નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ ધમકી આપ્યાની ફરિયાદ

અમદાવાદ,તા:૩૦

નિકોલમાં આવેલી દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ઓળવી જઈ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી દ્વારા ધમકી અપાઈ હતી કે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કંઈ બગાડી નહીં શકે.

દેવસ્ય સ્કૂલના દાદાગીરી કરનારા ટ્રસ્ટીએ ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખવામાં આવશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ધમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરિયાદ કરી હતી, જેથી નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ઘટના બાદ ટ્રસ્ટી ગોગનભાઈ સગરનો સંપર્ક થયો નથી.

નવા નિકોલમાં રહેતા 23 વર્ષીય દેવીબહેન પટેલ નિકોલની દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. 31મી જુલાઈએ સ્કૂલમાં મિટિંગ હોવાથી દેવીબેન સહિતના શિક્ષકો તથા પ્રિન્સિપાલ પણ ટ્રસ્ટી ગોગન સગરની ચેમ્બરમાં હાજર હતા. આ દરમિયાન દેવીબહેને પગારની માગણી કરી હતી, જે બાદ ગગન સગર દ્વારા ધમકી આપવામાં આવી હતી. ફરિયાદીના પિતાના આક્ષેપ મુજબ તેમની દીકરીએ સ્કૂલના ભ્રષ્ટાચાર સામે સવાલ ઊભા કર્યા હતા, જેથી મારી દીકરીને નોકરી પરથી હટાવવામાં આવી છે, સ્કૂલ દ્વારા તેમને અનુભવ પત્ર પણ નથી અપાયો.