નશીલું બ્રાઉન સુગર લઈને ભાજપના નેતા ભાનુળાળીની હત્યા કરી હતી

બ્રાઉન સુગરનો નશો કરીને પછી જ ભાજપના નેતા ભાનુશાળીની ચાલુ ટ્રેમાં હત્યા કરી હતી. નશાની કીક વાગતાં જ કોઈ પણ માણસમાં હિંમત આવી જાય છે. આવું જ ભાનુશાળીની હત્યામાં થયું હોવાનું બહાર આવ્યું છે. બે શાર્પ શૂટરોએ ભચાઉ સ્ટેશન ઉપર બ્રાઉન સુગરનો નશો કર્યો હતો અને ત્યાર બાદ ભાનુશાળીને ગોળી મારી હતી. પોલીસ તપાસમાં આ હકીકત બહાર આવી છે. આ ઉપરાંત હત્યા કરવા આવેલા શૂટરો સાથે ત્રીજી વ્યક્તિ પણ હતી, જેની ઓળખ પણ પોલીસે કરી લીધી છે. આ ત્રીજી વ્યક્તિને શોધવા માટે પોલીસ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે.

રિમાન્ડ દરમિયાન બહાર આવેલી વિગત પ્રમાણે સયાજી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા જયંતી ભાનુશાળી હત્યા કરવા માટે કુલ ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર નીકળી હતી. શૂટરો હત્યા કરવા માટે ભચાઉ સ્ટેશનથી ટ્રેન પકડવાના હતા,પણ આ દરમિયાન બાઇકનું પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું. એક તબક્કે હત્યારાએ માની લીધું કે હવે ટ્રેન છૂટી જશે. તેઓ પેટ્રોલ લેવા માટે બાઇક ખેંચી પંપ ઉપર લઈ ગયા હતા.

ત્યાર બાદ તેઓ ભચાઉ આવ્યા હતા, પરંતુ ટ્રેન આવવાની વાર હોવાને કારણે બંને શૂટરોએ બ્રાઉન શુગર પીધું હતું. જ્યારે નક્કી થયા પ્રમાણે ત્રીજી વ્યક્તિ બાઇક લઈ સામખિયાળી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં દાખલ થયેલા શૂટરોએ ભાનુશાળીને ગોળી મારી હતી . તેઓ સામખિયાળી ઉતરી ગયા હતા. ત્યાર બાદ ત્રણેય એક જ બાઇક ઉપર ભાગ્યા હતા અને બાઇકને રાધનપુર છોડી મહારાષ્ટ્ર જતા રહ્યા હતા.

આ મામલે તપાસ કરી રહેલી પોલીસ છેલ્લા કેટલાય દિવસથી આ બાઇક શોધી રહી હતી,પરંતુ રાધનપુર પોલીસને આ બાઇક બિનવારસી મળી આવ્યું, હોવા છતાં રાધનપુર પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરવાની બદલે કાગળો કર્યા વગર બાઇક કબ્જે કરી મૂકી દીધું હતું. આ મામલે બેદરકારી દાખવનાર રાધનપુર પોલીસ સામે પણ કાર્યવાહી થાય તેવી સંભાવના છે.