ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને પાસ કે ના-પાસ કરી શકાશે

પ્રાથમિક શિક્ષણમાં આર.ટી.ઇ. એક્ટ હેર્ઠળ હવે ધોરણ – ૫ અને ૮માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તા મુજબ વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરાશે, તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઇ છે. આ મંજૂરી મળતાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના દેખાવ અને મૂલ્યાંકનના આધારે પાસ કે ના-પાસ કરાશે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૯માં યુ.પી.એ. સરકારે આર.ટી.ઇ.એક્ટ હેઠળ ધોરણ ૧ થી ૮માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને ના-પાસ નહીં કરવાની કરેલી જોગવાઇનો વર્ષ ૨૦૧૪માં એન.ડી.એ. સરકાર આવતા અગાઉની જોગવાઇના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી રહેવાથી આ જોગવાઇમાં સુધારો કરવાની વારંવાર રજૂઆત કરી હતી.
ભારત સરકારે પણ ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને લઇને ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરાશે તેવો આર.ટી.ઇ. એક્ટમાં સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરતા સપ્ટેમ્બર-૨૦૧૮માં તેને મંજૂર કરાયો હતો. આ ખરડાને હવે આજે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઇ છે.