નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ?

નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે.

નર્મદા બંધની મુખ્ય નહેર અને બ્રાંચ નહેરો બની છે. પણ પેટા શહેર હજુ પૂરી થઈ શકી નથી. અનેક સ્થળે પેટા નહેર ફાટી રહી છે. નર્મદાની સિંચાઈ માટે 3.11 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવા માટે પાઈપલાઈન નાંખવાનું કામ 10 વર્ષથી થઈ રહ્યું છે. નબળું કામ કરીને ભાજપ સરકારમાં કૌભાંડ હોવાના કારણે તેમ થાય છે. હવે ખેડૂતોના ખેતરમાં નાંખવામાં આવી રહેલી પાઈપલાઈનમાં કરોડો રૂપિયાની ખાયકી બહાર આવી છે.

300 એમએમની પહોળાઈની પાઈપ લાઈન નંખાઈ ત્યાં 250 એમએમની પાઈલ નાંખવામાં આવી હોવાનું જણાયું છે. જ્યાં પાઈપ નંખાઈ છે ત્યાં જોડાણ આપવામાં આવ્યું નથી. એક પાઈપ લાઈનના એકથી વધું વખત નાણાં ઠેકેદારોને આપી દેવાયા છે.

કૌભાંડ બહાર આવ્યા બાદ નર્મદા નિગમ દ્વારા ઠેકેદાર પાસેથી પૈસા જમા કરાવી જવા કહેવાયું છે. પણ કોઈની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

નિગમે તાપી જિલ્લાના સોંગાધના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.12.27 કરોડ, અમદાવાદના પ્રહલાદનગરના એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.27.95 કરોડ, અમદાવાદના સીજી રોડ સ્થિત કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.6.23 કરોડની વસુલાત કરવા આદેશ કર્યો છે. જ્યારે મહેસાણા શહેરના એક કોન્ટ્રાક્ટરને રૂ.6.26 કરોડ આપી જવા કહેવાયું છે. આ ઠેકેદારો રાજકીય નેતાઓ સાથે જોડાયેલાં છે.

લાંચ કેસમાં કૌભાંડ બહાર આવ્યું

ધ્રાંગધ્રાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.બી.પટેલ નવેમ્બર 2018માં લાંચ લેતા પકડાયા બાદ એમના ઘરેથી રૂ.45 લાખ રોકડ મળ્યા હતા. જો નાગરિકે તેમને લાંચ લેતા પકડ્યા ન હોત તો આ કૌભાંડ બહાર આવ્યું ન હોત. પછી સરકારને ફરજ પડી હતી કે તેમના સમયમાં કેટલા કામો થયા છે તે શોધી કાઢવાની.

ક્યાં કેટલી પાઈપલાઈન નંખાઈ હેક્ટર વિસ્તારમાં

મહેસાણા – 1,17,076

રાજકોટ – 1,08,173

વડોદરા – 33,462

પાટણ – 39,327

અમદાવાદ – 11,633

કુલ – 3,11,671

નહેરનું માળખું

2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે માં નર્મદા મહોત્સવ અને નર્મદા રથ ગામડાઓમાં ફેરવ્યો હતો. પણ તે સમયે જ સરકારે મંજૂરી મેળવ્યા વિના 18,641 કિમી નર્મદા કેનાલ નેટવર્ક ઘટાડી દીધું છે. 17.92 લાખ હેક્ટરમાં સિંચાઇ શરૂ થઈ જવી જોઈતી હતી. પણ 2 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થાય છે. 2013-14-15માં સિંચાઈ વધી ન હતી. જ્યાં પાઈપ લાઈન નાંખવાની આવશ્યતા હતી.

નર્મદા યોજના મંજૂર થઇ ત્યારે 90,389 કિમીની નહેર બનવાની હતી. હવે સરકારે 71,748 કિમી નહેર જ હોવાનું બતાવે છે. વર્ટિકલ ઇન્ટ્રીગેશન અભિગમને જોખમમાં મૂકી દેવાયુ છે. 41,311 કિમી નહેરોનું બાંધવાની બાકી છે તે બાંધતા જ 11 વર્ષનો સમય લાગી શકે છે. ગુજરાત સરકાર દર વર્ષે રૂ.9થી 10 હજાર કરોડ નર્મદા યોજના પાછળ ખર્ચે છે, પણ પરિણામ મળ્યું નથી. 6 હજાર કરોડની નર્મદા યોજના હતી તે હવે રૂ.1 લાખ કરોડ થઈ ગઈ છે.

સરદાર સરોવર નિગમના કરોડોના હિસાબો મળતા નથી. આટલો જંગી ખર્ચ કેમ વધી ગયો તેનો કોઈ ઉત્તર મળતો નથી. છેલ્લા બે વર્ષમાં ભાજપ સરકારે રૃા.18,050 કરોડનો ખર્ચ કર્યો છતાં નહેરો બાંધી નથી. નાની વહન ક્ષમતાવાળી સબ માઇનોર નહેરોના કામો 2010માં પૂરા થઈ જવા જોઈતા હતા તે પૂરા થયા નથી. હવે કૌભાંડ બહાર આવતાં કામ અટકશે.

નર્મદા બંધ જેટલો ખર્ચ નહેર અને પાઈપલાઈનમા થયો

પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 2003, 2007, 2013ની વિધાનસભા દરમ્યાન સૌની અને સુજલામ સુફલામ યોજના જાહેર કરી હતી. બન્ને યોજનાઓ પાછળ ભાજપ સરકારે રૂ.20,000 કરોડ અને રૂ.6,000 કરોડનું ખર્ચ કર્યું છે. જે વધારાનું ખર્ચ છે. નેવાના પાણી મોભ પર ચઢાવવાનું તે ખર્ચ છે. નર્મદા નદીમાં પાણીનો ફ્લો ઘટી ગયો હોવાનું સરકાર જાણતી હોવા છતાં તે તળાનો ભરવા અને રિચાર્જ માટે યોજના બનાવી હતી. હવે ખેડૂતોને પાણી આપવાના બદલે બંધો ભરવા અને રિચાર્જ માટે પાણી આપવામાં આવે છે. સૌની યોજના એટલે નર્મદાનું જુનું પાણી નવી બોટલમાં ભરવા જેવી છે.

નર્મદામાંથી પાણી અને પાઈપલાઈન

ગુજરાત માટે 9 મિલિયન એકર ફીટ પાણીમાંથી 0.86 મિલિયન એકર ફીટ પીવાના પાણી માટે અને 0.20  મિલિયન એકર ફીટ ઔધ્યોગિક વપરાશ માટે ફાળવેલું છે. જ્યારે 8 મિલિયન એકર ફીટ પાણી કિંસાઈ માટે વપરાવું જોઈતું હતું કે બંધ ભરવા માટે મોટા ભાગનું વાપરી નાંખવામાં આવે છે.

10 હજાર ગામ અને 178 શહેરોની પાઈપલાઈન

25 જીલ્લાના 167 તાલુકાઓના 10,473 ગામો અને 178 શહેરોને પિવાનું પાણી આપવામાં આવે છે. જેની કરોડો રૂપિયાની પાઈપ લાઈન નાંખવામાં આવી છે. હવે જો એક એન્જીનિયર પાસેથી રૂ.45 લાખ ઘરેથી પકડાતાં હોય તો એક જ ઈજનેરે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. તો પછી બીજા અધિકારીઓ અને રાજકારણીઓએ પણ ભ્રષ્ટાચારમાં હાથ નાંખ્યો હશે.

આમ એક લાખ કરોડની નર્મદા યોજના અને બીજા કરોડો રૂપિયાની પિવાના પાણીની યોજનાઓમાં અકલ્પનીય ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. આમ નર્મદા યોજના એક ભ્રષ્ટ યોજના બની ગઈ છે. જેને ગુજરાતના લોકો પવિત્ર માનતાં હતા અને નર્મદા યોજનામાં તો ભ્રષ્ટાચાર કોઈ ન કરે એવું કહેવામાં આવતું હતું પણ તે મોટી ભ્રષ્ટ યોજના બની ગઈ છે.

નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જ્યા નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડા પડ્યા તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને 3393 ગમોને નર્મદાનું પાણી આપવા માટે બનાવેલી નહેરો ફાટી રહી છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ નહેર તૂટી છે. પાંચ વર્ષમાં બનાસકાંઠામાં જ 143 વખત નહેરોમાં ગાબડા પડયા હતા. જેના કારણે મહામૂલું પાણી વેડફાયું હતું. મોટા ભાગની નહેર ખેતરોમાં તૂટે છે. તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને કરોડો રૂપિયાનું જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

પાટણ જિલ્લામાં 27 વખત, અમદાવાદ જિલ્લામાં 13 વખત, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વખથ નહેરો તૂટી છે. સરકાર પ્રજાને મૂર્ખ બનાવવા કહે છે કે, ઉંદરો દર બનાવે છે તેથી તે તૂટે છે. પણ નહેર તો સિમેન્ટના લેયર વાળી છે. તેમાં ઉંદર દર થોડું બનાવે. સરકાર કહે છે કે નહેરોમાં કચરો ભરાઈ રહેવાથી તે તૂટે છે.

થરાદની ચારડા માયનોર નહેર 12 વખત ફાટી

થરાદ ચારડા માયનોર કેનાલ 2016 સુધીમાં 12 વખત ફાટી છે. ત્યાર પછી 10 વખત આમ લગભગ 20 વખત અ નહેર ફાટી છે અને બરબાદી લાવી છે. ખેડૂતોએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર કરીને નહેર બનાવી છે હવે અમારે બરબાદી ભોગવવી પડે છે. નહેર તો સારા માટે હોય પણ ભાજપ સરકારે તો નરક લાવી દીધું છે. 15 ફૂટના લાંબા ગાબડા પડી જાય છે. ઠેકેદાર, સરકાર કે અધિકારીની કોઈની જવાબદારી નક્કી થતી નથી.

થરાદ વાવ તાલુકાના સિંચાઇ માટે ટળવળતા ખેડુતો એક બાજુ પાણી માટે માગણી કરી રહ્યા છે.ત્યારે તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા નહેર છેલ્લા એક વર્ષમાં બારમી વખત અને ત્રણ મહિનામાં અગીયારમી વખત તૂટી છે.શનિવારની રાતે વીંડીની સીમમાં પંદરેક ફૂટનું ગાબડું પડયું હતું.લાખો ક્યુસેક પાણીનો વ્યય પણ થયો હતો અત્યારે ખેડૂતોની રવિસિઝન તાડમાર રીતે ચાલી રહી છે,પરિણામે ખેડૂતો હાલાકીમાં મૂકાઇ રહ્યા છે.આથી ખેડૂતો કોઇ પણ ભોગે પાણી આપવા માટે રજૂઆતો કરી રહ્યા છે.

ચારડાના ખેડૂત કરશનભાઇ રાજપુતે જણાવ્યું હતું કે વારંવાર ચપા,ચુવા,ભાચર,ગંભીરપુરા,ચારડા ગામના પાંચ ગામના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે,નર્મદા વિભાગના અધિકારી રાવલ અને તેમના કોન્ટ્રાકટરની મિલીભગતથી નહેર તોડવામાં આવત હોવાની સાબિતી હોવાનો આક્ષેપ કરતા તેમણે ઉમેર્યું હતું કે એક કિમીના અંતરમાં જ ગત રાતે બે જગ્યાએ છારી(ડ્રેનેજ)કરીને નહેર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમને રાતે ખેડૂતો જોઇ પણ ગયા હતા.જેમાં એક જગ્યાએ નહેર તુટી હતી.

નબળા બાંધકામને લીધે નહેરોમાં ભંગાણ પડે તો ઠેકેદારો પાસેથી તેનું સમારકામ કરવામાં આવે છે

પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે એક વખત કહ્યું હતું કે, સામાન્ય રીતે નહેર ફાટે એવા પ્રસંગો ઓછા બનતા હોય છે. બનાસકાંઠામાં નર્મદાની નહેર માત્ર બે વરસ (2016-2017)માં 88 વખત ફાટી હતી. આ નહેર બનતી હોય તે તબક્કે ઘણી ગંભીર ક્ષતિ અથવા ગોલમાલ સિવાય આ બનવું શક્ય નથી. નર્મદા મુખ્ય નહેરની મહત્તમ પાણી વહનક્ષમતા 40 હજાર ક્યુસેક છે. એમાં જો ગાબડું પડે તો તબાહી સર્જાઈ જાય તેમ છે. સદનસીબે કડી અને તેનાથી થોડીક આગળ સુધીનું કામ ચીવટ અને ખૂબ જ ચોકસાઇપૂર્વકનું થયું છે. મહી નદી ઉપરની એક્વાડક્ટ અને સાબરમતી નીચેથી પાણી લઈ જતી સાયફન આ પ્રકારના વિશ્વમાં મોટામાં મોટા બાંધકામ છે. તેમાં ક્યાંય રતિભાર પાણી લીકેજ થતું હોય તેવો દાખલો નથી જેનો યશ આપણા બાહોશ એન્જિનિયર અને આ કામ કરતા કોન્ટ્રાકટરો બંનેને આપવો જોઈએ. બનાસકાંઠામાં જે ગુણવત્તાવાળી કામગીરી થઈ છે તે જો અગાઉના વરસોમાં થઈ હોત તો નર્મદા કેનાલ તબાહીનું વૈકલ્પિક નામ બની ચૂકી હોત. છેલ્લા 15 વરસથી આ કેનાલમાં પાણી વહે છે પણ આવી કોઈ ફરિયાદ સાંભળવા મળી નથી.

કેનાલોની મરામત અને જાળવણી કરવા માટે માંડ બે થી ત્રણ ટકા જેટલું ફંડ રહે છે જેનો કોઈ જ અર્થ નથી. આને કારણે કેનાલોથી સ્થિતિ દયાજનક હોય છે અને તેનો ભોગ છેવાડાનો વિસ્તાર ‘ટેઇલ એન્ડ’ બને છે. પાણીનો ભરાવો થવાને કારણે ઘણી જગ્યાએ જમીનો દલદલવાળી એટલે કે વોટર લોગ્ડ અને ક્ષારવાળી બની જાય છે. ઉકાઈ રાઇટ બેન્ડ કેનાલ ઉપર આખાય કેનાલ સેક્શનને 100 કરોડના ખર્ચે રેકોર્ડ સમયમાં લાઈનીંગ સાથે રિમોડેલિંગ કરવાનો પ્રયોગ હું જ્યારે સિંચાઇ મંત્રી હતો ત્યારે કરેલો. 1954માં કાંકરાપાર વિયર પ્રોજેક્ટ કમિશન થયો ત્યાર બાદ પહેલી વાર આટલા મોટા પાયે એની કેનાલ મેન્ટેનન્સનું કામ 2001ની સાલમાં હાથ ધરાયું અને પાણી છેક કાંઠા વિસ્તારમાં એટલે કે ટેઇલ સુધી પહોંચ્યા. આ પ્રોજેક્ટ સામે અનેક અવરોધો હતા.

ત્રીજી વખત નહેર ફાટી

રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. જે સાબિત કરે છે કે નર્મદા નહેર નબળી બની છે. જેમાં પૂરતો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. અહીં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તે ભાજપના મળતીયાઓ છે. આમ અહીં બનેલી નર્મદા નહેરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો માની રહ્યા છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા બંધનું પાણી લઈ જતી નહેર સતત ત્રીજીવાર તૂટ્યા બાદ રિપેર કર્યા વગર જ પાણી છોડતા તૂટેલી કેનાલમાંથી ખેતરોમાં પાણી ઘૂસી જતા જુવારના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂત દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતા નહેરનું સમારકામ ના થતા આ નુકશાન થવા પામ્યું છે. બંધવડથી સાતુન જતી કેનાલમાંથી નજુપુરા સાયફન કેનાલ નીકળે છે. આ કેનાલ અગાઉ શબ્દલપુરા ગામ પાસે તૂટી જવા પામી હતી. જેમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારબાદ ત્રીજીવાર પણ કેનાલ તૂટી જતા ખેડૂતોએ નર્મદા યોજનાના અધિકારીઓ રીઝવી અને રાઠોડને ફોન અને રૂબરૂમાં અને વાર રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર વીરજીભાઈનો નંબર આપવામાં આવ્યો હતો. પરંતુ વીરજીભાઈ ફોન ઉપાડતા નહોતા.

કચ્છ નહેર પૂરી બની નથી અને તૂટી ગઈ

નર્મદાનું પાણી લઈ જતી કચ્છ કેનાલની પેટા નહેર તૂટી રહી છે. કચ્છમાં પાણી પહોંચાડવા માટે તૈયાર કરેલી નર્મદા નહેર બનાવવામાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેની ચાડી ખાતી નહેર તૂટી રહી છે. હજુ તેમાં પાણી વહેતું થયું નથી ત્યાં જ તે તૂટી ચૂકી છે. નહેરની નબળી ગુણવત્તા નજરે જ દેખાય છે. કારણ કે મોટી તિરાડો પડી છે. ધાણીથર અને ગાગોદર નર્મદા નહેરમાં નબળાં બાંધકામના કારણે સિમેન્ટ કોંક્રીટ તૂટે છે. સિમેંટ વાપરવો જોઈએ એટલો કોંટ્રાક્ટરોએ વાપર્યો નથી. વળી સિમેન્ટની સાથે મીઠું પાણી વાપરવું જોઈએ તે વાપરવાના બદલે ખારું પાણી વાપરવામાં આવ્યું છે. જેથી સિમેન્ટ પણ તૂટી રહ્યો છે. રેતી પણ ખારી જ વાપરવામાં આવી છે. ગુજરાતની પ્રજાના પૈસે બનેલી નહેર આ રીતે અનેક સ્થળે તૂટી છે ત્યારે સ્વાભાવિક છે કે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી શકાય તેમ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગુજરાતની તમામ નહેરોની ગુણવત્તા અંગે તપાસ કરવી અત્યંત જરૂરી છે. જો તેમ થાય તો માત્ર કચ્છમાં જ એવું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. નર્મદાના નામે રાજરમત રમતી ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને પકડવામાં સર ધરાવતી હોય એવું જણાતું નથી. કારણ કે અનેક સ્થળે આવી રીતે નહેર તૂટી છે. તેનું સમારકામ કરીને કરોડો રૂપિયાનું આંધણ સરકાર કરી રહી છે.

ચોમાસા પછી 22 સ્થળે નર્મદા નહેર ફાટી

સરદાર સરોવર નર્મદા નિગમની વડોદરાના સંખેડાની મિંયાગામની નર્મદા શાખા નહેરમાં મોટું ભંગાણ પડ્યું હોવા છતા દિવસોથી કોઈ પગલાં ભરાયા ન હતા. ભંગાણ પડ્યું હતું ત્યારે ત્રણ ફૂટ હતું હવે તે 35થી વધારે ફૂટ થઈ ગયું છે. સિમેન્ટ કોંક્રીટ અને માટી કામ નબળું હોવાના કારણે આમ થયું હોવાનો ગામ લોકો આરોપ મુકી રહ્યા છે. ભાજપના સત્તાધીશોએ નર્મદા યોજનાને પણ ભ્રષ્ટાચાર કરવામાં પણ છોડી નથી ત્યારે સમગ્ર રાજ્યમાં તેનો પ્રચાર દરેક ભાષણમાં સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે આવા 22 જેટલાં ભંગાણ નહેરોમાં ચોમાસા પછી પડ્યા છે. જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.

સમારકામ કર્યું અને ફરી નહેર તૂટી

થરાદ વાવ તાલુકામાં 15 દિવસ પહેલાં જ રીપેર કરવામાં આવેલી ચારડા માયનોર કેનાલ લગભગ સોળમી વાર તૂટી હતી. અહીંની નહેર તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા માયનોર નહેર છેલ્લા બે વર્ષમાં સોળમી વખત અને પંદર દિવસમાં ત્રીજી વખત તૂટવા પામી હતી.

પૂરમાં નર્મદા નહેર કેમ તૂટી?

ઉત્તર ગુજરાતના 2015 અને 2017ના પૂરે ભાજપનો ભ્રષ્ટાચાર ખૂલો કરી દીધો છે. પહેલાં બનાસ નદીએ વિનાશ વેર્યો હતો. કાંકરેજ તાલુકામાંથી પસાર થતી 32 કિલોમિટર લાંબી નર્મદા નહેર સાવ ધોવાઈ ગઈ હતી. જો ટૂકડાને સળંગ ગણવામાં આવે તો પાંચ કિલોમિટર નહેર સાફ થઈ ગઈ હતી. કોન્ક્રિંટની બનેલી કેનાલો સાવ તૂટીફૂટી ગઈ હતી. આવું કેમ થયું? સરકારે તે શોધવા પ્રયાસ કર્યો નથી. અહીં એક વખત નહીં પણ 10 વર્ષમાં વારંવાર નહેર તૂટી હતી. જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નહેર પૂરી વહેતી હતી. તપાસના આદેશો પણ આપ્યા નથી. શું કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે તેની તપાસ ગુજરાત સરકાર કરતી નથી. નહેર તૂટી જવાથી માણસોના મોત વધ્યા હતા. કોન્ટ્રાક્ટરોને કોણ બચાવી રહ્યું છે? કે પછી સરકારમાં જ બેઠેલાં લોકો તેમાં સંડોવાયેલાં છે? નહેર કેમ તૂટી તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. નહેરમાં રૂ.50 કરોડથી વધારે નુકસાન થયું હતું. ખેડૂતોની હજારો હેક્ટર જમીન નહેર તૂટી જતા ધોવાઈ ગઈ છે. વિજય રૂપાણી સરકાર સામે કેન્દ્રીય ભાજપ કેમ ચૂપ છે?

ઠાસરામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

ઠાસરા તાલુકાના ઓઝરાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં ગઈ કાલે ગાબળુ પડયુ છે. ઓઝરાળા થઈ વજેવાલ મુગઢપુરા તરફ જતી સબ કેનાલમાં ગાબળું પડતા ખેતરોમાં પાણી ઘુસી ગયાં છે. જ્યાં ખેડૂતોને શિયાળુ પાકને ભારે નુકશાન થયુ છે.

સફાઈ થાય છે તો પણ તૂટે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનથી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ તેમજ મરામત મે 2018માં કરાયું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 16 જિલ્લાના 65 તાલુકામાં નર્મદા કેનાલ નેટવર્કમાં સફાઇ-મરામતની કામગીરી કરવામાં આવી હતી. છતા ચોમાસામાં અનેક સ્થળે નહેર ફાટી હતી. કેનાલ ઉભરાવાથી આજુબાજુના ખેતરોમાં થતું નુકશાન નિવારવા માટે આ સફાઈ કરી હતી પણ નહેરો તૂટી અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

ખેડૂતોએ જાતે નિગમની ભૂલ સુધારી નહેર બનાવી

થરાદ વાવના ખેડૂતોએ પોતાના ખર્ચે અને મહેનતે નર્મદા નહેરનું મરામત કામ કર્યું હતું. વારંવાર તુટતી નર્મદાની નહેર ઊંચી કરવાની કામગીરી 22 ઓગસ્ટ 2016માં હાથ ધરી હતી. ગંભીરપુરાના 300 ખેડૂતોએ જાતે નહેરને ઊંચી કરી હતી. ચુડમેર ગામની સીમમાં નહેરમાં પાણી વધારે છોડવાના કારણે ઓવરફલો થઇ તૂટી જાય છે. ઉચપા ડિસ્ટ્રીબ્યૂટરી નહેર થરાદના ચુડમેર ગામની સીમમાં આવતા સાંકડી થઈ જાય છે. પરિણામે તે અવારનવાર તુટવાના બન્યા છે. ખેડૂતોએ એકઠા થઇને સીમેન્ટની મોટી ઇંટોથી નહેરની વળાંકની લગભગ 200 મીટર કિનારીને ઊંચી કરી હતી. આ અંગે ખેડૂતોએ થરાદના નાયબ કલેક્ટર ,વાવ મામલતદાર,નર્મદા વિભાગ તથા સિંચાઇ વિભાગને રજૂઆતો કરી હતી.

મુખ્ય નહેર પણ ફાટી

બનાસકાંઠાના કાંકરેજના ખારીયા ગામથી રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય નહેરમાં પાણી વધારે છોડાતા ખારીયા નજીક નહેર તુટી જતા હજારો ક્યુસેક પાણી વેડફાયું હતું. નર્મદાની મુખ્ય નહેર પરના સાયફનના કારણે ગોઝારી ઘટના બની હતી. તે જ સ્થળે ફરી નહેર ફાટી હતી. 17 નવેમ્બર 2018માં 7 હજાર ક્યૂસેક પાણી છોડાતા સાયફન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં 50 ફુટનું ગાબડુ પડયું હતું. તે પાણી મોટા પ્રમાણમાં બનાસ નદીમાં ઠલવાયું હતું. જેથી શિયાળાની ઋતુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો બનાસનદીના બદલે અન્ય સ્થળે કેનાલ તુટી હોત તો પુનઃ મોટી તારાજી સર્જાઇ હોત. સાયફનના લેવલથી ઉપર વહેતા ગાબડું પડ્યું છે. રાજસ્થાન રાજ્યમાં વિધનસભાની ચૂંટણી હતી અને ત્યાં વધુ પાણી આપવામાં આવે તો ભાજપને ફાયદો થાય તેમ હતો તેથી વધુ પાણી આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં ખુવારી સર્જાઈ હતી. જો બાજુમાં નદી ન હોત તો વિનાશ સર્જાયો હોત.

નર્મદાના નામે રાજકારણ

નર્મદા ઉપર સૌથી વધુ સંશોધન કરીને સમાચારો પ્રકાશિત કરનાર પત્રકાર પ્રવીણ ઘમંડેએ કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ સાથે મળીને નક્કી કર્યું હતું કે નર્મદા યોજનાને ક્યારેય રાજકીય મુદ્દો નહીં બનાવે પણ 18 વર્ષથી તેને રાજકીય મુદ્દો સત્તાધારી પક્ષ બનાવે છે. તેથી વિરોધ પક્ષ પણ રાજકીય મુદ્દો બનાવે છે. જેવું દેશની આઝાદીની લડત બાદ થયું, એવું સરદાર સરોવર બની ગયા બાદ થયું છે. ખેતરો સુધી પાણી ન પહોંચવાના કારણે અબજો રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. તો પછી મેધા પાટકર અને ગુજરાતના રાજકારણીઓ વચ્ચે ફરક શું?