રાધનપુર, તા.૧૦
રાધનપુર તાલુકાના ડેલાણા ગામનો આહીર પરિવાર શનિવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઇ પરત ફરતાં નડાબેટ નજીકના રણમાં આકસ્મિક કાર પલટી ખાઈ ગઈ હતી. બીએસએફ જવાનોએ પલટી ગયેલી કારમાંથી બે બાળકો અને બે મહિલાઓ અને એક આધેડને બહાર કાઢી 108 મારફત સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય ચારેયને નાની-મોટી ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ અન્યત્ર ખસેડાયા હતા.
ડેલાણા ગામના પ્રતાપભાઈ લગધીરભાઈ આહીર (ઉં.વ.આ.62) શનિવારે પરિવાર સાથે તેમની કાર નંબર જીજે-01-એચઝેડ-0051માં બે બાળકો, બે મહિલાઓ સાથે નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કરી ઝીરો પોઇન્ટ ખાતે ગયા હતા. જ્યાંથી પરત ફરતાં રસ્તામાં અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ સાઈડમાં રણમાં પલટી ખાઈ જતાં કારમાં સવાર બે બાળકો, બે મહિલાઓ અને કારચાલક અંદર ફસાઇ ગયા હતાં. અકસ્માત અંગેની જાણ બી.એસ.એફ. જવાનોને થતાં ઘટના સ્થળે પહોંચી કારમાં ફસાયેલા તમામને બહાર કાઢી 108 મારફતે સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં કારચાલક પ્રતાપભાઈ લગધીરભાઈ આહીર (ઉં.વ.આ.62)નું મોત થયું હતું.
ઘાયલ પરિવારજનોમાં રૂડાભાઈ એચ.આહીર (ઉં.વ.9), લીલાબેન હીરાભાઈ આહીર(ઉં.વ.28) રવિભાઈ એચ.આહીર (ઉં.વ.3), રયાંબેન આહીર (ઉં.વ.55)નો સમાવેશ થાય છે.