નર્મદા નહેરનું રૂ.50 કરોડનું કૌભાંડ પકડાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, લખતર, વઢવાણ તાલુકામાં ગુજરાતનું સૌથી મોટું નર્મદા નહેરનું માળખું ભાજપ સરકારે બનાવ્યું છે.  જેમાં રૂ. 50 કરોડથી વધુની ગેરરીતીઓ બહાર આવી છે. નર્મદા નિગમ દ્વારા 7 ઠેકેદારોને કાળી યાદીમાં મૂકી દેવાયા છે. ભ્રષ્ટાચારના નાણાં પરત લેવા માટે નોટિસ આપવામાં આવી છે.

રજીસ્ટરમાં છેડછાડ, તુમારો ગુમ કરવી, એકની એક બીજી વખથ તાંત્રિક મંજુરીઓ આપવી, બીજી વખત નાણાં લેવા જેવા  310થી વધુ વ્યવહારો પકડાયા છે. જેની રકમ રૂ.53.51 કરોડ છે. ચેકો ખોટી રીતે ચૂકવાયા છે. ધ્રાંગધ્રાના નર્મદા એક્ઝીક્યુટીવ એન્જીનીયર એમ.બી.પટેલ ગત 14મી નવેમ્બર 2018એ  લાંચ લેતા ઝડપાયા હતા અને ઘરેથી રૂ. 45 લાખ રોકડા મળી આવ્યા હતા. રૂ.71 કરોડ સિંચાઈની પાઈપલાઈનો નાંખવા માટે ચૂકવાયા છે.

નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે.

નર્મદા બંધની મુખ્ય નહેર અને બ્રાંચ નહેરો બની છે. પણ પેટા શહેર હજુ પૂરી થઈ શકી નથી. અનેક સ્થળે પેટા નહેર ફાટી રહી છે. નર્મદાની સિંચાઈ માટે 3.11 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવા માટે પાઈપલાઈન નાંખવાનું કામ 10 વર્ષથી થઈ રહ્યું છે. હવે ખેડૂતોના ખેતરમાં નાંખવામાં આવી રહેલી પાઈપલાઈનમાં કરોડો રૂપિયાની ખાયકી બહાર આવી છે.

300 એમએમની પહોળાઈની પાઈપ લાઈન નંખાઈ ત્યાં 250 એમએમની પાઈપ નાંખવામાં આવી હોવાનું જણાયું છે. જ્યાં પાઈપ નંખાઈ છે ત્યાં જોડાણ આપવામાં આવ્યું નથી. એક પાઈપ લાઈનના એકથી વધું વખત નાણાં ઠેકેદારોને આપી દેવાયા છે. કૌભાંડ બહાર આવ્યા બાદ નર્મદા નિગમ દ્વારા ઠેકેદાર પાસેથી પૈસા જમા કરાવી જવા કહેવાયું છે. પણ કોઈની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

નિગમે તાપી જિલ્લાના સોંગાધના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.12.27 કરોડ, અમદાવાદના પ્રહલાદનગરના એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.27.95 કરોડ, અમદાવાદના સીજી રોડ સ્થિત કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.6.23 કરોડની વસુલાત કરવા આદેશ કર્યો છે. જ્યારે મહેસાણા શહેરના એક કોન્ટ્રાક્ટરને રૂ.6.26 કરોડ આપી જવા કહેવાયું છે. આ ઠેકેદારો રાજકીય નેતાઓ સાથે જોડાયેલાં છે.