ધવલ જાની સામે કડક કાર્યવાહીના બદલે ભ્રષ્ટ પ્રક્રિયાથી સરકારે બઢતી આપી

અમદાવાદ, તા. 18
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર અને આ બેઠકના ચૂંટણી અધિકારીએ કાવતરાથી ભારત સરકારના ચૂંટણી પંચનો ગુનો કર્યો છે અને લોકપ્રતિનિધિત્વ ધારાના અમલમાં ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું નીરિક્ષણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને હવે આ કેસની સુનાવણી આગાની 15મી નવેમ્બર મુકરર કરવામાં આવી છે.

કોર્ટે લીધો ઉધડો

આ અંગેની વિગતો એવી છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ધોળકાની બેઠક પરથી માત્ર 327 મતે ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો કોંગ્રેસના અશ્વિન રાઠોડ વિરૂદ્ધ વિજય થયો હતો. આ બેઠક પર મતગણતરીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાથી ચૂંટણી રદ્દ કરવી જોઈએ એવી દાદ માંગતી ઈલેક્શન પીટિશન કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ સંદર્ભે આજે યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ધ્યાને તત્કાલિન ચૂંટણી અધિકારી ધવલ જાનીને અધિક કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હોવાની વાત આવતા કોર્ટે સરકારનો અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ઉધડો લીધો હતો.

કોર્ટનું નિરીક્ષણ

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના વકીલને સવાલ પૂછ્યો હતો કે, કેન્દ્રીય ચૂંટણી પંચે ધોળકા બેઠકના ચૂંટણી અધિકારી ધવલ જાની સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં તેમને અધિક કલેક્ટર તરીકે સરકારે બઢતી આપી છે. ત્યારે ભૂપેન્દ્રસિંહના વકીલે આ બાબતથી તેઓ વાકેફ નહિ હોવાનું કહેતા કોર્ટે સરકારની આકરી ટીકા કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે, 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર પૂર્વ મહેસૂલ પ્રધાન હતા અને ત્યારે તેમના વિભાગમાં તત્કાલિન ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર તરીકે કાર્યરત હતા અને તેઓ તેમના નિયમિત સંપર્કથી પરિચિત બન્યા હતા. કોર્ટે એવું પણ કહ્યું કે, તત્કાલિન ચૂંટણી અધિકારી ધવલ જાનીને આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ત્રણ વખત હાજર રહ્યા નથી. અને આ કેસમાં કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હોવા છતાં આરોપોથી ઘેરાયેલા ધવલ જાનીને બઢતી આપીને અધિક કલેક્ટર બનાવ્યા છે. જે દર્શાવે છે કે ઈરાદાપૂર્વક સમજી વિચારીને બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જે માટે જવાબદાર અધિકારી કોર્ટ સમક્ષ ખુલાસો કરી શક્યા નથી. અને આ સંજોગોમાં આ આખી ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું પણ કોર્ટે અવલોકન કર્યું હતું.

શું છે આખો કેસ

આ કેસની વિગત એવી છે કે, 18મી ડિસેમ્બર 2017નાં રોજ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર કરાયા હતા. જેમાં ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને માત્ર 327 મતે કોંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ન આવી હોવાનાં કારણે વિવાદ ઊભો થયો હતો. તેથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતાં જણાવ્યું કે, 429 જેટલા બેલેટ પેપર કે જેમાં મોટાભાગના તેમના તરફી મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા નહોતા. ચૂંટણી પંચનાં નિયમો અનુસાર ઈવીએમની મતગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે, આ નિયમને નેવે મૂકીને ઈવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ચૂડાસમાને લાભ કરાવવાનાં હેતુથી ડેપ્યૂટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિનાં સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઈ હતી.