નરેન્દ્ર મોદીના નિર્ણયને પડકારતા જયેશ રાદડિયા

પોરબંદર બેઠક પરથી ભાજપમાં રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ એવી માંગ સાથે વિરોધ શરૂ થયો છે. રાદડિયાના શહેર ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયાને કે તેમના પરિવારને ટિકિટ આપવા માટે તેમના સમર્થકો દ્વારા પોસ્ટર લાગ્યા છે. જેમાં સૂત્ર છે, કે રાદડિયાને ટિકિટ નઈ તો ભાજપને મત નઇ.

હાલ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. ધોરાજી અને કેશોદમાં રાદડિયાના ફોટોગ્રાફ્સ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. પોરબંદર બેઠકની ભુલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સૌરાષ્ટ્રભરની 7 બેઠકો લઈ ભાજપ ડૂબશે. જ્યાં રાદડિયા સરકારનો કરંટ લાગશે. ટૂંકું ને ટચ ટિકિટ નહીં તો ભાજપ નહીં. રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તોય ભાજપનો વિરોધ થશે. ફરજિયાત રાદડિયાને ટિકિટ મળવી જોઈએ. હણે એને હણવામાં વાંધો નહીં, કોઈ સંત પુરુષોએ કહ્યું હતું. બેનરોમાં લખ્યુ છે કે, સાંસદની તબિયત નાદુરસ્ત હોવાથી આ વખતે લોકસભાની ટિકીટ તેમના પુત્ર લલિતભાઈ રાદડીયા અથવા તેમના ધર્મપત્ની ચેતનાબેનને આપવામાં આવે, આ બન્નેમાંથી એક ટિકીટ ફાઈનલ કરો, રાદડીયા પરિવારને જ ટિકીટ મળવી જોઈએ. રાદડીયા પરિવાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે.

આવા સૂત્રો આખા પોરબંદર બેઠક વિસ્તારમાં ભાજપના જ કાર્યકરોએ લગાવી દીધા છે.

લોકસભાની ચુંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જયેશ રાદડિયા કે તેમના પત્નીનું નામ ઉમેદવાર તરીકે હતું.

પોરબંદરમાં 1827 મતદાન મથક છે.

7 વિધાનસભામાં ભાજપ પાસે 4 વિધાનસભા કોંગ્રેસ પાસે 2 વિધાનસભા અને એન.સી.પી. પાસે 1 ધારાસભ્ય છે. લોકસભા મત વિસ્તારમાં રાજકોટ જિલ્લાની 3 બેઠક પોરબંદર જીલ્લાની 2 વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાની 2 વિધાનસભા વિસ્તાર આવે છે. આમ 3 જિલ્લાનો આ લોકસભા મત વિસ્તાર બનેલો છે. તેથી અહીં જે કંઈ ઘટના બને તેની સીધી અસર ત્રણ જિલ્લાની બીજી 3 લોકસભા બેઠક પર પડે છે.

બેઠક ઉપરથી 8 વખત પટેલ સમાજના નેતાઓ જ ચૂંટાતા આવ્યા છે. જેમાં કોંગ્રેસના બળવંત મણવર, હરિભાઈ પટેલ, ગોરધન જાવીયા, ભાજપના વિઠલભાઈ રાદડીયા પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. આ તમામ નેતાઓ કોંગ્રેસના મૂળના છે.

રાજયના મંત્રી જયેશભાઈ રાદડીયાની ભાજપ ટિકિટ કોઈ રોકી શકે નહી એવું માનવામાં આવતું હતું પણ હવે વિઠ્ઠલ રાદડીયાના યુગનો અંત આવ્યો છે. તેઓ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યાં છે. 5 વર્ષ પહેલાં વિઠ્ઠલ રાદડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. 2 લાખ કરતા પણ વધુ મતની સરસાઇથી જીત્યા હતા. તેમના પૂત્ર જયેશ રાદડિયા પ્રથમ વખત ચૂંટાયા હોવા છતાં તેમને સીધા કેબિનેટ પ્રધાન રૂપાણી સરકારમાં બનાવવામાં આવ્યા હતા. પત્ની ચેતનાબેન રાદડીયાને ટિકિટ આપવાની માંગણી કરવામાં આવી હતી. જયેશ રાદડીયાને ટિકિટ આપવા માંગણી થઈ હતી. પરંતુ ભાજપે તેમની દાદાગીરી ચાલવી દીધી નથી. ગુજરાતની તમામ બેઠક પરના ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યા છે. તેથી હાર કે જીતની સીધી જવાબદારી અમિત શાહ કરતાં નરેન્દ્ર મોદીની છે.

પોરબંદર બેઠક પર કયો નવો ચહેરો આવશે એ અંગે ઉત્તેજના હતી. ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશ ઘડુકનું નામ નક્કી થયું છે. તેની સાથે જ રાજકોટ, પોરબંદર, જુનાગઢ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે.

ટિકીટ નહિ આપે તો શું જયેશભાઇ ભાજપને છોડે તેવી શક્યતા પણ બતાવવામાં આવી હતી. રમેશ ધડુકને ટિકિટ આપી પણ ખરેખર તો જશુબેન કોરાટ તેના પ્રથમ હક્કદાર હતા.

આટલા વિરોધ વચ્ચે જયેશ રાદડીયા જુથ સામે ભાજપના નરેન્દ્ર મોદી, અમિત શાહ, જીતેન્દ્ર વાઘાણી ઝૂકે છે કે કેમ તે જોવાનું છે.

સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી સાથે જ ભાજપમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ રહ્યાં છે.

રાજકોટ બેઠક માટે વાંકાનેરમાં મોહન કુંડારીયા સામે વિરોધ શરૂ થયો છે. જૂનાગઢમાં પણ ઉમેદવાર જાહેર ન થતાં સાંસદ રાજેશ ચૂડાસમાના સમર્થકો રોષે ભરાયેલા છે. વાંકાનેરના ભાજપના આગેવાન જીતુ સોમાણીએ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પક્ષે ઝંપલાવનાર મોહન કુંડારીયા સામે બાયો ચઢાવી વિરોધનું બ્યુગલ ફુંક્યું છે. ગઈકાલે ટેકેદારોનું સંમેલન બોલાવી મોહન કુંડારીયાને હરાવવા એલાન કર્યું હતું.

સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને ગાંધીનગરમાં ભાજપના ઉમેદવારો સામે બહારથી અને અંદરથી વિરોધ થઈ રહ્યો છે.