જામનગર,તા:૨૧
જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે.
કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી
આ મામલે જમીનના મૂળ માલિકો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે જમીન હડપ કરવા કારસો કરનાર જયેશ રણછોડ અમીપરા સહિતના કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી જોઈ તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ ફરમાવી અપીલ કેસને તાત્કાલિક ચલાવવા હુકમ કર્યો છે. આ ચકચારી કેસમાં જમીનના ખરા માલિકો વતી હિતેન ભટ્ટ અને ગિરીશ ગોજિયા રોકાયેલા છે.
ખોટું કુલમુખત્યારનામું
ધૂંવાવમાં મહેશભાઈ રણછોડભાઈ બુસા, જયેશભાઈ રણછોડભાઈ બુસા અને અરૂણાબેન રણછોડભાઈ બુસાના નામની કરોડો રૂપિયાની કિંમતી 28 વિઘા જમીન હડપ કરવા રામદે મેરામણ કેશવાલા,અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી, જયેશ રણછોડ અમીપરા, અખ્તર ઈબ્રાહીમ ખરા, વિજય પુંજા મોઢવાડિયા, ભરત ગાગા ખૂંટી, પુંજા રામા ઓડેદરા, સબ રજિસ્ટ્રાર ભરતસિંહ મનુભા જાડેજા અને નોટરી એ.આર. શેખ દ્વારા ખોટું કુલમુખત્યારનામું બનાવી વેંચાણ દસ્તાવેજ પણ બનાવી લેવામાં આવતાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.