નડિયાદ આરટીઓએ હિંમતનગરની ટ્રેક્ટરનો નંબર બાઇકને ફાળવી દીધો

હિંમતનગર, તા.૨૩

નડિયાદ આરટીઓએ હિંમતનગર આરટીઓની સીરીઝના ટ્રેક્ટરનો આખેઆખો નંબર બાઇકને પહેરાવી દીધો છે. ટ્રેક્ટર માલિક દોઢ દાયકા બાદ રીપાસિંગ માટે આવતા ટ્રેક્ટરનો નંબર નડિયાદ આરટીઓ ખાતે બાઈકના નામે બોલતો હોવાથી સમસ્યા સર્જાતા હિંમતનગર આરટીઓ દ્વારા વારંવાર જાણ કરવા છતાં ખોટો બેકલોગ સુધારવા નડિયાદ આરટીઓએ તસ્દી લીધી નથી.

પ્રાંતિજના સોનાસણના કાંતિભાઈ કચરાભાઈ પટેલે હિંમતનગર આરટીઓમાં 23-01-2000ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. 2016માં રીપાસિંગ કરાવવા તેમના પુત્ર અમિતભાઈ હિંમતનગર આરટીઓમાં ગયા ત્યારે ટ્રેક્ટર નંબર જીજે9 ઇ-5892ના નંબરવાળું બાઈક નડિયાદ RTOમાં સરલાબેન જાદવના નામે રજિસ્ટર્ડ હતુ.

બેકલોગ સુધારાયા પછી જ રીપાસીંગ
હિંમતનગર આરટીઓ એસ.આર. પટેલે જણાવ્યું કે, નડિયાદ આરટીઓને આ બાબતે જાણ કરાઇ છે. બે દિવસ અગાઉ પણ આરટીઓ કચેરીનો બેકલોગ સુધારવા ફરીથી ઈમેલ પણ કર્યો છે. ત્યાંથી બેકલોગ સુધારાયા પછી જ રીપાસીંગ થઈ શકશે.

નડિયાદ આરટીઓ ગાંઠતા નથી
અઢી વર્ષથી ધક્કા ખાઈ રહ્યો છું. નવા સોફ્ટવેરમાં મારા ટ્રેક્ટરના નંબરથી સરલાબેન જાદવના નામે નડિયાદ આરટીઓ કચેરીમાં બાઈક રજિસ્ટર થયેલું બતાવે છે. હિંમતનગર આરટીઓએ વાલમ નથી મોબાઈલથી વાત કરી છે, પરંતુ નડિયાદ આરટીઓ ગાંઠતા નથી અને મારે તેમના પાપે ટ્રેક્ટર મૂકી રાખવાનો વારો આવ્યો છે.

– અમિત પટેલ,રહે. સોનાસણ