કોઈપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આપદા હોય નાગરિકોની મદદ કરવામાં ફાયરબ્રિગેડ સૌથી મોખરે હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા હલકી કક્ષાના સરકારી કવાટર્સને કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના જ પરિવારજનો કફોડી સ્થિતિ માં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાના ખર્ચે જબરજસ્ત વિકાસ ના નામે બણગાં ફૂંકવામાં આવે છે. પરંતુ કોર્પોરેશન ના આ દાવા વાસ્તવિકતાથી દૂર અને પોકળ છે એનું ઉદાહરણ છે ફાયરબ્રિગેડના કર્મચારીઓના રહેવા માટે બનાવેલા સરકારી આવાસ.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં મેઘતાંડવઃ ચાલી રહ્યું છે. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. ખાસ કરીને છેલ્લાં એક અઠવાડિયામાં શહેરમાં સારો એવો વરસાદ થયો છે. રસ્તા ઉપર ભુવા પડી જતા લોકોને વાહનો ફસાઈ જવાની, ઝાડ પડવાથી લોકોને નાની મોટી ઈજા થવાની, સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા જેવી કંઈક ઘટનાને કારણે ફાયરબ્રિગેડની દોડાદોડી વધી ગઈ છે.
લોકોને મદદ કરવા રાતદિન ખડે પગે રહેનાર ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના પરિવારજનોને રહેવા આપેલા સરકારી મકાન એટલી ખરાબ હાલતમાં છે કે લોકોની રહેવું મુશકેલ બની ગયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસલાલી, પ્રહલાદનગર, ચાંદખેડા, શાહપુર, થલતેજ, મણિનગર અને નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે જે સ્ટાફ કવાટર્સ બનાવ્યા છે ત્યાં રહતા લોકો પારાવાર હાલાકી વેઠી રહ્યાં છે. કેમ કે તાજેતરમાં બનેલા આ સ્ટાફ કવટર્સમાં ઠેર ઠેર બારી બારણાં ફિટિંગમાંથી ખુલી ગયા છે. જેથી વરસાદનું પાણી લોકો ના ઘરમાં આવી રહયું છે. ઘણી જગ્યાએ ફ્લોરની ટાઇલસો ઉખડી ગઈ છે. જે ઘણાં કર્મચારીઓ સ્વખર્ચે રીપેર કરાવે છે.
ફાયરસ્ટેશન અને સ્ટાફ કવટર્સનો આર સી સી રોડ અત્યારથી જ ઠેર ઠેર તૂટીને ધોવાઈ ગયો છે. ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું છે કે, આ કવટર્સની ડિઝાઇનથી માંડી ને બાંધકામ ખૂબ જ પ્લાનિંગ વગરનું અને ઉતરતી ક્વોલિટી નું છે.
કેટલાય કવટર્સની અંદરની ઘણી દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. વળી, બે બ્લોકના જોઈન્ટ પણ બરાબર કર્યા નથી. જેથી ઘણી જગ્યાએ તો વરસાદ નું પાણી સીધું ઘરમાં આવે છે.
નવરંગપુરા ફાયર સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં રહેતાં જીતુ જાદવ નામના ફાયરમેન કહે છે કે બે દિવસ અગાઉ રાતનો એક ફાયરકોલ એટેન્ડ કરવા હું ગયો હતો. હું પરત આવ્યો ત્યારે મને જાણ થઈ કે બે બ્લોકના જોઇન્ટમાંથી મારા ઘરમાં ખૂબ પાણી ઘુસી આવ્યું છે. પરિણામે અમે વર્ષભર માટે સાચવી રાખેલું અનાજ પલળી ગયું છે. ઘણી જગ્યાએ તો બારી દરવાજા છુટા પડી ગયા છે. લિફ્ટ પણ હલકી કક્ષાની નાખવામાં આવી છે. જે ઘણીવાર બંધ પડી જાય છે. જેથી ફાયરમેન જ તેમાં ફસાઈ ગયાની સંખ્યાબંધ ઘટનાઓ બની છે.
સ્ટાફ કવટર્સના દાદરના પગથિયાં ની ડિઝાઇન પણ લપસી પડાય તેવી છે. ઈમરજન્સી કોલ વખતે ઝડપથી ઉતરવા જતા ઘણાં ફાયરમેન પડી જતા ઇજાઓ થઈ હોવાની પણ ઘટનાઓ બની છે. અલબત્ત આ અંગે ફાયરમેનોએ પણ રજુઆત અને ફરિયાદો કરી છે. પરંતુ હજુ સુંધી યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી.