સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો.
દ્વારકાએ દેવભુમી દ્રારકા જીલ્લાનું મુખ્ય વડું મથક છે. સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તરીકે પ્રખ્યાત શહેર છે.
દ્વારકા શબ્દ “દ્વાર ” અને “કા” એમ બે શબ્દોના સાયુજ્યથી બનેલ છે. “દ્વાર”નો અર્થ થાય છે ——- દરવાજો અથવા માર્ગ જ્યારે “કા”નો અર્થ છે —- “બ્રહ્મ” સંયુક્ત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે. બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ.
દ્વારકા દ્વારમતિ અથવા દ્વારાવતી તરીકે પણ પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી સમસ્ત યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્યા ત્યારથી આ સ્થળની ગણના એક પવિત્ર ધામમાં થવા લાગી. દ્વારકા હિન્દુ ધર્મના ચાર યાત્રાધામો પૈકીની મોક્ષપુરી તરીકે જાણીતી છે.
દ્વારિકા સ્વર્ણ નગરી તરીકે પ્રખ્યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.
અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા !! એમ કહેવાય છે કે, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે નદી, નારી, તુરંગ (ઘોડો) ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.
દ્વારકા નગરી- સંક્ષિપ્ત ઈતિહાસ
હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો. શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે દ્વારકાને પોતાની રાજધાની બનાવી. દ્વારકાનું નિર્માણ કરવા માટે પરગ્રહથી કે બીજા લોક માંથી બાંધકામ કરવા માટે આવ્યા હોવાનું આજનું વિજ્ઞાન માનવા લાગ્યું છે.
રણછોડરાયનું આ ત્રૈલોક્યસુંદર મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજનાભે બંધાવ્યું હોવાનું કહેવાય છે. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ અને હવેના જુનાગઢ અને જામનગર જિલ્લાઓને એક કર્યા હતા. પરંતુ પોતાના આજ વૈભવને કારણે તેઓ દારુ અને જુગારની બદીને લીધે છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચડ્યા…..
સમગ્ર યાદવ કુળના અંત પછી ભગવાન શ્રી કૃષ્ણે પણ યોગ દ્વારા પ્રાણત્યાગ કર્યો અને દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. દ્વારકાના મૂળ રહેવાસીઓ કાબાના નામે ઓળખાતા. આ સિવાયની અન્ય જાતિઓ મોડ, કાલા વગેરે હતી કાબા અને મોડા જાતિનું અસ્તિત્વ રહ્યું નથી, પરંતુ વાઘેર જ્ઞાતિના લોકો કાબા જાતિના વારસો મનાય છે. કાબાઓએ બીજી સદીમાં દ્વારકા પર ફરી વિજય મેળવ્યો, ત્યારબાદ સિરિયન શુકર બેલિયમે આ પ્રદેશ જીત્યો અને આ સમયગાળામાં દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. શુકર બેલિયમને અન્ય સિરિયન મહેમ ગુડુકાએ આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યો એ વખતના કાબા જાતિના લોકો આજે વાઘેર તરીકે ઓળખાય છે.
૧૩મી સદીમાં રાઠોડોએ હેરુલ-ચાવડાઓ વચ્ચેના ઝઘડાનો લાભ લીધો બાકી બચેલા ચાવડાઓ અને હેરુલ વાઘેરોની જ્ઞાતિમાં ભળી ગયા. હવે ઓખા મંડળના સર્વસત્તાધીશ તરીકે વેરાવલજી રાઠોડ હતો. ત્યારબાદ ભીમજીના શાસન દરમ્યાન ગુજરાતના સુલતાન તરીકે જાણીતા મહંમદ બેગડાએ ઓખામંડળ પર આક્રમણ કર્યું અને મંદિરને ધ્વસ્ત કર્યું. એ પછીના થોડા સમયમાં વાઘેરોએ ફરી મુસ્લિમોને હાંકી કાઢયાં. ત્યારપછીનો ૧૮૦૦ સુધીનો ઓખામંડળનો ઈતિહાસ ખાસ કશીજ નોંધનીય ઘટના વગરનો રહ્યો છે.
દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ
(૧) દ્વારકામાં કૃષ્ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્ણનો આવાસ (રહેણાંક) હતો.
(૨) દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.
(૩) દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્ણથી દૂર રહેવાનો શાપ આપ્યો.
કૃષ્ણ અવતાર – ‘પૂર્ણ‘ પુરુષોત્તમ
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્યક્તિત્વ સમાન મનુષ્ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.
યદુકુળ
યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્ણના દાદા) તેમના રાષ્ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્ય જૂથ વૃષિણી પર રાજ ચલાવતું. ત્યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી વૃષિણી જૂથના હતાં. શ્રી કૃષ્ણનો જન્મ દેવકી અને વાસુદેવને ત્યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.
આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં. આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્છુક બનાવ્યો. કંસ સ્વભાવે સત્તા ભૂખ્યો હોવાથી સ્વકેન્દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.
દ્વાપર યુગ (હિન્દું શાસ્ત્ર પ્રમાણે ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્યો જેવું વર્તન કરવા લાગ્યા આ સમયે પૃથ્વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્ણે પૃથ્વી પર અવતાર લીધો હતો. તેમનો જન્મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્ણનો જન્મ વાસુદેવને ત્યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્યાં વિત્યું હતું. શ્રી કૃષ્ણની લીલાથી ગોવાળિયાઓ ધન્ય થઈ ગયા હતા. બાળસ્વરુપ દરમિયાન જ શ્રી કૃષ્ણએ દૈત્ય – રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્તિ બાદ શ્રી કૃષ્ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્થાપિત કર્યા ત્યારે સ્વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્પ વર્ષા કરી શ્રી કૃષ્ણને બિરદાવ્યા હતા.
મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્ણએ ઉદ્વવોને આત્મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્થળી યોજી હતી. ત્યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.
કૃષ્ણ અવતાર – આમ દ્વારકાધીશ કહેવાયા
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્ણને એ વાતનો ખ્યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્ણે આ બન્નેને મારી નખાવ્યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્ય ડઘાઈ ગયું.
પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્ણને કડવું સત્ય જણાવ્યું, “કૃષ્ણ અમને તમારા પ્રત્યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.”
આ શબ્દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્ણના પિતા વાસુદેવે ટેકો આપ્યો. શ્રી કૃષ્ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્યું કે મેં તમને સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્થાપના કરી. દ્વારકા આવ્યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્થાપવાનો તેમનો મુખ્ય ઉદેશ રહ્યો.
તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું. દ્વારકાની ખ્યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્ણના જીવનનું મહત્વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્ણવો (વિષ્ણુ અને શ્રી કૃષ્ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.
દ્વારકાધિશ મંદિર
દ્વારકા (જામનગર જિલ્લો) એ પ્રાચીન સૌરાષ્ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્યા હતા. જે કુસસ્થલી કહેવાઇ. કુસસ્થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્યા હતાં. રાયવતા જેમણે કુસસ્થલી વિકસાવી હતી. જે કૃષ્ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્ણ દ્વારિકા આવ્યા.
દ્વારિકા સ્વર્ણ નગરી તરીકે પ્રખ્યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.
દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. દ્વારિકાની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે.
ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬૦ પિલ્લરો આવેલા છે. યાત્રાળુઓ સ્વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્ત કરે છે.
મંદિરના સ્થાપ્ત્યમાં બેનમુન કોતરણી કામ કરવામાં આવેલું છે. ગોમતી નજીક મંદિરને શાહી અંદાજમાં બનાવવામાં આવેલ છે.
દ્વારકાના બીજા મંદિર ત્રિકોણ મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, દુવાસા મંદિર, વગેરે આવેલા છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે.
શ્રી કૃષ્ણ ની મોક્ષ પૂરી દ્વારકા નગરી
યથા નામ ! તથા ગુણ ! ભૂમિ દૌવારીકા.
સૌરાષ્ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ કિલ્લાનો મુખ્ય દરવાન અને દરવાજા રૂપે ભૂમિ પ્રદેશનો આ ભાગ કુદરતી જ બન્યો છે, તેથી આ પ્રદેશને સંસ્કૃત ભાષામાં દૌવારીક કહેવાય છે. જેથી આ દરીયાઈ બારૂ દવારીકા કે દ્વારકા ભૌગોલિક મહત્વ ઉપરથી તે પ્રખ્યાત થયું છે. અહીં મહાભારતકાળનું પૌરાણિક પ્રથમ બંદર હતું. આ દ્વારકા એવું વ્યુહાત્મક સ્થળ છે કે અહીં વિવિધ શસ્ત્રોનું સંપૂર્ણ રક્ષણ લઇ શત્રુનો પરાભવ કરી શકાય. સમગ્ર દરીયાઈ પટ્ટીનું ચોકીયાત મથક થાય અને ગમે ત્યારે આ ભૂમિ પ્રદેશમાં થઈને મહાભારતમાં સરળ પ્રવેશ કરી શકાય. આવા સનાતન વ્યુહાત્મક ભૂસ્થળે શ્રીકૃષ્ણે પોતાની અભેદ્ય દ્વારકા નગરી બનાવી.
ગોકુળમાં ગોપરાજા નંદને ઘેર શ્રીકૃષ્ણ ઉછરેલા, નંદકિશોરે મથુરામાં રાજા કંસનેને મારી રાજ્ય કબજે કર્યું. કંસનો સસરો મહાબળવાન રાજા જરાસંઘ મગધ દેશનો રાજા હતો. જમાઈને મારનાર કૃષ્ણને પકડવા અને વેર વસુલવા એક બે વાર નહી પણ સતરવાર મથુરા ઉપર ચડી આવ્યો. આથી યુદ્ધ વિશારદ કૃષ્ણ એક દિ‘ રણ છોડી ભાગ્યા તેથી રણછોડરાય કહેવાયા, અને અહીં સૌરાષ્ટ્રના આ સનાતન વ્યુહાત્મક સ્થળમાં પોતાની રાજધાની દ્વારકા બનાવી. ત્યાર પછી ભારતની રાજનિતિ અહીં ઘડાતી થઈ.
કયાં મથુરામાં જન્મ ! અને ગોકુળમાં ઉછેર ! રણછોડ થઈ, સૌરાષ્ટ્રના આ દ્વારાવતીથી દ્વારકેશ બની અહીંથી સમગ્ર ભારતમાં શ્રીકૃષ્ણએ અજય આણ ફેલાવી. જેથી કૃષ્ણના આ યુગ કાળને દ્વાપર યુગ કહેવાયો છે. દ્વાપર યુગના પ્રવર્તક શ્રી કૃષ્ણ ગોપ રાજા હતા. યાદવો ગોપાલક હતા જેથી આજે પણ સૌરાષ્ટ્રમાં રૂઢીગત ખેતી અને ગોપ જીવનના સંસ્કાર લોકોમાં વણાઈ ગયા છે.
ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્વે રસ્તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે.
દ્વારકા અનેક તીર્થ ધામોનું એક છે. ભારતના ચારધામમાનું એક ધામ છે. અને ભારતની સાત મોક્ષદાયક પુરીમાં એક દ્વારકાપુરી પુજાય છે. તેમાં અનેક નાના – મોટા મંદિરો આવેલા છે. પણ તે સર્વમાં ભગવાન દ્વારકાનાથનું મંદિર ભાવિકજનને પ્રથમ નજરે જ મનમોહિત કરે છે.દ્વારકાનું આ પુરાણ પ્રસિદ્ધ મંદિર ઘણું જૂનું છે. તેમ તેમાં રહેલાં લેખો ઉપરથી જણાય છે. ઈતિહાસવેતાઓ માને છે કે તે આશરે ૨૩૦૦ વર્ષ પહેલા સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યના સમયમાં (ઈસુ પૂર્વ ૩૨૪) આ ભવ્ય મંદિર તૈયાર થયું છે.
પુરાણકથા પ્રમાણે આ ભવ્ય મંદિર શ્રીકુષ્ણના પૌત્ર વજ્રનામે દેવોના શિલ્પી વિશ્વકર્મા પાસે એકજ રાત્રીમાં તૈયાર કરાવ્યું છે, અને તે ત્રૈલોક્યસુંદર મંદિર, જગત મંદિર કે મોક્ષ મંદિર એવા નામોથી પ્રસિદ્ધ છે. તે સમુદ્રની સપાટીથી ફકત બસો ફુટની ઉંચાઈએ આવેલું છે. સમુદ્ર અને ગોમતીના સંગમ કાંઠા ઉપર જ આવેલ આ ભવ્ય મંદિરને મુખ્ય બે દરવાજા છે. મુખ્ય મંદિરમાં જવા માટે ૫૬ પગથીયાની સીડી ચડતા મુખ્ય સ્વર્ગદ્વાર આવે છે. સ્વર્ગદ્વારમાંથી પ્રવેશ કરતા જ આ મંદિર પાયાથી ટોચ સુધી આપની નજરે પડે છે. આ ભવ્ય મંદિર બે શિખરો વડે તૈયાર થયેલું છે. મોટું શિખર ૧૫૦ ફુંટ ઉંચું છે, નાનું શિખર લાડુદેરા આશરે ૭૦ થી ૮૦ ફુટ ઉંચુ છે. મોટું શિખર તે નીજ મંદિર છે. જેમાં ભગવાનની શ્યામ ચત્રભુજ પ્રતિમા બિરાજે છે. નાના શિખર ઉપર લાડવાના આકારના પથ્થરો કોતરેલા છે. આજ મંદિરનો ગુઢ મંડપ છે જે ૭૨ સ્તંભ ઉપર આધારીત છે. મંદિરમાં સાત મજલા છે. પહેલા માળે કુળદેવી અંબાજીનું સ્થાન આવેલું છે. લાડવા દેરા ઉપર એક તરફ પથ્થરની દિવાદાની છે, મંદિર ઉપર જ્યારે નવી ધજા ચડાવાય છે ત્યારે તેમાં દિવો કરવામાં આવે છે. અહીંથી મોટા શિખરની કલા કારીગરી સારી રીતે જોઈ શકાય છે, દેરાના શિખર ઉપર ચારે તરફ શક્તિ માતાના મોહરા છે અને ટોચ ઉપર સુવર્ણ કળશ ચળકી રહ્યો છે. અનેક રંગની ધજાનું માપ બાવન ગજનું છે અને તેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતિકો દેખાય છે.
જેના દર્શન કરતા માનવી પોતાના જીવનના દુ:ખ ભુલી જાય છે. એવા શ્રી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ ભગવાન આ સુંદર મંદિરમાં બિરાજમાન છે. મંદિરના એક વિશાળ સભા મંડપમાંથી યાત્રિકો ભગવાનનાં દર્શન કરી ભાવવિભોર બને છે. ભગવાનના નિજ મંદિર સામે દેવકી માતાનું મંદિર છે. તથા તેની પાછળના ભાગમાં રાણીવાસ આવેલ છે, એક તરફ પુત્ર પ્રદ્યુમન બીજી તરફ ત્રિકમજીના મંદિર છે. રણછોડરાયજીનો ભંડાર શંકરાચાર્યના શારદામઠને તાબે છે, અહીં ભોજન સામગ્રી તૈયાર કરી દ્વારકાધીશને ધરવામાં આવે છે. મંદિરમાં ભગવાનની શ્યામ ચત્રભુજ પ્રતિમાના દર્શન કરતાં ભાવિક ભક્તો રણછોડરાયની જય પોકારે છે. મોક્ષદ્વારમાંથી નીકળતા મંદિરને ફરતી બજાર છે. ઘણા યાત્રાળુઓ મંદિરની પરિક્રમા કરે છે. દુર દરિયામાં આવેલી ૧૫૦ ફુટથી વધુ ઉંચી દીવાદાંડી તેની પ્રકાશ ફેંકવાની ટેકનીકલ રચનાથી એશીયામાં વખણાય છે.
ભાવિકજનો અહીંથી ૩૨ કિ. મી. દુર બેટ દ્વારકા જાય છે. કચ્છના અખાતમાં એક ટાપુ આવેલો છે. તે બેટ દ્વારકા કહેવાય છે. અહીં મહેલ જેવી બાંધણીના મંદિરો છે, જેમાં કૃષ્ણ ભગવાનના મહેલના ઉપરના માળૈ શૈયા મનોહર ચિત્રો છે. બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણે શંખાસુર નામના અસુરને મારી ગુરુ સાંદીપનીનો પુત્ર છોડાવીને ગુરૂ પત્નીને પાછો સોંપ્યો હતો તે શંખ તળાવ કહેવાય છે. બીજા રણછોડ તળાવ, રત્ન તળાવ, કચોરી તળાવ વિગેરે જોવા દર્શન કરવાના અનેક સ્થાનો છે. બેટ પાસેનું ગોપી તળાવ ગોપીઓ સાથે રાસલીલાનું સ્થાન કહેવાય છે, ગોપીનાથનું મંદિર છે. અહીંની સફેદ માટીને ભાવિકો ગોપીચંદન કહે છે. અહીંથી આશરે ૫ કિ. મી. દુર બાર જ્યોતિર્લીંગમાનું એક નાગેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે. મંદિરની બાજુમાં ભગવાન શંકરની ૮૫ ફુટ ઉંચી પ્રતિમા છે. દ્વારકાપુરીથી નાગેશ્વર ૧૬ કિ. મી. દુર છે.