દ્વારકા જગત મંદિર પર સુરક્ષા વધારાઈ

ગુજરાતમાં જાહેર સ્થળો ઉપર આતંકવાદી હુમલાના પત્ર મળ્યા બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓની મિટિંગ બોલાવી હતી.

આ મિટિંગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ જેવા સ્થળોની સુરક્ષામાં વધારો કરી પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
તદુપરાંત થિયેટર, મોલ-મલ્ટીપ્લેક્સ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે. એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ, બૉમ્બ સ્ક્વોડ સહિતને એલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ છે. જાહેર જનતાને પણ શંકાસ્પદ વ્યક્તિ કે બિનવારસી વસ્તુ કે સામાનથી સાવચેત રહેવા અને પોલીસનું તાકીદે ધ્યાન દોરવા જણાવાયું છે.

પોલીસ દ્વારા ધાર્મિક સ્થળોએ લોકોની સુરક્ષાને લઈને બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દેવભૂમી દ્વારકામાં ભગવાન દ્વારકાધીસના મંદિરે હજારો લોકોની ભીડ રહેતી હોવાના કારણે કોઈ પણ અઘટિત ઘટના ન બને, તે માટે પોલીસ દ્વારા 100થી વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકામાં આવતા તમામ વાહનોનું આસપાસના ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયામાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ ચેકિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પર પોલીસને શંકા જણાશે તો તે વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવશે.