07,અમદાવાદ
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે.
ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન’ પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખરેખર ધર્મ કરતા આસ્થા કેટલી ઉંચી છે તેની પ્રતીતિ કરાવી રહી છે. ‘વિલોપન’માં નોંધેલી આ ઘટના અમદાવાદના સ્થાપક અહમદશાહ બાદશાહના સમયમાં બની ગઈ હોવાની લોકવાર્તા છે.
જુના અમદાવાદ શહેરના માણેકચોક ખાતે આવેલી ચાંદલા ઓળ ખાતે રહેતા હરદાસ ચિતારા બહુચર માતાજીનો ભક્ત હતો. તેની ચિત્રકલા વખણાતી હતી. જે જાણી બાદશાહ અહમદ શાહે તેમને ભદ્રના કિલ્લામાં બોલાવ્યા અને રાણીનું ચિત્ર બનાવવા કહ્યું . ચિત્ર જોઈ ખુશ થઇ ગયેલા બાદશાહે હરદાસને કદરરૂપે જે જોંયતુ હોય તે આપવાનું ફરમાન કર્યું. ત્યારે હરદાસ એ તેમને બહુચર માતાનું મંદિર બનાવવા માટે જગ્યા આપવાની વિનંતી કરી. . અને ગીતા મંદિર પાસે એસટી બસ મુખ્ય મથક નજીક આવેલો મોચી વાસ ખાતે બાદશાહ એ જમીન આપતા હરદાસ એ અહીં બહુચર માતાનું મંદિર બનાવ્યું. અને તેની માલિકીનું ફરમાન તેમને આપ્યું.
અહમદશાહના નિધન બાદ મોહમદ બેગડોનુ શાશન આવતા તેમણે વ્યાપક રીતે ઇસ્લામ તરફી ધર્મ પરિવર્તનની ઝુંબેશ ચલાવતા અમદાવાદ સહીત ગુજરાતમાં ઘણા મંદિરો દ્વંશ કરી દીધા. આ દરમ્યાન બાદશાહનું ફરમાન લઇ હરદાસ એ બનાવેલું મંદિર તોડવા આવેલા સિપાઈઓ ને હરદાસએ અહમદશાહ બાદશાહનું લેખિત ફરમાન બતાવતા કહ્યું કે બાદશાહ એ તેને કદરરૂપે જમીન આપી હતી અને મંદિર બનાવવા સહમતી ભર્યું ફરમાન કર્યું હતું. આ વાતની મોહમદ બેગડોને જાણ થતા તેમણે હરદાસને તેમની સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો. હરદાસ હાજર થતા બાદશાહ એ તેને શરત મુકતા કહ્યું કે જો તું ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લે તો તારું મંદિર નહિ તોડીએ. બહુચર માતાજીમાં અતૂટ આસ્થા રાખનાર હરદાસ એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી મંદિર બચાવી લીધું. આ વાત ફેલાતા ચિતારા સમુદાયના લોકોએ તેને જ્ઞાતિ બહાર મૂકી દઈ તેનો સામાજિક બહિષ્કાર કરી દીધો.