ધોળીધજા ડેમમાં જળ સમાધી લેવા જતાં ધારાસભ્યોની અટકાયત

રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પાણીની સમસ્યા તેમ જ દેવાંમાફીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જેનાં ભાગરૂપે આજે સવારે જ્યારે આ ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતો ધોળીધજા ડેમ પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેનાં કારણે ખેડૂતોનાં મામલે રાજનીતિ ગરમાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવા જતાં ત્રણેય ધારાસભ્ય સહિત 50 થી વધુકાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોને સિંચાઇનાં પ્રશ્નને લઈ લીંબડીનાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ, પુરુષોત્તમ સાબરીયા તેમજ ઋત્વિક મકવાણાએ ખેડૂતોની માંગણીને વાચા આપવા માટે આંદોલનનું નેતૃત્વ લીધું હતું અને ત્રણેય ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જેનાં પગલે જિલ્લા વહિવટીતંત્ર ઉપરાંત જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને ધોળીધજા ડેમ તરફ જતાં તમામ માર્ગો પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાનમાં આ ત્રણેય ધારાસભ્યો કાર્યરકારો સાથે પહેલા સ્થાનિક અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને ત્યારબાદ ધોળીધજા ડેમ ખાતે જળસમાધિ લેવા જતી વખતે રસ્તામાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અટકાયત સમયે પોલીસ અને ત્રણ ધારાસભ્યો તેમ જ ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. જોકે, આ તમામની અટકાયત કર્યાં બાદ તેમને સ્થાનિક પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પૂર્વે ધોળીધજા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું જેનાં કારણે ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ સરકારી વહિવટી તંત્ર દ્વારા આ પાણીની ચોરી ન થાય તે માટે ડેમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેનાં કારણે સિંચાઈનાં પાણીની કારમી તંગીનો સામનો કરી રહેલાં જિલ્લાનાં ખેડૂતોએ જિલ્લાનાં સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જેનાં પગલે આ ત્રણ ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. ત્રણે ધારાસભ્યોની માંગણી છે કે, જો રાજ્ય સરકાર આગામી દિવસોમાં ધોળીધજા ડેમમાંથી ખેડૂતોને માટે સિંચાઈનું પાણી નહિ છોડે તો ઉગ્ર આંદોલનનાં શ્રીગણેશ કરવામાં આવશે