નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે

અમદાવાદ, તા.૬

અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં ખાલી પડેલી એક, શિડ્યુલ પરની પાંચ અને રાજ્ય સરકારની મંજૂરીથી નવી ખોલવામાં આવેલી ૧૮ જેટલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સની નિમણૂકમાં ગેરરીતિ થઈ નથી.આઈઆઈએમના નિષ્ણાત પ્રોફેસર્સની મદદથી આખી પ્રક્રિયા પૂરી કરાઈ છે.

નવા નિમાયેલા તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સ મંગળવારથી હાજર થઈ ગયા છે. તેમણે ગાંધીઆશ્રમ ઉપરાંત સરદાર સ્મારકની મુલાકાત લીધા બાદ મેયરની ઔપચારિક મુલાકાત લઈ અમપાના સ્કાડા વોટર પ્રોજેક્ટથી લઈને સ્માર્ટસિટી સુધીના તમામ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો છે. આ તમામને આગામી સોમવારથી શહેરના અલગ-અલગ ઝોનમાં કામગીરીની ફાળવણી કરી આપી ફરજ પૂર્ણ રીતે સોંપાશે. આ તમામ હાલમાં એક વર્ષના પ્રોબેશન પર રહેશે. તેમનો ટીમમાં સમાવેશ થવાથી શહેરના વિકાસની ગતિમાં ઝડપ આવશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.