દ્વારિકાધિશના મંદિરમાં દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના દિવસે દર્શનના સમયમાં ફેરફાર

અમદાવાદ, તા. ૨૫ : યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં સામાન્યરીતે વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે પરંતુ દિવાળી પર શ્રદ્ધાળુઓની ખાસ ભીડ જોવા મળે છે જેના પરિણામ સ્વરુપે મંદિર વહીવટીતંત્ર તરફથી ધનતેરસથી લઇને દિવાળી સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૭મી ઓક્ટોબરના દિવસે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળા આરતી સવારે પાંચ વાગે કરવામાં આવશે. બપોરે એક વાગે મંદિરના દ્વારને બંધ કરી દેવામાં આવશે. રાત્રિ દર્શન આઠ વાગ્યા બાદથી ૯.૪૫ સુધી કરી શકાશે. ૨૮મી ઓક્ટોબરના દિવસે નૂતન વર્ષના ગાળા દરમિયાન મંગળા આરતી સવારે છ વાગે કરવામાં આવશે. ગૌવર્ધન પૂજા સવારે ૧૧.૩૦ વાગે કરવામાં આવશે ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે. અન્નકુટ દર્શન સાંજે પાંચ વાગ્યા બાદ રાત્રે ૯.૪૫ વાગે મંદિરના દ્વાર ફરી બંધ કરી દેવાશે. ૨૯મી ઓક્ટોબરના દિવસે ભાઈબીજના પ્રસંગે મંગળા  આરતી સવારે સાત વાગે યોજાશે.