[:gj]અછત બાબતે સરકારે આપેલા આંકડા ખોટા [:]

[:gj]

રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પારાવાર હાલાંકીનો ઉકેલ લાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોનાં દેવાંમાફી, સિંચાઈનું પાણી, તેમ જ પાકવીમાની રકમ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણયો લેવામાં ન આવ્યાં હોવાનાં આરોપ સાથે ગઢડાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રવિણ મારૂએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
પોતાનાં પત્રમાં ધારાસભ્યએ કહ્યું છે કે, ચાલુ વર્ષે બોટાદ તેમ જ સમગ્ર ભાવનગર જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે અને તેમાં પણ ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાઓમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. સરકારે વરસાદનાં આપેલાં આંકડાઓ ખોટા, પાયા વગરનાં અને સત્યથી વેગળા હોવાનો પણ તેમણે તેમનાં પત્રમાં આરોપ લગાવ્યો છે.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગત વર્ષે ગઢડા વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવ્યો નથી. ગયા વર્ષે અગાઉ 70 ટકા પાક વીમો મળશે એવી સરકાર અને વીમા કંપનીઓએ જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ માત્ર 30 ટકા વીમો ચૂકવવાનું જાહેર થતાં વિસ્તારનાં ખેડૂતોએ પાક વીમો લેવાની ના પાડી દીધી છે. વીમા કંપનીઓ દ્વારા 100 ટકા પ્રીમિયમ ઉઘરાવી ખેડૂતોને 30 ટકા રકમનો જ વીમો ચૂકવે છે, જેથી વીમા કંપનીઓ માત્ર નફાખોરીનો જ હેતુ હોય અને ખેડૂતોનું શોષણ થતું હોવાની અનુભૂતિ થતું હોવાનો આરોપ પણ મારૂએ પોતાનાં પત્રમાં કર્યો છે.
તેમણે વધુમાં એવો આરોપ પણ લગાવ્યો કે, નર્મદા કેનાલમાં પાણી છોડવાની સરકારની ઢીલી નીતિને કારણે ખેડૂતોને સમયસર પાણી નહિ મળવાનાં કારણે મોટું નુકસાન થયું છે. હાલ ઉમરાળા અને વલ્લભીપુરમાં લીંબડી બ્રાન્ચ તેમ જ ધંધૂકા બ્રાન્ચમાં મેઈન કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જે તા. 5-6 ઓક્ટોબરનાં રોજ ચાલુ થયું છે. જોકે તેમણે કહ્યું કે, સરકાર દ્વારા પંદર દિવસ પાણી આપ્યું છે અને હજુ પંદર દિવસ પાણી મળશે એવી જાહેરાત કરવામાં આવી છે. તો જે તારીખથી પાણી મળ્યું તેનાથી એક મહિના સુધી સળંગ પાણી મળવું જોઈએ એવી માંગણી પણ તેમણે પત્રમાં કરી છે.
અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રનાં ઘણાં જિલ્લાઓમાં અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, નર્મદા કેનાલમાંથી છોડવામાં આવેલું પાણી કેટલાં દિવસ સુધી આ જિલ્લાઓનાં ખેડૂતોને રાહત આપે છે.

[:]