સત્તાધીશો કયારેય હોસ્ટેલમાં જમવા કે બાથરૂમ ચકાસવા આવ્યા નથી

ગાંધીજીના સમૂહ જીવનના સિધ્ધાંતો સતાધીશો માટે નથી?

વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓ કહે છે સત્તાધીશો વારંવાર ગાંધીજીના ઉચ્ચ વિચારો અને જીવન શૈલી વિષે વાર્તાલાપ કરતાં રહે છે. ખાસ કરીને ગાંધીજીના સમૂહ જીવન અંગેના વિચારોથી પ્રેરાઇને જ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવુ ફરજિયાત કરવામાં આવ્યુ છે. સમૂહ જીવનમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ સાથે બેસીને જમે રહે અને સમૂહમાં તમામ કામગીરી કરે તેવી વ્યવસ્થા ઉભી કરવાની હોય છે. પણ વાસ્તવિક્તા એ છે કે વિદ્યાર્થીઓને શૌચાલય-બાથરૂમ સાફ કરવાની ફરજ પાડતાં સત્તાધીશો પોતે આ કામ કરતાં નથી. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે આવીને જમવાની તસ્દી પણ સત્તાધીશોએ લીધી નથી. આ સિવાય વિદ્યાર્થીઓ જે શૌચાલય-બાથરૂમનો ઉપયોગ કરે છે તે ખરેખર કેવા છે, કઇ સ્થિતિમાં છે તે જોવાની દરકાર પણ આજ સુધી લેવામાં આવી નથી.

………………………………..