નળસરોવરના શિકારી ગામ વિદેશી પક્ષીના શિકાર કેમ કરે છે

વિરમગામ પાસે વાંસોટી ડેમ ગામના રહેવાસીઓ નળસરોવર પક્ષી અભયારણ્યમાંથી શિકારી ગેંગ 9 ઓગસ્ટે પકડાઈ છે. ચાર શિકારીઓ વિદેશી પક્ષીનો શિકાર કરતાં હતા. ત્યારે વન વિભાગને આસપાસના ગામ લોકોએ જાણ કરતાં આ ગેંગના એક સભ્ય ધનજીના રહેવાસી 23 વર્ષના વાહલ કરમશીને  વન વિભાગે પકડી પાડ્યો છે. બીજા ત્રણ શિકારી વિષ્ણું દિલુભા-20, નાના સાગર પઢાર-22, રાજેશ અભા પઢાર-19 ભાગી છુટ્યા હતા. તેઓ અહીંના ધનજી ગામના રહેવાસી છે. છ પક્ષીઓનો શિકાર કર્યો હતો. 4 પક્ષીઓના મૃત્યું થયા હતા અને બેની હાલત ગંભીર છે. તેઓ પતંગ ચગાવીને પક્ષીઓનો શિકાર કરીને એક થેલામાં ભરીને જઈ રહ્યાં હતા ત્યારે તેનો પીછો કરતાં એક પકડાઈ ગયો હતો. તેઓ એક પક્ષી રૂ.50થી 200 સુધીના ભાવે માંસાહારીઓને આપતાં હતા. જે પક્ષી મળી આવ્યા છે, તે ન્યૂસર્ગ ફ્લેમિંગો 3, ગ્રેટર ફ્લેમીંગો 1, પર્પલ મોકેન 1 અને પેન્ટેડ સ્ટર્ક 1 નંગ છે. જો શિકારનો ગુનો સાબિત થાય તો 3થી 7 વર્ષની સજા થઈ શકે છે. રૂ.10,000 સુધીનો દંડ થઈ શકે છે.

પતંગ અને માછલા પકડવાની જાળથી શિકાર

આવું છેલ્લાં ઘણાં વર્ષોથી થઈ રહ્યું છે. જોકે આસપાસના ગામોએ શિકાર કરવાનું બંધ કરી દીધું હોવાની વાત થતી હતી. પણ હવે નવી પેઢી પણ શિકારી બની રહી છે. 2017માં 5 ઘટના પક્ષીઓના શિકારની જાહેર થઈ હતી. જેમાં 10 લોકો પકડાયા હતા. આમ દર વર્ષે આવી 4થી 5 ઘટના શિકારની પકડાય છે. જે પકડાતાં નથી તેની સંખ્યા મોટી હોવાનું માનવામાં આવે છે. તેમાં બીજી એક ખાસીયત ભળી છે કે, પતંગ ઉડાવીને પક્ષીઓને તેઓ ઉડાડે છે જેથી તે હવામાં ઊંચી રાખેલી જાળમાં આવી જાય છે. પક્ષીને ઉડાડવા માટે પથ્થર પણ ફેંકે છે. પણ તે ગોફણથી પણ અમુક મર્યાદા સુધી જ જઈ શકે છે. તેથી પતંગ ઉડાડીને પંખી પકડે છે. પહેલાં માછલી પકડવાની જાળને હવામાં ઊંચે રાખીને જ પક્ષીને પકડ તા હતા.

પક્ષીનો શિકાર થતો અટકાવતાં ગોળીબાર

લીંબડી તાલુકાના નળ સરોવરના કાંઠે આવેલાં મોટી કઠેચી ગામે વિદેશથી મોટી સંખ્યામાં હંજ-કુંજ પક્ષીનો શિકાર થતો હતો. તેને અટકાવવા કોળી વિક્રમ મનજીભાઈએ પ્રયાસ કરતા ગોળીબાર કર્યો હતો અને હુમલો કર્યો હતો. કોળીઓ અને શિકારીઓના મારામારીમાં 11ને ઈજા થઈ હતી. જેમાં મુખ્ય આરોપી કાદર સાહબુદ્દીન સાથે 10 શિકારી હતા. તેમને અટકાવતાં શિકારીઓએ બંદૂકથી ફાયરીંગ કર્યું હતું. તેમાં 3 કોળી  ઘાયલ થયા હતા.

ચાર ગામ પ્રખ્યાત છે

શિયાળો શરૂ થયો નથી ત્યાં શિકાર થવા લાગ્યા છે. શિયાળામાં શિકાર વધું થતો હોય છે. અહીં ચાર ગામ શિકારીઓના માનવામાં આવે છે. જેમાં ઘરજી ગામ, કઠેચી, રાણાગઢ, શાહપુર ગામનો લોકો વિદેશી પક્ષીઓનો શિકાર કરતાં હોય છે. 10 વર્ષ પહેલાં એક શિકારીને પકડવા ગયેલા વન વિભાગના અધિકારી પર કુહાડીથી હુમલો કર્યો હતો. જે અધિકારી સારવારમાં માંડ બચી શક્યા હતા. અહીંના પઢાર આદિવાસી અને મુસ્લિમ સમાજના લોકો વધારે શિકાર કરે છે. જેમાં મુસ્લિમ સમાજ ભાજપની સાથે હોવાથી તેઓ હવે વધું શિકાર કરતાં થયા છે. માછીમારી કરવાની સાથે પક્ષીઓનો પણ શિકાર કરે છે.

100ની સામે 4 રક્ષક

2018માં 120 ચોરસ કિ.મી. વિસ્તારના 3 લાખ પક્ષીઓની સુરક્ષા અત્યંત જરૂરી છે. તેનું ધ્યાન રાખવા માટે નળસરોવરમાં  4 ફોરેસ્ટરને બદલે 2 છે અને 8 બીટ ગાર્ડ મંજૂર કરેલાં છે તેના સ્થાને 2 બીટ ગાર્ડ છે. આથી અહીં પક્ષીઓના શિકારની ઘટના બનતી રહે છે. શિકારીનો પીછો કરવા માટે તળિયા બોટ જોઇએ જે પણ ઓછી છે. ખરેખર તો અહીં 500 કિ.મી.ની કાંઠાની સરહદ પર ધ્યાન રાખવા માટે 100થી વધારે રક્ષકોની આવશ્યકતા છે. જે આસપાસના ગામના ભણેલાં લોકોને રાખી શકાય તેમ છે. કારણ કે તેઓ શિકારીઓ પર નજર રાખતાં હોય છે.

પતંગ ઉડાડીને શિકાર

18 માર્ચ 2017ની મોડી રાતે નળ સરોવર આસપાસ અજાણ્યા શખસની હિલચાલના આધારે મહેશ ગેલાલ, ચંદા દાહિલા, ભાગુ રમણ, ભરત ભગવાન, વિનુ મસાળી અને ઈશાન નામના શિકારીઓને પકડી લીધા હતા. શિકારી ટોળકી પાસેથી બે જિવિત ફ્લેમિંગો, બે મૃત ફ્લેમિંગો મળ્યા હતા. બોટ અને શિકાર કરવાની સાધન-સામગ્રી પકડી હતી. પતંગ ઉડાડી અને પક્ષીઓને પથ્થર મારી નાઇલોનની જાળમાં ફસાવી શિકાર કરતા હતા. ચાર મહિનાથી શિકાર કરી રહ્યાં હતા.

શું છે નળસરોવર

નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. અમદાવાદથી 60 કિ.મી. દૂર સાણંદ થઈને નળસરોવર જવાય છે. જે પક્ષી 120 ચોરસ કિલો મિટરમાં પથરાયેલું પક્ષી અભયારણ્ય રામસર સાઈટ તરીકે ઓળખાય છે. સમુદ્રની સપાટીથી ઉંચાઇ        9.10 મીટર છે. ઉંડાઈ 2.7 મીટર છે. સામાન્ય રીતે એકથી સવા મીટર સુધીની જ ઉંડાઈ છે. તેથી પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગી નિકળે છે. વનસ્પતિના કારણે ખોરાક પુરતાં પ્રમાણમાં મળવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. 300થી વધુ બેટ આવેલા છે. 256 પ્રકારના પક્ષીઓ, 76 પ્રકારની વનસ્પતિઓ, 19 પ્રકારની મત્સ્ય પ્રજાતિઓ, 11 પ્રકારના સરિસૃપ, 13 પ્રકારના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.

સિંધુ-સરસ્વતીનું વહેણ

2011માં સિંધ પ્રાંતની નદીઓમાં મોટાપાયે પૂર આવતાં રણમાં ખૂબ જ પાણી ઠલવાયાં હતાં અને મોટા રણમાંથી નાના રણમાં અને ત્યાંથી છેક નળ સરોવર સુધી સિંધુનાં પાણી પહોંચ્યાં હોવાની સાથેસાથે અમદાવાદ સ્થિત વિજ્ઞાનીએ  સિંધુ નદી વહેણ બદલી રહી હોવાનું નિરીક્ષણ કર્યું હતું.

કયાં દેશના પક્ષીઓનું આગમન

સાઈબીરિયા, રશિયા, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, હોલેન્ડ, ભારતના ઠંડા પ્રદેશો, તિબેટ.

કયા પક્ષીઓનું આગમન

બતકો, હંસ, કુંજ, વાબગલી, ધોળકા, પેણ, ઢોક, ફ્લેમિંગો, સુરખાબ, રાજહંસ, ગારખાદ, રાતાપગ, રૃપેરીપણ, શંખલો, ટીટોડી, નાની ખલિલી, સેન્ડપીયર.

પઢાર કોમ માછીમાર

નળસરોવર આપાસના 14 ગામોની વસતી પઢાર આદિવાસી તરીકે ઓળખાય છે. જે નળસોરવર પર માછીમારી કરીને જીવે છે. તેમને સબસાડી સાથે જાળ, હોડી, સાઈકલ આપવામાં આવતી હતી. પણ પક્ષીઓના શિકાર કરવા લાગતાં તેમને હવે જાળ આપવામાં આવતી નથી. આ શિકારને રોકવા માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના મનુભાઈ બોરોટે ઘણા પ્રયાસો કર્યા. તેઓએ 35 શિકારીઓને મોરારી બાપુના સમક્ષ જાળ મૂકી પક્ષીઓનો શિકાર નહીં કરવાની જાહેરાત કરી હતી.

દર બે વર્ષે બે વખત વસતિ ગણતરી

દર બે વર્ષે પક્ષીઓની ગણતરી કરવામા આવે છે. બે દિવસ માટે 150 જેટલા પક્ષી નિષ્ણાંતો દ્વારા પક્ષી ગણતરીનું કામ થાય છે. છેલ્લી ગણતરીમાં પક્ષીઓની 200 પ્રજાતિ અને 3 લાખ કરતા વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા. આ વખતે પણ રિપોર્ટ તેની આસ-પાસ રહે તેવી શક્યતા છે. તેજપર, સ્ટારલીન, બ્લેકનેક ગ્રીપ જેવા પક્ષીઓ પ્રથમ વખત જોવા મળ્યા છે. કયા વર્ષે કેટલાં પક્ષી 1992 – 1,87,734, 1996 – 1,41,534, 2000 -50,581, 2002 – 1,34,975, 2004 – 1898139, 2006 -2,52,682, 2008 2,53,254, 2010 -1,31,306, 2017 – 3 લાખથી વધું. સરેરાશ કુલ સંખ્યા 2 લાખ પક્ષી આવે છે.

બિલ્ડરો મોટા શિકારી

સાણંદ-નળ સરોવર રોડના 42 કિલોમીટર માર્ગને બિલ્ડરો માટે પહોળો કરતાં પાંચથી સાત હજાર વૃક્ષો કાપવાથી પક્ષીઓને નુકસાન થયું છે. નળ સરોવર આસપાસ મકાનોની યોજનાઓ અને ફાર્મહાઉસ બનાવતાં દબાણ વધી રહ્યાં છે. જે નળસરોવરને વધારે ખતમ કરશે. તેથી મોટા શિકારીઓ તો જમીનના ડેવલપરો છે. સરકારે પણ બિલ્ડરોના ફાયદામાં ઈકોસેન્સેટીવ ઝોન ઓછા વિસ્તારને જાહેર કર્યો છે. ઈકો સેન્સેટીવ ઝોન માટેનું આખરી જાહેરનામું બિલ્ડર લોબી અને ભાજપના કેટલાંક નેતાઓના દબાણને કારણે 2.35 થી 13 કી.મી. સુધીની હદ હતી તે ઘટાડીને 2017માં 1.3 કિ.મી.થી 4.84 કી.મી. કરી દઈને અબજો રૂપિયાનો ફાયદો ભાજપ સરકારે તેમના બિલ્ડરોને કરાવી આપ્યો છે. પણ તેનાથી આવનારા સમયમાં પક્ષીઓ પર સૌથી વધું ખતરો તો નળસરોવર આસપાસ બની રહેલાં મકાનોના કારણે થવાનો છે. પાણી જવાના અવરોધો અત્યારથી જ ઊભા થઈ ગયા છે.

જોખમી બન્યો જળપ્લાવિત વિસ્તાર

શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ ગુજરાતને પોતાનું ઘર માનીને આવે છે. પક્ષીઓ છીછરા પાણીને પસંદ કરે છે. કારણ કે ત્યાં તેને ખોરાક મળી રહે છે. જે વેટલેન્ડ એટલે કે જળપ્લાવિત વિસ્તાર તરીકે ઓળખાય છે. ભારતમાં કુલ વેટલેન્ડનો 22 ટકા વિસ્તાર ગુજરાતમાં આવેલો છે. જેમાં  નળ સરોવર, થોર, કચ્છનું નાનું રણ, સૂરખાબનગર, પરિએજ, ખિજડિયા વગેરેનો સમાવેશ થાય છે. શહેરોના વિકાસના પગલે વધતા જતા દબાણોથી જળ પ્લાવિત વિસ્તારો પર જોખમ વધતું જાય છે. એક માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ભાજપના શાસનમાં 20 હજારથી પણ વધુ તળાવો પુરાઇ ગયા છે. જેમાં હવે નળસરોવર પણ આવી શકે છે. નળસરોવર આસપાસ જ્યાં પક્ષીઓ વૃક્ષો, ખેતરો પર આશરો લેતાં હોય છે તે નાબૂદ થઈ ગયા છે. નળ સરોવરથી પાંચ કિ.મી. સુધી બાંધકામ થઈ ગયા છે. શિયાળામાં આ વેટલેન્ડમાં હંસ, સ્પૂન બીલ અને રંગબેરંગી પતંગો જેવા પક્ષીઓનું વેટલેન્ડ વિસ્તારમાં આગમન થાય છે. ફલેમિંગો જેવા યાયાવર પક્ષીઓ આ વિસ્તારમાં ઇંડા મુકીને પોતાનો વંશવેલો વધારે છે. ગેરકાયદે દબાણો વધવાથી જળ પ્લાવિત તળાવો પણ ઘટતા જાય છે. જો કે કુદરતી  વેટલેન્ડ પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યા હોય ત્યારે માનવીય જોખમો પણ વધે છે. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. નળ સરોવર આજુંબાજું થઇ રહેલો વિકાસ પર્યાવરણ સમતુલન માટે જોખમી છે.