ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું

જમીન આંદોલન – દિલીપ પટેલ

2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવો, જાન આપીશું પણ જમીન નહીં.’ ખેડૂતોએ આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, 2009માં બનાવવામાં આવેલા સેઝ – સ્પીશીયલ ઈન્વેસ્મેન્ટ રીજીયન – ખાસ આર્થિક વિસ્તાર કાયદામાં કલમ 41માં ખેતી કે ખેતર નામની કોઈ જોગવાઈ નથી. જાહેરનામું બહાર પાડીને આ કાયદો ગમે ત્યારે અમલમાં મૂકી શકાય છે. તેથી 22 ગામની 920 ચોરસ કિલોમીટર સર જાહેર કરેલો છે તેમાં ખેડૂતોના તમામ હક્ક છીનવી લઈ શકાય છે. સરકારને આ અંગે વારંવાર રજૂઆત કરી છે કે ખેડૂતો માટેનો કાળો કાયદો દૂર કરો. પણ મૂડીપતિઓની સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. પણ અમે અંતિમ શ્વાસ સુધી લડી લેવાના છીએ. સરના કાયદા હેઠળ 50 ટકા જમીન ગમે ત્યારે લઈ શકે છે. 22 ગામની 932 સરવે નંબરની 28502 હેક્ટર જમીન સરકારની છે જે રૂ.20ના ચોરસ મિટર પ્રમાણે વેંચી દીધી છે. જેમાં 50 ટકા કરતાં પણ વધું જમીન ખાનગી લોકોની છે કે સરકારી જમીન તરીકે વેચીં મારી છે. ખેડૂતોના નામો દફતરે ચઢાવવામાં આવ્યા નથી. ખેડૂતોને ગણોત ધારા હેઠળ જમીન મળી છે જે નવી શરતથી જૂની શરતમાં ફેરવવા માટે ખેડૂતો પર પ્રિમિયમ મોટું લેવામાં આવી રહ્યું છે. ધોલેરા અમદાવાદ વચ્ચે 110 મીટર પહોળા એક્સપ્રેસ વેની જમીન ખેડૂતો પાસેથી ધોલેરા વિસ્તારમાં મફતમાં આંચકી લેવામાં આવી રહી છે. ધોલેરામાં આ જ માર્ગ 250 મીટર પહોળો બની જાય છે. આમ ખેડૂતોને જમીન વિહોણા બનાવવામાં આવી રહ્યાં છે.

જમીનના તમામ હક્ક સર ઓથોરીટી પાસે રેહશે. સર એકટ અમલમા આવ્યા પછી 22 ગામની ગ્રામ પંચાયતો નહીં રહે. આમ એક જ ઉદ્યોગ વિસ્તારમાં 22 ગામો શૂન્ય થઈ જશે. ગામના લોકોના તમામ અધિકારો છીનવી લેવામાં આવશે. ખેડૂતોની તમામ જમીન લઈ લેવામાં આવશે અને સર ઓથોરીટી નક્કી કરશે તેવી ખરાબ જગ્યાએ ખેડૂતોને 50 ટકા જમીન આપવામાં આવશે. તેથી ગામના લોકો વચ્ચે વિખવાદ થશે. ખરાબ અને મોકા પર ન હોય એવી જમીન આપવામાં આવશે. સારી અને મોકાની જમીન ઉદ્યોગપતિઓ પાસે કે રાજકારણીઓ પાસે જશે. 50 ટકા જમીન સરકાર લઈ લેશે તેનું કોઈ વળતર આપવામાં નહીં આવે. સરકારે એક મીટરનો રૂ.30 વેરો નક્કી કરેલો છે તે 2011થી લાગુ પડશે અને જેમાં તમામ ખેડૂતો પોતાની જમીન વેચશે તો તે ભરી નહીં શકે. તેથી ખેડબતો પોતાની જમીન વેચી નાંખશે અને ઉદ્યોગો તે લઈ લેશે.

૫૦% જમીન મફત લય જાય ને ઉપર થી ટેકસ નો માર જે ખેડૂત ને જમીન છોડવા માટે મજબૂર બનાવશે

2014માં ગામથી પદયાત્રા કાઢીને અમદાવાદ કટેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. 22 ગામને નર્મદાનું પાણી આપવાની માંઘણી છે. 22 ગામના તમામ જળાશયો સરકારી ચોપડે નોંધવામાં આવે. ગામની પડતર જમીન ગરીબોને આપવામાં આવે. હાલના ગામતળ વધારી આપવામાં આવે. ગામને ગૌચર આપવામાં આવે. આવી માંગણી 8 વર્ષથી સરકાર સમક્ષ પડતર છે. છતાં તે આપવામાં આવતી નથી.

2 નવેમ્બર 2015માં પણ ખેડૂતોએ ફરી એજ માંગણી કરીને સરકારને આવેદનપત્ર આપ્યું હતું. છતાં ગામને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત રખાયા છે. 2005થી સતત ચોવીસે કલાક નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે. પણ ખેડૂતોને આપવામાં આવતું નથી. બે જ ગામને આપવામાં આવે છે. હવે સરના ઉદ્યોગો નર્મદાનું પાણી વાપરશે.

એક એકજ જમીન રૂપિયા બે કરોડનું ખેત અને કુદરતી ઉત્પાદન આપે છે. 40 હજાર હેક્ટર જમીન ખતમ થઈ જવાની છે. આજ સુધી સરમાં કોઈ ઉદ્યોગ આવ્યો નથી. હવે તે સૂર્ય ઊર્જા માટે જમીન આપવામાં આવી નહીં છે. કારણ કે અહીં મકાનના પાયા થઈ શકે તેમ નથી. જમીન પોચી અને દરિયાની છે. જે રીતે ટાટા નેનોને આણંદ કૃષિ યુનિવર્સિટિની ગાયોની હાય લાગી છે, એવી હાય સરને લાગશે. આ પ્રોજેક્ટ સફળ થવો મુશ્કેલ છે. ઉદ્યોગો કરતાં અનેક ગણી કમાણી ખેતીમાં રહેલી છે.

16 જુન 2018માં 3000 ખેડૂતો એકઠા થયા હતા. કારણ કે જમીન સંપાદન અંગે નોટીસ પાઠવી છે. જેને લઈને ખેડૂતોએ તેનો વિરોધ શરુ કર્યો છે. સરકારે દાદાગીરી કરીને ખેડૂતોને તેમની જમીનના રેકોર્ડ આપી જવા આદેશ કર્યા છે. નોટિસ મળતા જ ખેડૂતો ધોલેરા સરની ઓફીસ ખાતે વિરોધ કર્યો હતો. હાઈકોર્ટમાં કેસ ચાલતા હોવા છતાં નોટીસ આપીને ડરાવવામાં આવે છે. કોર્ટે સરકારને આ મુદ્દે નોટિસ આપી છે. બળજબરીથી સરકાર ખેડૂતોની જમીન પડાવી રહી છે. જે ખેડૂત જમીન નથી આપતા તેને ટાઉન પ્લાનીગ હેઠળ લેવામાં આવી રહી છે. જમીન હડપ કરીને મોટા ઉદ્યોગપતિઓને જમીન આપવાની યોજના ભાજપ સરકાર કરી રહી છે. એવું ખેડૂતો કહી રહ્યા છે. ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-1976 મુજબ ખેડૂતોની 40 ટકાના બદલે 50 ટકા જમીન ગેઝેટમાં જાહેરાત કરીને એક ઝાટકે લઈ લેવાનું નક્કી કરાયું હતું. હવે તે જમીન લઈ લેવા માટે રીતસર નોટિસ ફટકારવામાં આવી હતી.

જમીનનો કાયદો સર એક્ટમાં લઈ લીધો

ખેડૂતોની 50 ટકા જમીન આ રીતે મફતમાં લઈ લેવાની હતી અને બાકીની જમીન ખેડૂતને જે ગામમાં ખરાબામાં કે અન્ય કયાંય ખાલી પડે ત્યાં આપવાની હતી. આ યોજનાના અમલ માટે રાજય સરકારે સર એકટમાં ટી.પી. એકટને સમાવી લીધો છે. આથી વડીઅદાલતમાં થયેલી જાહેરહીતની અરજીમાં સર એકટની કલમ 3,4,5,8,17,29ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મુકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે.

બંધારણનો ભંગ

આ જમીન ટાઉન પ્લાનીંગ એકટ હેઠળ કઈ રીતે લઈ શકાય? આ માટે જે તે વિસ્તારોને નગરપાલિકામાં ફેરવવા પડે અને તેના માટેના માપદંડ નક્કી છે જેમ કે ગામની વસ્તી કેટલી છે, કેટલા ટકા લોકો ખેતી સિવાયના અન્ય વ્યવસાય પર આધાર રાખે છે વગેરે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ 243 (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે.

ખેડૂતોની સહમતી ન લઈને કાયદાનો ભંગ

સામાન્ય રીતે કયાંય ટી.પી. પડે તો 40 ટકા જમીન કપાતમાં જતી હોઈ છે જેનો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં, બગીચા બનાવવામાં, ડ્રેનેજ વગેરે જાહેર હેતુ માટે થતો હોઈ છે. જેના બદલે કોઈ જાહેર હેતુના બદલે સરકાર આ જમીન ખેડૂતો પાસેથી ટી.પી.ના ઓઠા હેઠળ લઈને ઉદ્યોગોને પાણીના ભાવે વેચી દેવા માંગે છે. જાહેર હેતુ તેમાં રહેતો નથી. આમેય શહેરી સત્તા વિકાસ મંડળ, મહાનગરપાલિકાઓ ખેડૂતોની મેળવેલી 40-50 ટકા જમીન હરાજી વગર વેચી દે છે. પ્રજા મિલકત વેરો, રોડ વેરો, પાણી વેરો જેવા વેરા ભરતી હોવા છતા અબજો રૂપિયાની જમીનો વેચી દેવાઈ છે, જેની આવકમાંથી શહેરનું તંત્ર ચલાવે છે. રાજનેતાઓ આવા પ્લોટ વેચીને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. આથી ખેડૂતોની માંગ હતી કે કેન્દ્ર સરકારના નવા જમીન સંપાદન ધારા હેઠળ જ જમીન સંપાદિત થઈ શકે જે ધારો જાન્યુઆરી 2015થી અમલમાં આવ્યો છે. આ ધારા મુજબ જમીન સંપાદિત કરતા પહેલા 70 ટકા ખેડૂતોની સહમતી જરૂરી છે, બજાર કિંમત કરતા ખેડૂતોને ચાર ગણું જમીનનું વળતર ચુકવવું પડે અને અસરગ્રસ્ત ખેડૂતના પરિવારના સભ્યોને ઉદ્યોગોમાં નોકરી આપવી પડે.

200 ખેડૂતોને અગાઉ નોટિસ આપી હતી

ધોલેરા સર ડેવલોપમેન્ટ ઓથોરિટી તરફથી 26 નવેમ્બર 2017થી ધોલેરાના 200 જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે 15 દિવસમાં વેરીફિકેશન માટે અધિકારીઓ આવશે અને ત્યારબાદ તેમની જમીનો ટી.પી. એકટ હેઠળ લેવામાં આવશે. આ રીતે અન્ય તમામ ગામોના ખેડૂતોને પણ નોટિસો આપવાની શરૂ થવાની હતી જેથી આજે વચગાળાની રાહત માટે સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી, જો કે વડીઅદાલતનો મનાઈહુકમ આવી જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ ફરીથી 2300 ખેડૂતોને નોટિસ આપતા તેઓ સરકારી કચેરીએ દોડી ગયા હતા.

16 વર્ષથી કંઈ ન થયું હવે સોલાર પાર્ક બની રહ્યો છે

ધોલેરા સ્માર્ટ સિટી જ્યાં બનવાનું છે તે 22 ગામ ભાંગીને એક ઔદ્યોગિક શહેર છેલ્લા 16 વર્ષથી બની રહ્યું છે. આ ગામના 3600 ખેડૂતોને જમીન આપી દેવા નોટિસ આપવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. 8 ગામમાં 3 ટાઉન પ્લાનીંગ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગ હેઠળના સરની ટાઉન પ્લાનિંગની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે કે ખેડૂતોએ તેમની જમીન અંગેના રેકોર્ડ આપી જવા. નહીંતર સરકાર પાસે જે રેકર્ડ છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી.

ઉદ્યોગપતિઓને જમીન

ભાલ બચાવો સમિતિ બનાવીને ખેડૂતો સફળતાપૂર્વક લડી રહ્યા છે. હવે સરકાર જબરજસ્તી અને બળાત્કારે જમીન લઈ લેવા પર ઉતરી આવી છે. એક માત્ર ધોલેરા સરમાં જ કપાતની જમીનના ખેડુતોને જંત્રી મુજબના વળતર પણ સરકાર ચૂક્વશે. પણ જમીન સામે જમીન નહીં આપે. ટી.પી. સ્કીમોમાં જમીન લઈ લેવામાં આવી રહી છે. ખેડૂતોની જમીન હડપ કરીને રાજકારાણીઓ અને માલેતુજારોને સવલતો આપવામાં આવી રહી હોવાનું ખેડૂતો માની રહ્યા છે. ગામોની કેટલીક જમીન રાજકારીઓએ બેનામી સંપત્તિ તરીકે ખરીદી છે. જે મોટા ભાગે ભાજપના નેતાઓ છે. તેઓ હવે આ જમીનની 10 ગણી કિંમત મેળવશે.

તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તક આવતા શહેર વિકાસ વિભાગ કોઈ પણ રીતે ખેડૂતોની જમીન લઈ લેવા માંગે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 6 ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા આગામી વર્ષોમાં સ્માર્ટ સીટીનું નિર્માણ કરવા માટે ભાજપના નેતાઓ અધીરા બન્યા છે.