‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ તા. 12-4-2019ના રોજ ઈ-મેઈલ અને સ્પીડ પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિવિધ 14 મુખ્ય અધિકરીઓને નોટીસ મોકલી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એક સમિતી બનાવીને ઓછામાં ઓછા 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે , તેનો અભ્યાસ કરી તુરંત અહેવાલ જાહેર કરીને પગલાં ભરવામાં નહી આવે તો હજું નર્મદા નદી વધું ભયાનક સ્થિતીમાં આવી જશે.
સરદાર સરોવર ડેમ પછીની નર્મદા નદીની સ્થિતિ ચિંતાજનક બની છે. 6 એપ્રિલ 2019માં સરદાર સરોવર ડેમ પછીના વિસ્તારનો આભ્યાસ કરવામાં આવ્યો ત્યારે તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ડેમ પછીની 161 કિમી લાંબી નદીની આસપાસના વિસ્તારોની સ્થિતિ, પર્યાવરણ, જૈવિક વિવિધતા અને માછીમારી સામે અનેક જોખમો ઉભા થયા છે. પાણીની ગુણવતા, નદીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળ અને જીવ સૃષ્ટિને નુકસાન થયું છે.
નદી પર નભતા સમુદાયોના રોજગાર છીનવાઈ છે. કેટલાકના રોજગાર અને જીવન સામે બહુ મોટા પડકાર ઊભો થયો છે. ખેડૂતો અને માછીમારીને અનેક રીતે માઠી અસરો થઈ છે. 161 કિ.મી. પહેલાં ગરુડેશ્વર ગામ સુધી જ નદીમાં દરિયાના પાણી ઘુસી આવ્યા છે. પવિત્ર નદીનું પાણી ખારું થઈ ગયું છે.
મધ્યપ્રદેશમાં નર્મદાની લંબાઈ 1077 કિમી છે. ત્યાર પછી મહારાષ્ટ્ર રાજ્યની હદમાં 35 કિમી અને મહારાષ્ટ્ર- ગુજરાત રાજ્યની હદમાં 39 કિમી અને અંતે ગુજરાતમાં 161 કિમી લંબાઈ ધરાવે છે. નર્મદા
બારમાસી નદી હતી. હવે રહી નથી. તાજા પાણીના આભાવે નર્મદામાં કિનારાના શહેરોના ગટરના પાણી અને દરિયાનું પાણી ઘણું અંદર સુધી પ્રવેશી ચુક્યું છે.
અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને દહેજના ઔદ્યોગિક વિસ્તરમાંથી નીકળતું પ્રદુષિત એફલ્યુંઅન્ટ નર્મદા નજીક દરિયામાં છોડવામાં આવે છે. પ્રદુષિત એફલ્યુંઅન્ટની ગુણવતા ઘણી બધી વખત નક્કી કરેલ ધારાધોરણ મુજબ નથી હોતી. તેથી તે પાણી દરિયાની ભરતી વખતે નર્મદા નહીમાં ફરી વળે છે.
ડાઉન સ્ટ્રીમમાં નદીને જીવંત રાખવા માટે દરરોજનું 600થી 1500 ક્યુસેક પાણી બંધમાંથી છોડવું જરૂરી છે. નિષ્ણાતોની એક સમિતિ બનાવી નદીના પર્યાવરણ અને આસપાસના વિસ્તારનો જરૂરીયાતને આધારે ડાઉન સ્ટ્રીમ નર્મદામાં પાણીનો યોગ્ય પ્રવાહનો અભ્યાસ કરે. સામાજિક ન્યાય, સંસાધનો પરના અધિકારો, નીતિગત આયોજન, સાંસ્કૃતિક સંસાધનો અને વન્યજીવો સામે અનેક સવાલો અને પડકારો સર્જાયા છે. નર્મદા નદી ઉપર અનેક પ્રકારની હિંસા આચરવામાં આવી રહી છે. તેનો ઉકેલ આ સમિતિ લાવે. જ્યાં સુધી આ બધી અસરોનો પદ્ધતિસરનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ નહી કરવામાં આવે ત્યાં સુધી સરકારના ટુંકાગાળાની રાહત માટે લીધેલા બધા જ પગલાઓ નિષ્ફળ જશે.
ભરૂચ પાસે નર્મદા નદીમાં હિલ્સા માછલીના પ્રજનનનું સમૃદ્ધ અને વિશેષ જીવનચક્ર હતું તે નષ્ટ થયું છે. નદીમાં વધી રહેલી ખારાશને કારણે ભરૂચ શહેર અને તેની આસપાસના 210 ગામડાઓમાં પીવાના પાણી અને સિંચાઈ સહિતના વપરાશ માટેના પાણી સામે જોખમ ઉભું થયું છે.
ગુજરાત સરકાર કહે છે કે, ઘણા અભ્યાસો કર્યા છે. પરંતુ વાસ્તવિક ચિત્ર સાવ જુદું છે. નર્મદા કંટ્રોલ ઓથોરીટીના અભ્યાસો અને પ્રગતિ અહેવાલો ચકાસણી કર્યા વિના જ સ્વીકારી લેવામાં આવ્યા છે. જે જુઠાણું હવં બહાર આવ્યું છે.
6 અપ્રિલ 2019માં નર્મદા નદીના પાણીના નમુના લેવામાં આવ્યા અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભાડભૂત બેરાજ પ્રોજેક્ટ સમસ્યાઓમાં ઉમેરો કરેશે અને વધુ ગંભીર પ્રશ્નો ઉભા કરશે.
માંગ કરીએ છીએ કે…..
1. નર્મદા નદીમાં તાત્કાલિક ધોરણે 4000 ક્યુસેક પાણી સતત છોડવું. જેથી ડાઉનસ્ટ્રીમ નર્મદા નદીમાં પાણીનો પુરતો જરૂરી જથ્થો રહે. નર્મદા નદીના પર્યાવરણને થયેલું નુકશાન ઓછું કરવાની શરૂઆત થાય સાથે નદી દ્વારા આજીવિકા મેળવતા સમુદાયોના સામાજિક – આર્થિક કાર્યો ફરી શરુ કરી શકાય.
2. નર્મદા નદીમાં તાત્કાલિક ધોરણે ગટરના ગંદાપાણી અને ઔદ્યોગિક પ્રદૂષકોનો નિકાલ કરવાનું બંધ કરવું.
3. તમામ સંબંધિત અધિકારીઓ, સત્તાધીશો, સંબંધિત એજન્સીઓ અસરગ્રસ્ત ગ્રામજનો અને લોક પ્રતિનિધિઓના પર્યાવરણ પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને નર્મદા નદીને ફરી જીવંત કરવાની યોજના બનાવે.
4. આ વિસ્તારમાં નર્મદા નદીના પાણીની ગુણવત્તા અને ભૂગર્ભજળનો નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે. જેથી લોકોના સ્વાસ્થ્ય, ખેતી અને માછીમારી પર તેની ખરાબ અસરો રોકી શકાય.
5. અત્યાર સુધીમાં જે ખેડૂતો, ગ્રામજનો, અને માછીમારી કરતાં લોકોને વિવિધ રીતે નુકસાન થયું છે તે અંગેના વળતરની નાણાંકીય ગણતરી કરી તેમણે તાત્કાલિક ધોરણે વળતર ચુકવવામાં આવે.
6. વર્તમાનમાં થઇ રહેલી અને ભૂતકાળમાં થયેલી અસરો તેમજ નુકસાનની ન્યાયી ગણતરી અને પારદર્શી મૂલ્યાંકન માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવે. જેમાં ખેડૂતો, ગ્રામજનો અને માછીમાર લોકોને નુકસાની માટે ચૂકવવાપાત્ર સંપૂર્ણ વળતરની ગણતરી કરવી અને ચૂકવું.
7. ડાઉન સ્ટ્રીમ નર્મદા નદી જીવંત ન થાય અને આ વિસ્તરમાં વસવાટ કરતા તેમજ નદી પર નભતા હજારો ખેડૂતો, આદિવાસીઓ અને માછીમાર સમુદાયોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ ન થાય, ત્યાં સુધી માત્ર દેખાડા માટે નર્મદા પર જે પ્રવાસન વિષયક યોજનાઓના કામ અટકાવવામાં આવે.
એવી માંગણી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ કરી છે જેમાં પર્યાવરણ સુરક્ષા સમિતિના માઈકલ મઝગાંવકર અને પાર્થ ત્રિવેદી, માછી સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના કમલેશભાઈ મઢીવાલા અને રેખાબેન, નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિના જયેશભાઈ પટેલ અને બદ્રીભાઈ જોષી, ભરૂચ સીટીઝન કાઉન્સિલના હરીશભાઈ જોષી અને જીવરાજભાઈ પટેલ, પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તથા હરેશભાઈ પરમાર અને બ્રેકીસ વોટર રિસર્ચ સેન્ટરના
એમ. એસ. એચ. શેખનો સમાવેશ થાય છે.