વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મણીનગર જૈન સ્કુલ પાસે કોષ્ટી સોસાયટીમાં રહેતા કશીશ છગનલાલ કોષ્ટી (ઉ.31) ગઈકાલે સોમવારે સવારે સાડા અગિયાર વાગે શાહીબાગ તાવડીપુરા ખાતે આવેલા ઋષભ વુડન ડાઈ વર્કસ ખાતે જવા નિકળ્યા હતા. કાંકરિયા રેલવે યાર્ડ પાસે ફોન આવતા તેમણે પોતાની કાર સાઈડમાં બાજુમાં લઈ ફોન પર વાતચીત કરી હતી. દરમિયાનમાં બે જુદાજુદા ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કશીશ કોષ્ટીને તું અહીંયા કેમ ઉભો છે. ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી કાર આગળ લેવા કહ્યું હતું. કશીશ કોષ્ટીએ શ્રેયસ ચાર રસ્તા પાસે કાર ઊભી રાખતા ચલ ક્રાઈમની ઓફિસે ગાડી લઈ લે તેમ કહી એક શખ્સ કારમાં બેસી ગયો હતો. નારોલ કાશીરામ ટેક્સટાઈલ પાસે આવેલા ટાટા ઈન્ડીકેસ એટીએમ ખાતે લઈ જઈ કશીશ કોષ્ટીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેમની પાસેથી એટીએમનો પીન નંબર મેળવી 40 હજાર રૂપિયા કાઢી લીધા હતા.
એટીએમમાંથી રૂપિયા કાઢ્યા બાદ કાર નારોલ સર્કલ બ્રિજ નીચે લઈ જવાનું કહી અજાણ્યો શખ્સ કારમાંથી નીચે ઉતરી ટુ વ્હીલર પર પાછળ આવેલા સાગરીત સાથે પલાયન થઈ ગયો હતો. ફરાર થતા પહેલા આરોપીએ કશીશ કોષ્ટીને આ અંગેની જાણ કોઈને નહીં કરવા ધમકી આપી હતી.