નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા  કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ દ્વારા શણગારવામાં આવે છે જે પર્યાવરણ માટે સાનૂકુળ છે.

આ સખી મંડળમાં કામ કરતા અરુણાબેન જણાવે છે કે,  છેલ્લા દસ વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેમાં ગામની ૩૦ બહેનો જોડાયેલી છે. આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે. આ સુશોભન માટે વપરાતા દરેક પદાર્થ ઇકોફેન્ડલી છે. જેથી આ મૂર્તિઓની માગ દિન-પ્રતિદિન વધી રહી છે. આ માગને પહોંચી વળવા માટે ક્યારેક આજુ બાજુના ગામોની બીજી બહેનોને પણ બોલાવવી પડે છે. આ કાર્ય માટે બહેનોને ગુજરાત માટીકામ કલા-કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટી પુરી પાડવામાં આવે છે.

આ મૂર્તિઓને વિસર્જીત કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે અને નારીયેળના રેસા, ઉન, કાપડ જેવી વધારાની શણગારની વસ્તુઓ કિનારે તણાઇ આવે છે. જેને સફાઇ પૂર્વક નદી તળાવ કે વિસર્જીત જગ્યા પરથી લઈ શકાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે. આ મૂર્તિઓ ઘરે પણ કૂંડ બનાવી વિસર્જીત કરી શકાય તેવી હોય છે. આ સખી મંડળની રચના કરનારા અને બહેનોને તાલીમ પુરી પાડનાર જણાવે છે કે તેઓને ગુજરાત સરકારના દ્રારા આયોજીત એન.આઇ.એફ.ટી. સંસ્થા દ્વારા અપાતી તાલીમ દરમિયાન આ રીતે મૂર્તિ બનાવતા શીખ્યા હતા. આજે આ સખી મંડળમાં ૩૦ જેટલી બહેનો કામ કરે છે. આશરે નાની-મોટી થઈ ૩૦૦ જેટલી મૂર્તિઓનુ નિર્માણ થાય છે. જેની કિંમત ૫૦૦ રૂપિયાથી લઈ ૨૧,૦૦૦ જેટલી હોય છે. ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા શહેરોમાં જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરતમાં લગાડવામાં આવતા સ્ટોલમાં આ મૂર્તિઓનુ  વેચાણ થાય છે, વધુમાં જણાવે છે કે તેઓનું આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી વાર્ષિક છ થી સાત લાખ જેટલી રકમ મેળવે છે. સાથે મહિલાઓ અને તેમના પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે.

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવિણાબેન જણાવે છે કે, મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા ખાસ આયોજનો કરવામાં આવે છે. આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુધ્ધ રાખી અનેક જળ જીવોનું જીવન પણ બચાવે છે. જેથી આ બહેનોનું આ કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે.