અમદાવાદ,તા.22
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો છે.
જો કે નવેમ્બર 2018થી સપ્ટેમ્બર 2019 દરમિયાન વેજિટેબલ તેલની આયાત ત્રણ ટકા વધી છે. નવેમ્બર 2018થી સપ્ટેમ્બર 2019માં 1,41,71,462 ટન ખાદ્યતેલની આયાત થઈ છે, તેની અગાઉના વર્ષે સમાન સમયગાળા દરમિયાન આ આયાત 1,37,69,847 ટન નોંધાઈ હતી. ગત સપ્ટેમ્બરમાં ભારતમાં પામતેલની આયાત 8,79,947 ટને પહોંચી ગઈ છે, જ્યારે ઓગસ્ટ 2019માં આ આયાત 8,52,534 ટન હતી. સોયાતેલની આયાત 2,47,665 ટન રહી છે, જે ઓગસ્ટમાં 4,40,704 ટન હતી. સૂરજમુખીના તેલની આયાત સપ્ટેમ્બરમાં 1,26,831 ટન નોંધાઈ છે, જે ઓગસ્ટમાં 2,30,023 ટન હતી. તો નવેમ્બર 2018થી સપ્ટેમ્બર 2019 દરમિયાન દેશમાં પામતેલની આયાત 86,30,680 ટન, સોયાબીન તેલની 27,00,027 ટન, સૂરજમુખીના તેલની 21,91,603 ટન, રેસ્પીડ તેલની આયાત 59,171 ટન રહી છે. સીના મતે 1 ઓક્ટોબર 2019ના રોજ બંદરો પર તેલનો જથ્થો 10.62 લાખ ટન, પાઇપલાઇનમાં 7.40 લાખ ટન હતો. આવી રીતે કુલ સ્ટોક 18.02 લાખ ટન હતો. આ જથ્થો ગત 1 સપ્ટેમ્બર 2019ના રોજ 20.42 લાખ ટન, જ્યારે 1 ઓક્ટોબર 2018ના રોજ 25.53 લાખ ટન હતો.