ધાનેરામાં દવાની દુકાને પંજાબ પોલીસની તપાસથી મેડિકલ લોબીમાં ખળભળાટ

ધાનેરા, તા.૦૫

ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન પર આજે બપોરના સમયે અચાનક પંજાબ પોલીસ પ્રતિબંધિત દવા પંજાબ રાજ્યમાં મોકલનાર વેપારીની તપાસ અર્થે આવતા વેપારીઓના ટોળા એકઠા  થયા હતા.

આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન જે કેટલાક સમય પહેલા કોઈ મેડિકલ એજન્સી માટે ભાડે આપેલી હતી, તે એજન્સી દ્વારા તે સમયે પ્રતિબંધિત ડ્રગ્સવાળી દવાઓ ડુપ્લિકેટ બીલો બનાવી પંજાબ રાજ્યમાં કોઈ વેપારીને મોકલવામાં આવી હોવાથી તે બાબતે પંજાબ પોલીસ તપાસ અર્થે આજે ધાનેરા આવી હતી અને ગંજ બજારના આ સરનામે આવી પહોંચી તપાસ કરતા જેઓને જાણવા મળ્યું હતું કે, તે દવાની એજન્સીના માલિક અહીંથી દુકાન ખાલી કરી જતા રહ્યા છે. ત્યારે પંજાબ પોલીસે આ બાબતે ભાડે દુકાન આપનાર સાથે કેટલોક સમય વાતચીત કરી  તપાસ કરી હતી. ત્યારે પંજાબ પોલીસની તપાસથી આજુબાજુના વેપારીઓના ટોળાઓ એકઠા થયા હતા અને શહેરમાં મેડીકલનો વ્યવસાય કરતા વેપારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો હતો. જોકે પ્રતિબંધીત ડ્રગ્સવાળી દવાઓ મોકલનાર દવા એજન્સીનો મલિક આ ભાડાની દુકાન ખાલી કરી વહેલી તકે ભાગી ગયો હોવાથી તપાસમાં આવેલી  પંજાબ પોલીસને અહીંથી કોઈ વધુ વિગતો પ્રાપ્ત થવા પામી ન હતી.