ધાનેરામાં રોગચાળો વકરતા 5 તબીબ એક જ રૂમમાં દર્દીઓને તપાસે છે

ધાનેરા તા.૨૬

ધાનેરામાં રોગચાળાની સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉમટી રહ્યા છે. તેવામાં ધાનેરાની મુખ્ય સરકારી હોસ્પિટલની દર્દીઓ તપાસવાની રૂમની જે તસવીર સામે આવી છે કે ચોંકાવનારી છે. રેફરલ હોસ્પિટલની મુખ્ય રૂમમાં એક સાથે પાંચ તબીબો બેસીને દર્દીઓ તપાસી રહ્યા છે. હોસ્પિટલમાં પલંગની સંખ્યા પુરતી ન હોવાથી એક પલંગ પર બે દર્દીઓને સુવડાવવા પડી રહ્યા છે. અધૂરામાં પૂરું કેટલાક દર્દીઓ રૂમની બહાર લાઈનોમાં પણ ઉભા રહે છે. શહેરની રેફરલ હોસ્પિટલમાં રોજના 600 દર્દીઓ સારવાર અર્થે આવે છે.

ધાનેરામાં વાયરલ ફીવરએ માથું ઊંચકયું છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. સમગ્ર તાલુકામાં દરેક ઘરમાં કોઈને કોઈ બીમાર છે. ગામના મોટાભાગના લોકો સારવાર કરાવવા માટે ધાનેરા શહેરમાં આવી રહ્યા છે. અને એટલે જ અહીં તમામ ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વાયરલ ફિવરના લીધે ત્રણથી ચાર દિવસ સુધી દર્દીને સાવ શરદી અને ખાંસી તેમજ માથું પકડાઈ જવા જેવી ફરિયાદ રહે છે. ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓના નિદાન અને સારવાર કરવા માટેની જે મેડીકલ ઓફિસરની રૂમ છે તેમાં અગાઉ 1 વર્ષ પહેલા એક સાથે ત્રણ તબીબો બેસતા હતા પરંતુ હવે છેલ્લા 1 વર્ષથી એક સાથે પાંચ તબીબો એક જ રૂમમાં બેસીને જુદાજુદા રોગથી પીડાતા દર્દીઓને તપાસી રહ્યા છે.

રેફરલ હોસ્પિટલમાં અન્ય મેડિકલ ઓફિસર માટેના રૂમની વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે. રેફરલ હોસ્પિટલમાં જ જે મેડીકલ ઓફિસરની રૂમની આ હાલત છે ત્યાં હોસ્પિટલમાં આવેલા વોર્ડમાં દર્દીઓને સારવાર લેવામાં પણ પોતાના પલંગ પર બીજા દર્દીને સુવડાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, અને એટલે જ હાલમાં એક બેડ પર બે બે દર્દીઓ જોવા મળી રહ્યા છે. 20 દિવસમાં તાલુકાના જુદા જુદા ગામોના 30 હજારથી પણ વધુ દર્દીઓએ ધાનેરાની ખાનગી સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, તાલુકામાં 25 દિવસમાં માત્ર સરકારી દવાખાનાઓમાં આંકડા મેળવતા અંદાજે 33 હજાર જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા છે. મોટાભાગના દર્દીઓ ખાનગીમાં જતાં તાલુકામાં આ વર્ષે વાયરલ ફિવરના દર્દીઓમાં મોટો વધારો થયો છે. ટીમ દ્વારા પણ તમામ સરકારી દવાખાનાઓમાં પુરતા પ્રમાણમાં દવાઓ તેમજ મેડીકલ સ્ટાફને ખાસ હાજર રહેવા જણાવેલ છે. ફિલ્ડના સ્ટાફને પણ ગામડાઓમાં ભરાતા પાણી બાબતે તેમજ પીવાના પાણીની ટાંકીઓ પણ સાફ ન હોય તો પંચાયત પાસે સાફ કરાવવા સુચના અપાઈ છે.