ધરોઈ ડેમ લાભપાંચમના દિવસે જ 100 ટકા ભરાયો

મહેસાણા, તા.૦૨

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ શુક્રવારે લાભ પાંચમના દિવસે જ તેની પૂર્ણક્ષમતાએ એટલે કે 622.01 ફૂટે છલોછલ ભરાયો છે. 2017 પછી આ વર્ષે ડેમ પૂરેપૂરો ભરાયો છે. ડેમના ઉપરવાસમાં નવરાત્રિના ગાળામાં થયેલા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હોવાનું ધરોઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આવું છેલ્લા 15 વર્ષમાં બીજીવાર બન્યું છે. ડેમમાંથી જમણી અને ડાબી કેનાલમાં 250 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.

હાલમાં વાદળિયું આકાશી પ્રતિબિંબ પાણીમાં પડતાં ડેમના પાણીમાં વાદળી રંગની ચાદર પાથરી હોય તેવો રંગીન નજારો જોવા મળી રહ્યો છે. તો સામે કાંઠે કેનાલમાંથી છૂટતાં પાણીમાં બાળકો વેકેશનમાં છબછબિયાની મજા માણે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે ડેમ 189.590 મીટર (622.01 ફૂટ)એ ભરાયો છે. જેમાંથી 450 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઇ રહ્યું છે. હજુ 50 ક્યુસેક પાણીની આવક છે.

ધરોઇ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા 9 શહેરો અને 538 ગામોના 16.50 લાખ લોકોને ઇન્ટેકવેલ ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરીને પાઇપલાઈનથી દૈનિક 19 કરોડ લિટર પાણીનું શુદ્ધ પાણી આપવામાં આવે છે.