ધારી, તા. 27,ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉચક્યું છે. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇને ડેંન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાના ભરડામાં અનેક લોકો સપડાઇ રહ્યાં છે. ત્યારે અમરેલીના ધારીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. દરરોજ ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. હોય છે અને દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. બીમારીઓએ માથુ ઉંચકયું છે. ધારી શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ધારી સરકારી દવાખાને દર્દીઓની લાંબા લાંબી કતારો લાગી જાય છે. હાલ, તાવ, મેલેરીયા, વાયરલ ઇન્ફેકશન, ઉધરસ, અને ડન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચક્યુ છે. શહેરમાં દરરોજ એક-બે દર્દીને ડેંગ્યું જોવા મળે છે. દર્દીના શરીરમાં શ્વેતકણ ઓછા થાય છે. ત્યારે હવે ધારી જેવા નાના નગરોમાં પણ આરોગ્ય તંત્રને વધુ સક્ષમ કરવાની જરૂરીયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમજ દર્દીઓની સુવિધા માટે વધુ દવાઓ અને તબીબોની આવશ્યકતા પણ જણાઇ રહી છે. તો તાત્કાલિક અસરથી સરકારે આ વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગણી ઉઠી રહી છે.