નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓને કાળ બની ભરખી !!!

પ્રશાંત પંડીત,

અમદાવાદ:તા.૨૪
૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્યા છે.એના પર નજર નાંખતા પહેલા જે ગંભીર બાબતો બે યુવાનોના મોત બાદ બહાર આવવા પામી છે તેમાં આ સર્વિસમાં દશ વર્ષમાં માત્ર એક જ વખત સેફટી ઓડીટ કરાયુ છે.તત્કાલિન કમિશનરે તો વર્ષ-૨૦૧૫માં ત્યાં સુધી કહ્યુ હતુ,રહેવા દો શહેર કરતા હાઈવે પર અકસ્માતો વધુ થાય છે.૧૨૦૦ કરોડ જેટલી જંગી રકમ ખર્ચાયા બાદ પણ ફેઝ-વન પુરો થયો નથી.આઠ વર્ષમાં ગોઝારી બીઆરટીએસની બસોએ અમદાવાદ શહેરમાં ૧૭૫૦ અકસ્માતો કર્યા છે.૪૫ જીંદગીઓને કાળ બની ભરખી લીધી છે.મ્યુનિસિપલ કમિશનર,મેયર,સ્થાયી સમિતિના ચેરમેન આ તમામ ખોટા નિર્ણયો લેવા બદલ જવાબદાર છે.

અમદાવાદ શહેરમાં રાજયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના રોજ પીરાણાથી આરટીઓ સર્કલ સુધીનો બીઆરટીએસનો રૂટ શરૂ કરાવ્યો હતો.એ સમયે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા એવા આઈએએસ આઈ પી ગૌતમને નરેન્દ્ર મોદીના આશીર્વાદથી સતત પાંચ વર્ષ સુધી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવવા મળી હતી.ગૌતમ એ પ્રોજેકટ સ્પેશિયલ મનાતા હોઈ તેમને મેટ્રો રેલ પ્રોજેકટમાં પણ નરેન્દ્ર મોદીના આશીર્વાદથી કામ કરવા મળ્યુ.આઈ પી ગૌતમ આઈએએસ હોવા ઉપરાંત માર્કેટીંગ એકસપર્ટ પણ ખરા.

કમિશનર ગૌતમ અમદાવાદમાં જયાં સુધી રહ્યા ત્યાં સુધી તેમણે અમદાવાદની બીઆરટીએસ એ દેશ નહીં દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોય એ પ્રકારેનો હાઈપ ઉભો કરી બીઆરટીએસ અને જનમાર્ગના નામે ઘણા બધા એવોર્ડ અપાવી દીધા.વર્ષ-૨૦૧૧-૧૨માં એક જ વર્ષમાં બીઆરટીએસની અમદાવાદ શહેરમાં માંતેલા સાંઢની જેમ હંકારાતી બસોએ ૧૩ લોકોની જીંદગી હણી નાંખી.આ પછી અમપામાં તંત્રની આંખ ખુલતા એ સમયના મ્યુનિસિપલ કમિશનર ડી.થારાએ બીઆર ટીએસ નું સેફટી ઓડીટ કરાવી દર વર્ષે આ પ્રમાણેનુ ઓડીટ કરાવવા પરિપત્ર કર્યો હતો.

થારાએ પરિપત્રમાં ડ્રાઈવરોની તાલિમ,મુસાફરોની સુરક્ષા,રાહદારીઓની સુરક્ષા વગેરે જેવા મુદ્દાઓને અગ્રીમતા આપી હતી.

પણ જેમ હંમેશ બને છે એમ ડી.થારા.ની બદલી થઈ અને મુકેશકુમારને પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે હાઉસીંગની કેટલીક સ્કીમો મંજુર કરાવવા કમિશનર તરીકે મુકયા.આ મુકેશકુમારે અધિકારીઓની મિટીંગમાં સાફ કહ્યુ હતુ,રહેવા દો,કોઈ જરૂર નથી અમદાવાદમાં શહેર કરતા બહાર હાઈવે પર વધુ અકસ્માત થાય છે.પછી ઓડીટ થયુ જ ન હોવાનુ એક અધિકારીએ વાતચીતમાં કહયુ.

લોકો વાહનો મુકી દેશે એવુ ભાજપના હોદેદારો કહેતા હતા..

વર્ષ-૨૦૦૯માં જે સમયે અમદાવાદમાં બીઆરટીએસ શરૂ થઈ એ પછી મ્યુનિસિપલ ભાજપના નેતાઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતા હતા.પુર્વ મેયર અસિત વોરાએ તો ત્યાં સુધી કહ્યુ હતુ,થોડો સમય જવા દો લોકો પોતાના વાહન ઘરે મુકી બીઆરટીએસમાં જ મુસાફરી કરશે.

પુર્વ મેયર ગૌતમ શાહે બીઆરટીએસમાં મુસાફરી કરી હતી..

અમદાવાદ શહેરના મેયર રહી ચુકેલા ગૌતમ શાહે તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન મહીનામા બે વખત બીઆરટીએસ બસમાં પ્રવાસ કરી તંત્રને સુધારવા પ્રયાસ કર્યો હતો.આ સિવાય ભાજપના વર્તમાન મેયર બિજલ પટેલ,કમિશનર વિજય નહેરા કે સ્થાયી સમિતિના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે કયારેય બીઆરટીએસ બસમાં મુસાફરી કરી

ગોઝારી બીઆરટીએસને એવોર્ડ મળ્યા કઈ રીતે.. 

બે યુવાનોના મોત બાદ શહેરમાં એક જ ચર્ચા ચાલે છે,ગોઝારી બીઆરટીએસને એવોર્ડ મળ્યા કઈ રીતે,સેટીંગથી?

ભાજપે અમદાવાદના લોકો સાથે કર્યો વિશ્વાસઘાત

૧.ફેઝ-વનમાં ૧૦૫ કીલોમીટરના નેટવર્કને આવરી લેવાનુ હતુ.
૨.વર્ષ-૨૦૧૫નુ આયોજન છતાં હજુ સુધી ૮૮.૮ કીલોમીટરનુ જ નેટવર્ક.
૩.૧૫૫ કીલોમીટરનુ ફીડર નેટવર્ક આપવા વર્ષ-૨૦૧૫માં ભાજપે બજેટમાં વચન આપ્યુ હતુ.
૪.વર્ષ-૨૦૧૯માં માત્ર ૬૦ ટકા ફીડર નેટવર્ક સ્થાપી શકાયુ છે.

શહેરમાં બે હજારથી વધુ બસો દોડાવવાનુ ભાજપનું મોટુ ગપ્પુ..

શહેરમાં બીઆરટીએસ કોરીડોર અને મિકસ ટ્રાફીકમાં એએમટીએસ અને બીઆરટીએસની થઈને કુલ ૨૩૩૬ બસો રોડ પર દોડશે એવુ મોટુ ગપ્પુ ભાજપે વર્ષ-૨૦૧૫માં માર્યુ હતુ.જે સામે વર્ષ-૨૦૧૯માં અમદાવાદ શહેરમાં ૭૦૦ બસો ખાનગી ઓપરેટરોની અને ૨૩૦ બસો બીઆરટીએસની દોડી રહી છે.એએમટીએસની માલિકીની હવે કોઈ બસ રહી નથી.

બીઆરટીએસને મળેલા એવોર્ડ પર એક નજર..

૧.બેસ્ટ આઈએમટીએસ પ્રોજેકટ-૨૦૧૧
૨.સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ,વોશીંગ્ટન-૨૦૧૦
૩.બેસ્ટ માસ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ-૨૦૦૯
૪.આઉટ સ્ટેન્ડીંગ ઈનોવેશન -જર્મની-૨૦૧૦
૫.બેસ્ટ આઈએમટીએસ પ્રોજેકટ-દુબઈ-૨૦૧૦
૬.બેસ્ટ આઈએમટીએસ પ્રોજેકટ-જીનીવા-૨૦૧૩