નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ 

ધોરાજીનાં છાડવાવદર ગામેથી ઝડપાયેલી નકલી ચલણી નોટની તપાસમાં નવો વળાંક આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં નકલી ચલણી નોટોનું રેકેટ અમદાવાદથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ રૂરલ SOG દ્વારા અમદાવાદ ખાતે દરોડા પાડીને ડુપ્લિકેટ નોટ બનાવવાના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલને રૂપિયા 3 લાખની નકલી ચલણી નોટો સાથે દબોચી લીધા છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં છાવડાવદર ગામે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પૂર્વે  દરોડો પાડ્યો હતો. જેમાં પાંચ શખ્સોને 2 હજારની 36 અને 500 ની 4 નોટો સાથે ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ અમદાવાદનાં હિમાંશુ ઝવેરી પાસેથી 50 ટકાનાં દરે નકલી ચલણી નોટ ખરીદી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે અમદાવાદનાં સી.જી રોડ પર આવેલ રૂપા એપાર્ટમેન્ટમાં દરોડો પાડી આરોપી હિમાશું ઝવેરી અને અમરીશ આસોદરીયા પાસેથી 2 હજારનાં દરની 125 અને 500ના દરની 100 નોટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 3 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હિમાંશું ઝવેરી માસ્ટર માઇન્ડ છે અને 50 ટકાનાં દરે નકલી ચલણી નોટ બજારમાં ધુસાડવા વેચતો હતો. ત્યારે હાલ પોલીસે બન્ને આરોપીની પુછપરછ કરી તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
આરોપી અમરીશ આસોદરીયા ફોટોગ્રાફીનાં ધંધા સાથે સંકળાયેલો હતો. જેથી તે કોમ્પ્યુટર અને પ્રિન્ટરથી નકલી નોટ બનાવવાનું જાણતો હતો. હિમાંશુ ઝવેરીની સાથે મળી અમરીશ આરોપી હિમાંશુનાં ઘરે જ નકલી નોટો બનાવતો હતો. હિમાંશુ નકલી ચલણી નોટનો મુખ્ય માસ્ટર માઇન્ડ હતો. અને ધોરાજીનાં છાડવાવદરનાં જતીન વાઘેલાને નકલી નોટ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. અને જતીન વાધેલા તેનાં અન્ય સાગરિતો સાથે મળી નકલી ચલણી નોટોને બજારમાં ફરતી મુકતો હતો. આ શખ્સો પેટ્રોલપંપ, ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ લોકો અને ભીડભાડવાળી જગ્યાઓમાં આ પ્રકારની નકલી ચલણી નોટોથી ખરીદી કરી બજારમાં છૂટી મૂકતા હતાં.તો  પકડાયેલ માસ્ટર માઇન્ડ અમરીશ તથા હિમાંશુ ઝવેરી અગાઉ પણ અમદાવાદ, જૂનાગઢ તથા મહારાષ્ટ્રમાં નકલી ચલણી નોટ, નકલી ડ્રાફટ તથા નકલી ચેક બનાવવાના ગુનામાં પકડાઇ ચૂકયા છે. અને બંન્ને શખ્સો ગુન્હાહીત ઈતિહાસ ધરાવે છે. જ્યારે હિમાંશુ મહારાષ્ટ્રમાં ખૂનના ગુનામાં પણ જેલની સજા પણ કાપી ચૂકયો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે સમગ્ર નકલી ચલણી નોટના રેકેટનો પરદાફાશ તો કર્યો છે, પરંતુ હિમાંશું અને અમરીશએ અનેક લોકોને આ પ્રકારે 50 ટકાનાં દરે નકલી ચલણી નોટો આપી છે. જે નકલી ચલણી નોટો બજારમાં ફરી રહી છે. ત્યારે હવે આ શખ્સોની પૂછપરછમાં વધુ શખ્સોના નામ સામે આવે એવી શક્યતાઓ છે.