જીવથી જમીન – દિલીપ પટેલ
દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે અને તે માટે જમીન અધિકારીઓએ અહીં જમીન નક્કી કરી પોતાના રાજ્યના લોકો અહીં આવીને રહી શકે તે માટે ભવ્ય મકાનો બનાવવા તૈયારી કરી રહ્યાં છે. જે માટે જોઈતી સેંકડો એકજ જમીન ગુજરાત સરકાર આદિવાસીઓ પાસેથી લઈ રહી છે. સરકાર આ માટે જમીન માપી રહ્યાં છે. જેનો વિરોધ એક અઠવાડિયાથી આદિવાસી કરી રહ્યાં છે. ગામ લોકો એકઠા થાય છે અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરે છે. તેઓના સૂત્ર છે, અમારી જમીન પાછી આપો. અમને ગોળી મારો પણ જમીન પરત કરો. અમને બોંબથી ઉડાવી દો કે તોપના નાળચે ફુંકી મારો પણ અમારા વંશજ માટે જમીન આપો.
કેવડિયા ગામની જમીન ગુજરાત સરકારે અલગ રાજ્ય બનતાની સાથે જ 1961માં લઈ લીધી હતી. 58 વર્ષથી આ જમીનનો સરકાર પાસેથી આદિવાસીઓ માંગી રહ્યાં છે. પણ સરકાર તે જમીન પરત કરતી નથી. નર્મદા બંધ બનાવવાના કામ માટે જમીન લીધી હતી. તે હેતુ માટે જમીન 58 વર્ષથી વપરાઈ નથી. હવે નર્મદાના બદલે બીજા હેતુ માટે સરકાર તે જમીન વાપરી રહી છે અને અહીં બાજા રાજ્યોના લોકોને રહેવા માટે મકાનો બનાવી રહી છે.
પોલીસ કાફલા સાથે બીજા રાજ્યોના અધિકારાઓ આવે છે અને જમીન માપીને પોતાની જમીન ગણી જતાં રહે છે. દરેક વખતે આદિવીસઓ તેનો વિરોધ કરે છે. પણ ગુજરાતની નિંભર અને નફ્ફટ સરકાર ગરીબ આદિવાસીઓનું સાંભળતી નથી.
હરિયાણા પ્રથમ આવશે
હરિયાણ સરકારે રૂ.51 લાખ એડવાન્સ આપીને 1500 વારનો પ્લોટ ખરીદી લીધો છે. પ્લોટ લગભગ રૂ.2 કરોડમાં તૈયાર થશે. જંત્રીના ભાવ પ્રમાણે જમીન આપવામાં આવી રહી છે. 19 જાન્યુઆરી 2019માં હરિયાણાના મુખ્ય પ્રધાન ખટ્ટર કેવડિયા કોલોની આવી રહ્યાં છે. જ્યાં હરિયાણા ભવન બનશે. ભાજપના નેતાઓની ઈચ્છા છે કે દિલ્હી પછી અહીં દેશના ભવન બને અને લોકો આવીને રહે. આ રીતે ભાજપ શાસિત 10 રાજ્યો અહીં પ્લોટ ખરીદે એવું માનવામાં આવી રહ્યું છે. પણ બીજા રાજ્યો અહીં મોંઘી જમીન ખરીદવા તૈયાર થતાં નથી.
MLA વસાવાએ વિરોધ કર્યો
ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો છે. આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનું તેમણે જાહેર કરીને 31 ઓક્ટોબરે 2018માં લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપાર કરવાની ચાલ છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.
1 જાન્યુઆરી 2019 સુધીમાં છોટુ વસાવાની વાત સાચી પડી છે. તેમણે કહ્યું હતું કે સરદારના નામે વેપાર છે. વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 1 જાન્યુઆરી 2019 સુધીમાં બે મહિના પૂર્ણ થાય ત્યારે બે મહિનામાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ.12 કરોડથી વધુની આવક થઈ હતી. બે મહિનામાં અંદાજે 5 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
MPને કાળા વાવટા બતાવી વિરોધ
ગુજરાતના આદિવાસી પટ્ટમાં 200 સ્થળોએ ભાજપની સરદાર એકતા યાત્રાનો વિરોધ કરાયો હતો. જેમાં મુખ્ય ડેડિયાપાડામાં ભારતીય જનતા પક્ષની એકતા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના ઘાંટોલી ગામે સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી યાત્રાનો વિરોધ કર્યો હતો. ભાજપના ભરૂચના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાની જેની આગેવાની લઈ રહ્યાં હતા. તે રથનો વિરોધ ભિલિસ્તાન ટાઈગર સેનાના ચૈતર વસાવાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. રથ આવતાં જ સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા. સાંસદ મુસુખ વસાવાની કારને ચારેબાજુથી શાંતિથી ઘેરી લઈને ગામમાં યાત્રા નહીં કાઢવા માટે કહ્યું હતું. પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આદિવાસીઓ કહી રહ્યાં હતા કે અમારી જમીન પર આક્રમણ થઈ રહ્યું છે.
આદિવાસીઓનો વિરોધ
31 ડિસેમ્બર 2018ના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આદિવાસી વિસ્તારોમાં 75 હજાર ઘરોમાં ચૂલો બંધ રાખવામાં આવ્યો હતો. ચૂલો નહીં પેટાવીને સરકારનો જમીન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જમીન જતી રહી હોવાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. તેથી વડાપ્રધાનનો કાર્યક્રમ પણ ઓછા લોકોની હાજરીમાં કરવાની ફરજ પડી હતી. ગુજરાતની રૂપાણી સરકારે મોટો કાર્યક્રમ કરવાનું માંડી વાળવું પડ્યું હતું. કાર્યક્રમમાં ઓછો લોકો જ આવ્યા હતા. કેવડિયા કોલોનીનો સ્ટેચ્યુનો કાર્યક્રમ ફ્લોપ ગયો હતો. રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના સરકારી પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા. સાગબારામાં પણ વિરોધ રથનો વિરોધ થયો હતો. ભરૂચમાં બીટીએસ, JDU જનતાદળ-યુ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દાહોદ, સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, વાંકલ, ઝંખવાવ, નેત્રંગ સહીતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડ્યો હતો. ભિલીસ્તાન ટાયગર સેનાના 200 જેટલા કાર્યકરો નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો.
બીજા રાજ્યોના લોકોને નોકરી
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે તેમાં દેશના અન્ય શહેરોના યુવક અને યુવતીઓને નોકરી આપી દેવામાં આવી છે જયારે જમીન ગુમાવનારા પરિવારોના સંતાનો નોકરી વિના રઝળપાટ કરી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરીની માંગ સાથે 17 ગામના આદિવાસીઓએ કેવડીયામાં હલ્લો બોલાવ્યો હતો. સરકાર તેમને નોકરી નહિ આપે તો એક પણ પ્રવાસીને સ્ટેચ્યુના પરિસરમાં ઘુસવા દેવાશે નહિ તેવી ચીમકી આપી છે.
અમારી જમીન બીજા રાજ્યોને કેમ આપો છો
નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો ફરી સરદારના પુતળા પાસે એકઠા થઈ વિરોધ કરી રહ્યાં છે. લોકો રોજગારી માંગી રહ્યાં છે. નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરાઇ રહી છે.
રેલવે સ્ટેશનની જમીન પણ ખાનગી
ચાંદોદથી કેવડિયા સુધી રેલવે લાઈન માટે કેવડિયા કોલોની પાસે રેલવે સ્ટેશન બનવવા માટે 5 એકરમાંથી 2 એકર ખાનગી જમીન લેવામાં આવી રહી છે. 500 જેટલાં ખેડૂતોના ખેતરમાંથી રેલવે જઈ રહી છે, તે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જેમની જમીન ફરી એક વખત જઈ રહી છે.
શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાયા
કેવડિયા ખાતે 2 સપ્ટેમ્બર 2018માં શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાતાં પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આદિવાસીઓ જમીન સામે સારી જમીન અને ઘર સામે સારા ઘર માંગી રહ્યાં હતા. ચાર માળના બની રહેલા ભારત ભવનના આગળના ભાગમાં આવેલા પાંચ આદિવાસીઓની જમીન પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. પોલીસે આ પરિવારોને જેલમાં મોકલી દીધા અને મકાનો તોડી પડાયા હતા.
છ ગામ આફતમાં
આદિવાસીઓની 6 ગામની જમીનો ગઈ છે. સરકાર તેની માંગનો પ્રશ્ન હલ કરતી નથી. અમારી જમીનો ગુમાવી સામે વસાહતો આપી પણ જેમાં સરકારે કોઈ સુવિધા આપી નથી. ગરીબ લોકો જમીનની સામે જમીન અને ઘરની સામે ઘર માંગી રહ્યાં હતા. ત્યાર બાદ સરકારે તેમને પ્લોટ આપ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી ચાલતો ભારત ભવનનો વિવાદનો આખરે અંત આવ્યો હતો. સરકારે આદિવાસી પરિવાર સામે ઝૂકી અને પ્લોટ અને રોકડ રકમ આપતા આ પરિવારોએ જાતે પોતાના ઘરો ખસેડી લેવાની કવાયત હાથ ધરી હતી.
1961થી વિવાદ
ગુજરાતમાં નવાગામ નજીક 161 ફૂટ (49.80 મીટર) ઉંચાઈના બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંએ 5 એપ્રિલ 1961માં બંધનો પથ્થર મૂક્યો ત્યારથી વિવાદ શરૂં થયો હતો. પછી ઉંચાઈ વધારવા કેવડિયા પાસે 1965માં 500 ફૂટ કે 152.44 મીટપ ઉંચો બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. મધ્ય પ્રદેશે તેમના લોકોની જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી 1979માં બંધની ઊંચાઈ ઘટાડીને બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. 2013માં 131.5 મીટરે બંધ ભરાતાં 7 હજાર આદિવાસીઓને સ્થળાંતર કરાયા હતા. જૂન 2014ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ 138.68 મીટર (455 ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી. ત્યાં સુધી જમીનના મોટા પ્રશ્નો સર્જાયા હતા.
હજારો વૃક્ષો કપાતાં વિવાદ
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી પહોંચવામાં લોકોને સરળતા રહે અને તેનો આનંદ માણી શકે તે માટે સરકાર દ્વારા ગ્રીનરીનો વિચાર કર્યા વગર વડોદરાના ક્યુરાઈ ચોકડીથી કેવડીયા સુધીના માર્ગ પર તેમજ કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવાના જે-તે માર્ગો પર આવતા હજારો વૃક્ષોને 23 ઓક્ટોબર 2018 સુધીમાં કાપી નાખવામાં આવ્યા હતા.
ઓલ ઈન્ડીયા DG કોન્ફરન્સમાં વિરોધ
કેવડિયાખાતે ત્રણ દિવસ માટે 20 ડિસેમ્બર 2018થી ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સ પૂર્વે કેવડીયામાં વિરોધ થયો હતો. 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રખાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. આદિવાસીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહીં આપીએ. આદિવાસીઓના અલગ-અલગ ગામોની જમીન સરકાર દ્વારા રાજ્યોનાં રાજ ભવન બનાવવા માટે સંપાદન કરી લીધી હોવાથી તેઓ દેશના પોલીસ વડાઓ સામે વિરોધ કરી રહ્યાં હતા. ભાજપના આદિવાસી નેતાઓ ભારે ચૂપકીદી સેવી રહ્યા છે, જેને લઈને ભાજપના આદિવાસી નેતાઓ વિરુદ્વ પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓએ અહીં વડાપ્રધાન આવે તે સમયે પોતાના ઘરો પર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથસિંહ આવી પહોંચ્યા ત્યારે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુએ પણ કાળા વાવટા ફરકાવામાં આવ્યા હતા. પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી હોવાથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.
બંધ માટે જમીન લીધી પણ હોટેલો બની
આદિવાસીઓના આક્ષેપ મુજબ, જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, હોટેલ, રેલ્વે સ્ટેશન બની રહ્યાં છે. આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું આદિવાસીઓ માની રહ્યાં છે. હેતુ ભંગ થયો હોવાથી જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે એવી માંગણી કરી છે. પદયાત્રા કાઢી અને પોલીસે તે અટકાવી દીધી હતી. તેથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. જે દેશના તમામ ડિજીએ જોયું હતું.
ખાતરી આપી પણ કંઈ ન થયું
નર્મદા અસરગ્રસ્તોના 13 ગામોના 178 કુટુંબોને જમીન સામે જમીન,પુખ્ત વયના પુત્રો માટે 5 લાખની રોજગાર સહાયની જાહેરાત. 1962માં ગયેલી જમીનના માલિકોને 58 વર્ષે ફરી એક વખત સહાય મળશે. ભુપેન્દ્રસિંહ ચૂડાયમાએ ખાતરી આપ્યા બાદ જિલ્લા કલેકટરે કેવડિયા ખાતેઅસરગ્રસ્તોનાં પ્રતિનિધિઓની હાજરીમાં કરી જાહેરાત કરી હતી. બે વર્ષથી નર્મદા ના અસરગ્રસ્તો તેમની માંગણીઓ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. સરકાર સાથે અનેક વાટાઘાટો કરવા છતા ન્યાય ન મળતા અસરગ્રસ્તોએ 31મી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિરોધ કરી આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી.
સરોવર નર્મદા બંધમાં ડૂબમાં ગયેલ 19 ગામોના લોકોને તો સરકારે વિવિધ વસાહતોમાં સમાવી લીધા બાદ બંધની આગળ આવતા 6 ગામો કેવડિયા, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા, કોઠી ગામના લોકો વર્ષોથી સહાય માટે અનેક માંગણીઓ કરી ઉપવાસ આંદોલન કર્યા હતા. તેમની જમીન નર્મદા નિગમની કચેરીઓ બનાવવા કે વિયર માટે સરકારે તે સમયે પૈસા આપીને લીધી હતી. હવે આદિવાસીઓ ફરીથી વળતર માંગી રહ્યાં હોવાથી તે આપવા સરકાર તૈયાર થઈ છે.
કેવડિયા, ઇન્દ્રવર્ણા, નાનાપીપરિયા, મોટાપીપરિયા, વસંતપુરા, ગભાણા, વાગડીયા આ 7 ગામો મળી કુલ 13 ગામોના 178 પરિવારોની જમીનો સામે જમીનો અથવા હેકટર દીઠ 7.50 લાખ અને રહેણાંકના પ્લોટ સામે પ્લોટ અને આ 178 પરિવારોના શિક્ષિત અને યુવાનો માટે ધંધો રોજગાર માટે રૂ.5 લાખ આપવાની જાહેરત કરી હતી. ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ કેવડીયા ખાતે ખાતરી આપ્યા બાદ કંઈ થયું નથી.
રસ્તા પૈકીની જગ્યાના અસરગ્રસ્તોને નાંદોદ તાલુકાના વાગડીયા વાઘોડિયા ગામે વસાવવામાં આવશે સાથે સાથે 1200 એકર ખેતીની જમીનો કરજણ યોજના અને નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં અપાશે. નહેરો ન બની પણ પુતળુ બન્યું
ખોટની યોજના
ગુજરાતમાં 18 લાખ હેકટર જમીન, 9000 ગામડાં, 135 શહેરોને પીવાનું પાણી આપી શકે તેવી યોજના બની છે. પણ ગુજરાતની ભાજપ સરકારે નહેર બનાવીને 18 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવાનું પસંદ કરવાના બદલે સરદારનું પુતળું બનાવવાનું પહેલાં નક્કી કર્યું હતું. સિંચાઈ માત્ર 4 લાખ હેક્ટરમાં જ થઈ રહી છે. ગામોને હજુ પૂરું પાણી મળતું નથી. 16 મુખ્ય પ્રધાનોએ નહેર બનાવવા માટે લડાઈ લડી હતી. પણ ભાજપે નહેરના બદલે પુતળું બનાવવા રૂ.3000 કરોડ ખર્ચ કરી નાંખ્યો છે. ખેડૂતોએ નહેરો બનાવવા માટે જમીન આપી છે પણ તેમના ખેતરો નહેરના કાંઠે હોવા છતાં પાણી આપવામાં આવતું નથી અને તળાવો ભરવામાં પાણી વેડફી નાંખવામાં આવે છે.
બંધના અંદાજ જેટલું ખર્ચ પુતળા માટે
ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ સહિત૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો હતો. નર્મદા બંધનું ખર્ચ 1980માં માત્ર રૂ.3333 કરોડ અંદાજાયુ હતું. જે યોજનાનું કામ પૂરું થયું નથી છતાં રૂ.66 હજાર કરોડ ખર્ચ થઈ ગયું છે. આટલું જંગી ખર્ચ છતાં આદિવાસીઓને વળતર આપવામાં આવતું નથી.
સાધુ બેટ આસપાસ જમીન આપવા ઈન્કાર
નર્મદા બંધથી દૂર સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી 20,000 ચો.મી. વિસ્તારમાં બની છે. 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 5 લાખ ખેડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કંઈક નવુ
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.
લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ લોખંડ મેળવાયું હતું. ત્યારે પણ વિવાદ થયો હતો.