સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. ગુહ વિભાગ સમક્ષ ગાંધીનગરમાં આખો બનાવ લઈ જવામાં આવ્યો છે.
આજુબાજુના ગામડાઓ દેતડ, ભમ્મર, ચીખલી, મેરીયાણા, ગોરડકા, આંબરડી, ધાંડલા, ભાક્ષી, વીજપડી, વણોટ, આગરીયા, સાવરકુંડલા, રાજુલા, ધારી ગામોમાં આ ગેંગ સક્રિય છે. અહીં આંતકનું વાતાવરણ ઊભું કર્યું છે. ગામમાં જઈને ધમકીઓ આપે છે. પૈસાની માંગણીઓ કરે છે. જો ન આપે તો મારામારી કરે છે. આજ સુધી અનેક ગુના પોલીસમાં નોંધાયેલા છે. સાવરકુંડલા રૂરલ પોલીસ મથક, સુરતના કાપોદ્રા પોલીસ મથક, અમરેલી જીલ્લાના તાલુકાઓમાં ગુના નોંધાયેલા છે.
ચાંદુ ગેંગ સામે જે ગુના નોંધાયા હોય તેવા ફરિયાદીઓ કે પંચને ધાક ધમકી આપીને તેને કોર્ટમાં હોસ્ટાઈલ કરી નાખે છે. ડરના કારણે આજુબાજુના ગામોમાં એક આતંક ઊભો કરી દીધો છે. ભમ્મર ગામ તથા આસપાસના ગામોમાં ગૌચરની જમીન, જંગલ ખાતાની જમીન, સરકારી જમીન પર કબજો મેળવી લીધો છે. 200 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો લઈ લીધો છે.
દબાણ વાળી જમીન પર પોતાના અડ્ડા શરૂ કરી દઈને ગુનેગારોને આશ્રય આપે છે. તેના પર અડ્ડા બનાવી દીધા છે. આ જમીન પર લુખ્ખા તત્વો ભેગા કરીને દારૂની મહેફીલ કરે છે. તેથી ગામની અંદર તેમજ આજુબાજુના ગામોમાં ભયનું વાતાવરણ પેદા થાય છે. લુખ્ખા તત્વોની સાથએ ગામમાં આવે છે. પૈસા માંગે છે.
ગામની નાની દીકરીઓ ઉપર નજર બગાડે છે. તેમની સાથે સંબંધ રાખવા માંગણી કરે છે. માંગણી ના સ્વીકારે તો બહેનો-દિકરીઓને ગામની વચ્ચે હેરાન કરે છે. પોતાની પુત્રીઓ સાથેની હેરાનગતિના કારણે ઘણા પરિવારોએ પોતાની ઈજજત બચાવવા માટે ગામથી હિજરત કરી દીધી છે.
ભમ્મર ગામની દોલતીની નજીક આવેલી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ફાર્મ ઊભું કરી દીધું છે. જ્યાં લુખ્ખા તત્વોને 24 કલાક ફાર્મ હાઉસમાં તમામ જાતની સવલતો આપી આશ્રય આપે છે. ગામની અંદર ભયનું વાતાવરણ પેદા કરે છે.
નદી કિનારે બનેલા આ ગેરકાયદેસર ફાર્મમાં કેમેરા લગાવેલા છે. જેથી નદી કિનારે કપડા ધોવા આવતી કે સ્નાન કરવા આવતી બહેનો-દિકરીઓના અશ્લીલ વિડીયો બનાવે છે. પછી તે ફિલ્મના આધારે બ્લેકમેઈલ કરે છે. અશ્લીલ માંગણી કરવામાં આવે છે. તેમની સાથે મનમાન્યા સંબંધો રાખવા ફરજ પાડે છે.
થોડા દિવસ પહેલા દોલતી ગામની એક યુવતીને બ્લેક મેઈલ કરી છે. ત્રણ વર્ષથી શહેરમાં અભ્યાસ કરતી દિકરીને નાની-મોટી લાલચ આપી, ભ્રમીત કરીને ફસાવી છે. હવે તેને બદનામ કરે છે. નાદાન ઉંમરની સગીરવયની દીકરીને કપટથી પ્રેમજાળમાં ફસાવી છે. ધમકી આપીને સબંધો રાખવા દબાણ કરતા હતા. જેથી સુરત તેના કાકાના ઘરે છેલ્લા એક વર્ષ પહેલા મોકલી આપેલી છે.
આ ગેંગ સુરત પહોંચી હતી. આરોપીઓએ ત્યાં પણ સગીર અવસ્થાને નાદાન બુઘ્ધિમાં આ દિકરીને ફસાવી દીધેલી છે. સુરતથી સગીર વયની કિશોરીને ફોસલાવીને લઈ ગયેલા છે. સુરતના કાપોદ્ર પોલીસમાં ગુનો નોંધાયેલો છે.
ખેતી સાથે સંકળાયેલા તેમજ અન્ય સમાજને પણ ગામની અંદર રહેવું મુશ્કેલ છે. જો સમયસર પગલાં નહીં ભરાય તો ખેડૂતો અને વેપારીઓ ગામમાંથી મિલકત છોડી હિજરત કરશે. આ ગેંગ અગાઉ ત્રણ ખૂન પણ કરેલાં છે. અમરેલી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં તેની અસામાજીક તત્વોનું ગૃપ બનાવીને ગામોમાં નાની-નાની બાબતોમાં ઝઘડા કરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે. તેઓ ગામની ખાલી પડેલા મકાનો પચાવી પાડે છે. મહિલાઓની છેડતી કરે છે.
સાવરકુંડલાનાં અનેક ગામજનોએ સાથે મળીને અસામાજિક તત્વોનાં ત્રાસનાં વિરોધમાં સાવરકુંડલા અને અમરેલીનાં ઉચ્ચ અધિકારીઓને ઉપરની તમામ વિગતો સાથે 10 જાન્યુઆરીએ આવેદનપત્ર આપ્યું છે.