દેશના પહેલાં હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધા વધારવાની સાથે કાયાપલટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેથી આગામી સમયમાં રેલવે સ્ટેશન પર ઉતરનારા મુસાફરોને હવે હેરિટેજ સિટી જેવો અનુભવ પ્લેટફોર્મ પર જ થશે.
નવો લૂક આપવા માટેનું સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે, જેના કારણે પ્લેટફોર્મ નંબર 1ને રિનોવેશન માટે બુધવારથી 50 દિવસ બંધ રાખવામાં આવશે અને આ પ્લેટફોર્મ પર આવનારી 22 ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પણ ડાયવર્ટ કરાશે. જેના કારણે સ્ટેશન પર પ્રતિ દિવસ આવનાર 105 ટ્રેનો પણ પ્રભાવિત થશે. જ્યારે વડોદરાથી આવનારી મેમુ અને ડેમુ ટ્રેનોને વટવા અને સાબરમતી સુધી સ્ટોપેજ આપવામાં આવશે.
અમદાવાદ સ્ટેશનની પણ કાયાપલટ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જેથી રેલવે સ્ટેશન ઉપર ઉતરતાની સાથેજ મુસાફરોને હેરિટેજ સીટીનો અનુભવ કરાવી શકાય. નવા લૂક માટે પ્લેટ ફોર્મ નંબર એક પર નવા બદલાવ કરવામાં આવશે. આમાં દિવાલો ઉપર જીઆરસીની જાળીઓ લગાવવામા આવશે સાથે તેમા લાઈટો લગાવાશે. જેનો વિશેષ અવસરો ઉપર ઉપયોગ કરી શકાય. પ્લેટફોર્મ ઉપર ગ્રેનાઈટનો ઉપયોગ કરાશે સાથે દિવ્યાંગો માટે અનુકૂળ એવી ગાઈડીંગ ટાઈલ્સ લગાવવામા આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પ્લેટફોર્મ નબંર 1 ઉપરથી રાજધાની એક્સપ્રેસ ચાલતી ન હતી, પણ નવા લૂક બાદ અહીંથી રાજધાની એક્સપ્રેસ પણ ચાલશે.
રેલવે સ્ટેશનને નવો લૂક આપવા માટે રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનું કામ 50 દિવસમાં પૂર્ણ થશે. પ્લેટફોર્મ નબંર-1નું કામ પૂર્ણ થયા બાદ પ્લેટફોર્મ નંબર-8નું કામ હાથ ધરાશે. અહીં રેલવે મ્યૂઝિયમને વિકસાવાશે. ત્યારે 31 ડિસેમ્બરથી રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ પણ લગાવવામાં આવ્યો છે. જેની આસપાસ રંગબેરંગી લાઈટો લગાવવામા આવશે. રેલવે સ્ટેશનના એક્ઝિટ પોઈન્ટને દિલ્હી દરવાજા અને ત્રણ દરવાજા જેવો લૂક પણ અપાશે. તો બસ સ્ટેન્ડ માટે પણ રેલવે વિભાગ જગ્યા આપશે. જ્યાં અત્યાધૂનિક બસ પોર્ટ બનશે. આમ 50 દિવસમાં રેલવેનો કામ પૂર્ણ થયા બાદ પ્લેટફોર્મના ઉદ્ઘાટન માટે રેલવે પ્રધાન પિયુષ ગોયલ અમદાવાદ આવી શકે છે.