ધોલેરા સરનાં પૂરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફેલાવાની દહેશત

અમદાવાદ, તા. 18

ભારે વરસાદમાં ધોલેરા સરના 22 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે આ ગામોમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત હતી. જો કે જિલ્લાના મેલેરિયા અધિકારીની આગેવાનીમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીટીઆઈ, એબેટ અને ચૂનાના છંટકાવ સહિત સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે સવાસોથી વધુ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો કાર્યરત થઈ છે.

અમદાવાદ જિલ્લાના ધોલેરા સરમાં આવેલા ધોલેરા અને ધંધુકા તાલુકાના 22 જેટલા ગામો ભારે વરસાદથી અને ઉપરવાસના પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જતાં પૂર અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત ફેલાઈ હતી.

આ સંજોગોમાં જિલ્લા પંચાયતના મેલેરિયા અધિકારી ડો. રાઠોડ પોતાની ટીમ સાથે પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફની સાથે સંકલન કરીને એનવીબીડીસી સંદર્ભે વિવિધ કામગીરી શરૂ કરાઈ છે.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જ્યાં પાણી ઉતર્યા છે તેવા ધોલેરા સરના 12 જેટલા અસરગ્રસ્ત ગામોમાં ગામોમાં ચૂનાનો છંટકાવ,એબેટની કામગીરી, બીટીઆઈનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાણીની ટાંકીઓ અને પાણીના સાધનોમાં ક્લોરિનની ટીકડીઓ નાખવા તેમજ ઘરે ઘરે જઈને ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરવા ઉપરાંત સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ધોલેરા પંથકના વિવિધ ગામોમાં પૂરનું પાણી ઓસરતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સોઢી, મીંગલપુર, રાજપુર સહિતના ફ્લડ અસરગ્રસ્ત ગામમાં પાણી ઉતર્યા પછી ચૂનાનો છંટકાવ અને ઘર વપરાશના પાણીમાં એબેટ કામગીરી કરવામાં આવી રહી છે. બંધિયાર ભરાયેલ પાણીમાં બીટીઆઇનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એડલ્ડ મચ્છરોના નાશ માટે ફોગિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત પાણીની ટાંકીઓ અને પાણીના સાધનોમાં ક્લોરિનની ટીકડીઓ નાખવા તેમજ ઘરે ઘરે જઈને ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરાય રહ્યું છે.

આ ઉપરાંત સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઓપીડી શરૂ કરીને દર્દીઓને સારવાર અપાઈ રહી છે તેમજ રાજપુર ગામમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ સાથે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ફિવર સર્વેલન્સ થઈ રહ્યું છે. જેના કારણે ધોલેરા સરના પૂર અસરગ્રસ્ત ગામમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ફેલાવાની કોઇ દહેશત નથી.

આ કામગીરીમાં પીએચસી સેન્ટરની છ મોબાઈલ વાન, 33 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (એમપીએચડબલ્યુ), 30 ફિમેલ હેલ્થ વર્કર્સ (એફએચડબલ્યુ), 65 જેટલી આશા વર્કર્સ સહિતની ટીમ જોડાઈ છે.